રાજપથની 15 મેમ્બરશિપ માત્ર 2થી 5 લાખમાં વેચી દેવાઈ હતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપથ ક્લબ મેમ્બરશિપ કૌભાંડની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, હિતેશ દેસાઈએ બારોબાર વેચી દીધેલી 40માંથી 15 મેમ્બરશિપ એવી છે, જેમાં મેમ્બર્સને સીધા મેમ્બરશિપ કાર્ડ જ આપી દેવાયાં હતાં. આ 15 મેમ્બરે મેમ્બરશિપનાં ફોર્મ ભર્યાં નથી, કોઈ ડોક્યુમેન્ટ ક્લબમાં આપ્યાં નથી તેમ જ ક્લબની ટ્રાન્સફર ફી રૂ. 2.50 લાખ પણ ભરી નથી. આથી હિતેશ પાસેથી બારોબાર મેમ્બરશિપ કાર્ડ લેનારા આ 15 મેમ્બરોને પણ હવે વસ્ત્રાપુર પોલીસે કૌભાંડમાં સહઆરોપી બનાવશે.

વસ્ત્રાપુરના પીઆઈ એમ. એમ. જાડેજાના જણાવ્યાનુસાર, તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે જે ડિએક્ટિવ 40 મેમ્બરોની મેમ્બરશિપ બારોબાર વેચાઈ હતી. તેમાંથી 25 મેમ્બરનાં ફોર્મ ભરાવીને ડોક્યુમેન્ટ, ફોટા તેમ જ મેમ્બરશિપ ટ્રાન્સફર ફી લેવાઈ હતી. જ્યારે 15 મેમ્બર એવા હતા જેમની પાસેથી 2થી 5 લાખ રૂપિયા લઈને ફોટા પાડીને સીધા મેમ્બરશિપ કાર્ડ ઈશ્યૂ કરી દેવાયાં હતાં. તેમનાં ફોર્મ ભરવામાં આવ્યાં ન હતાં કે, ડોક્યુમેન્ટ લેવાયા ન હતા.

આરોપીએ ડિરેક્ટરની ખોટી સહી કરી
25 મેમ્બરશિપ ફોર્મમાં હિતેશ દેસાઇએ ડિરેક્ટર મુકેશ ઘીયાની ખોટી સહી કરી હતી. ફોર્મમાં મુકેશની સહી હોવાથી ફેનિલ અને જયેશે પણ સહીઓ કરી હતી. જેથી આ કૌભાંડમાં હાલમાં ફેનિલ શાહ કે જયેશ ખાંડવાલાની કોઇ સંડોવણી નહીં હોવાનું પોલીસનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...