RBIના રેટ કટ છતાં સેન્સેક્સ 192 પોઇન્ટ કટ
ડોલર સામે રૂપિયો 76 પૈસાના કડાકા સાથે 69.17ની સપાટીએ, રેટ સેન્સિટિવ શેર્સમાં અફરાતફરી
સેન્સેક્સ સવારે 59 પોઇન્ટ સુધરી ઉપરમાં 62 પોઇન્ટના સુધારા સાથે 38939 પોઇન્ટ થયો હતો. પરંતુ આરબીઆઇની વ્યાજદર કાપની જાહેરાતની સામે ફોરેક્સ માર્કેટમાં રૂપિયાના રકાસના સમાચારના કારણે વેચવાલીનું પ્રેશર રહ્યું હતું. છેલ્લા બે દિવસથી વિદેશી નાણાકીય સંસ્થાઓની પણ વેચવાલી રહી છે. તેના કારણે સામાન્ય રોકાણકાર વર્ગ પ્રત્યેક ઉછાળે પ્રોફીટ બુકિંગ કરી રહ્યો હોવાથી સળંગ ચાર દિવસના સુધારામાં ખાંચરો પડ્યો છે. સેન્સેક્સ એક તબક્કે 296 પોઇન્ટ સુધી ઘટી ગયો હતો. જોકે, રેટ સેન્સિટિવ ઓટો, બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં સેક્ટોરલ ઇફેક્ટ અનુસાર ચાલ જોવા મળી હતી. રૂપિયાની નબળાઇ છતાં આઇટી અને ટેકનોલોજી સેક્ટરમાં પણ વેચવાલીનું જોર જણાયું હતું.
રેટ સેન્સિટિવ સ્ટોક્સમાં મિક્સ ટ્રેન્ડ: રિયાલ્ટી, ઓટો, બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સહિતના રેટ સેન્સિટિવ સેક્ટર્સમાં આરબીઆઇના રેટ કટની અસર મિક્સ રહી હતી. ઓટો શેર્સમાં સુધારાની ચાલ રહી હતી. તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે, ગઇકાલે એસોચેમનો રિપોર્ટ હતો કે, દેશમાં વાહન વેચાણ વાર્ષિક 50 લાખ યુનિટ્સનું થઇ જશે. જોકે, બેન્કિંગ, કેપિટલ ગુડ્સ, રિયાલ્ટી સેક્ટરના શેર્સમાં તેમજ છતાં મોટાભાગે ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો હતો. ગોદરેજ પ્રોપર્ટીઝ 2.56 ટકા, પ્રેસ્ટિજ એસ્ટેટ 2.36 ટકા, મહિન્દ્રા લાઇફસ્પેસ 1.66 ટકા અને સનટેક રિયાલ્ટી 0.97 ટકા સુધર્યા હતા. જોકે, નિષ્ણાતો એવો સૂર વ્યક્ત કરી રહ્યા છે કે, વ્યાજદર ઘટાડાની પોઝિટિવ અસર આ તમામ સેક્ટર્સ ઉપર જોવા મળશે.
માર્કેટબ્રેડ્થ નેગેટિવ સેન્સેક્સ પેકમાં ટીસીએસ તૂટ્યો: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2699 પૈકી 1072 (39.72 ટકા) સ્ક્રીપ્સમાં ઘટાડો જ્યારે 1453 (53.83 ટકા) સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ ઉછાળે પ્રોફીટ બુકિંગનું રહ્યું છે. સેન્સેક્સ પેકની 31 પૈકી 14 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી તાતા મોટર્સ સૌથી વધુ 2.49 ટકાના ઉછાળા સાથે રૂ. 206.10 બંધ રહ્યો હતો. ભારતી 1.91 ટકા, એશિયન પેઇન્ટ 1.45 ટકા અને એચડીએફસી 1.42 ટકા સુધર્યા હતા. જ્યારે 17 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે પૈકી ટીસીએસ 3.17%, યસ બેન્ક 2.05%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.86% ઘટ્યા હતા.
વૈશ્વિક શેરબજારોમાં સુસ્ત ટોન: વૈશ્વક શેરબજારોમાં સુસ્ત ટોન રહ્યો હતો. યુરોપના મોટાભાગના બજારોમાં સાધારણ ઘટાડો રહ્યો હતો.
વિદેશી સંસ્થાઓ ફરી વેચવાલ બની: રૂ. 226 કરોડનું વેચાણ: વિદેશી નાણાકીય સંસ્થાઓ પણ છેલ્લા કેટલાંક દિવસોથી નેટ વેચવાલ રહી છે. આજે પણ રૂ. 226.19 કરોડની નેટ વેચવાલી નોંધાવી હતી. જોકે, સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 1206.16 કરોડની નેટ ખરીદીનો ટેકો જોવા મળ્યો હતો.
નિફ્ટી માટે 11550-11500ની ટેકાની સપાટી
બુધવારની નરમાઇ આગળ વધવા સાથે આજે નિફ્ટીએ 11600 પોઇન્ટની સાયોકોલોજિકલ તેમજ ટેકાની સપાટી ગુમાવી છે. આરબીઆઇ ઇફેક્ટ સાવ નબળી રહેવા સાથે કોન્સોલિડેશન વધુ ઘેરું બન્યું છે. જોકે, જ્યાં સુધી લેવલ્સને લાગે વળગે છે. નિફ્ટી 11550-11500 પોઇન્ટની ટેકાની સપાટી જાળવે તે જરૂરી છે. તે તૂટતાં નિફ્ટી 11450 પોઇન્ટ સુધી ઘટવાની શક્યતા ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ઉપરમાં 11630-11663 પોઇન્ટ સુધી જઇ શકે છે.
ઓટો ઇન્ડેક્સ 158 સુધર્યો
કંપની બંધ સુધારો
તાતા મોટર્સ 206.10 2.49
હીરો મોટો 2637.70 2.13
આયશર મો. 20503.00 1.65
એપોલો ટા. 222.30 1.32
આઇટી: 240 પોઇન્ટ તૂટ્યો
કંપની બંધ ઘટાડો
ટીસીએસ 2014.30 -3.17
ડેટામેટિક્સ 103.10 -2.46
HCL ટેક 1097.65 -1.74
ઇન્ફીબીમ 41.05 -1.56