• Gujarati News
  • National
  • Ahmedabad News Pragya Mohan Wins Gold In Bronze Mixed Team Event At Women In South Asian Games 055134

પ્રજ્ઞા મોહને સાઉથ એશિયન ગેમ્સમાં વિમેન્સમાં બ્રોન્ઝ- મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ સાધનો સહિતના બધા ખર્ચાઓને પહોંચી વળવા ચાર્ટડ અકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે પ્રજ્ઞા
શહેરની એથ્લિટ પ્રજ્ઞા મોહને તાજેતરમાં નેપાળમાં સાઉથ એશિયન ગેમ્સમાં ટ્રાયથ્લોન મિક્સ્ડ રિલે ઈવેન્ટમાં ગોલ્ડ અને વુમન રેસમાં બ્રોન્ઝ પોતાના નામે કર્યો હતો. પ્રજ્ઞા એક ક્વોલિફાઈડ ચાર્ટડ અકાઉન્ટન્ટ અને મોટિવેશનલ સ્પીકર પણ છે. તે રમત માટે જરૂરી ખર્ચાઓને પહોંચી વળવા ફ્રિલાન્સ સીએ તરીકે કાર્ય કરે છે. અન્ય ખેલાડીઓને ટક્કર આપતા તેણે 750 મીટર સ્વિમિંગ કર્યા બાદ 20 કિ.મી. સાઈક્લિંગ અને 5 કિ.મી. રનિંગ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે પ્રજ્ઞા મોહન, વિશ્વજીત સાઈખોમ, સરોજની દેવી અને એમ.એસ.આદર્શની ભારતીય ટીમે સાઉથ એશિયન ગેમ્સની મિક્સડ રિલે ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો. પ્રજ્ઞા વર્તમાન નેશનલ ચેમ્પિયન અને સાઉથ એશિયન ચેમ્પિયન છે. તે 2019માં મેડ્રિડ ટ્રાયથ્લોન વર્લ્ડ કપમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા હતી. પ્રજ્ઞા મોહને સ્પોર્ટ્સ કરિયર અંગે જણાવ્યું કે,‘હું બાળપણથી જ સ્પોર્ટ્સ સાથે જોડાયેલી છું, 2 વર્ષની હતી ત્યારથી પાણીમાં ઉતરવું ગમતું અને આ જ કારણે સ્વિમિંગ તરફ આગળ વધી. સ્વિમિંગ બાદ પ્રથમવાર હું 2014માં નેશનલ લેવલે ટ્રાયથ્લોનમાં ઉતરી અને મારી ટ્રેનિંગના કારણે ચેમ્પિયન બની. 2014માં જ નેશનલ ચેમ્પિયન હોવાના કારણે સાઉથ એશિયન ચેમ્પિયનશિયમાં ભાગ લીધો. જે પછી મે 2016, 2018, 2019માં પણ સાઉથ એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો, એપ્રિલ 2019માં હું ચેમ્પિયન બની.’

3 વખત અકસ્માતનો ભોગ બની છે પ્રજ્ઞા
પ્રજ્ઞાએ પોતાના કરિયર દરમિયાન થયેલી ઈજાઓ અંગે વાત કરતા જણાવ્યું કે,‘સાઈક્લિંગ ઈવેન્ટના કારણે હું 3 વખત અકસ્માતનો ભોગ બની છું. તાજેતરમાં સ્પેનમાં હું ટ્રેનિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બની હતી. આ અગાઉ ડિસેમ્બર 2017માં ઓસ્ટ્રેલિયામાં અને અમદાવાદમાં 2015માં અકસ્માત થયા છે. સાઈક્લિંગમાં અમારી સ્પીડ વધુ હોય છે, જેથી બ્રેકિંગ પાવર વધુ નથી હોતો. ઘણીવાર આવી ઘટનાઓનો સામનો કરવો પડતો હોય છે.’

માત્ર સાઈકલ જ 4 લાખ રૂપિયાની
પ્રજ્ઞા મોહને જણાવ્યું કે, ‘ટ્રાયથ્લોનમાં રનિંગ, સાઈક્લિંગ અને સ્વિમિંગ એમ ત્રણ રમતો સામેલ છે, જેથી ખર્ચાઓ તો વધુ જ રહેવાના. મારી સાઈકલની કિંમત જ 4 લાખ રૂપિયા છે. મારી કોચ સ્પેનની છે તો હું પ્રયાસ કરું છું કે મોટાભાગે ત્યાં રહું કારણ કે ત્યાં અમારું ગ્રૂપ છે, પરંતુ સાઈકલ ઉપરાંત રહેવા અને ટ્રાવેલિંગનો ખર્ચ વિદેશી ચલણમાં કરવાનો રહે છે. હું ફ્રિલાન્સર સીએ તરીકેના પ્રોજેક્ટ્સ કરું છું, જેથી સ્પોર્ટ્સ સંબંધિત ખર્ચાઓને પહોંચી વળું. જે-તે ટૂર્નામેન્ટ જીતવા પર મળનારી પ્રાઈઝમનીનો ઉપયોગ પણ મોટાભાગે સ્પોર્ટ્સ કરિયરને આગળ વધારવા માટે કરું છું. મારું વિઝન છે કે હું 2024 ઓલિમ્પિકમાં ભાગ લઉં અને આ માટે હું તમામ પ્રયાસ કરી રહી છું.’

અન્ય સમાચારો પણ છે...