તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LRDની પરીક્ષામાં પોલીસ બીજા પ્રયત્ને પાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેપર લીકને કારણે ખૂબ વગોવાયેલી લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂરી થતાં પોલીસ બીજા પ્રયત્ને પાસ થઈ હોય તેમ લાગે છે. રવિવારે રાજ્યભરમાં ફરી યોજાયેલી પરીક્ષામાં 8.76 લાખ ઉમેદવારોમાંથી 6.65 લાખે પરીક્ષા આપી હતી. બીજી તરફ જિલ્લાના 28 હજારથી વધારે ઉમેદવારોએ 90 કેન્દ્રોના 934 બ્લોકમાં પરીક્ષા આપી હતી. સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. પરીક્ષાર્થીઓને નિયત સમયે પરીક્ષા સ્થળે પહોંચતા કરવા માટે એસ ટી ડેપો દ્વારા 60થી વધુ એસ ટી બસોના પૈડાને સતત બે દિવસ સુધી દોડતા રાખવામાં આવ્યા હતા. પરીક્ષામાં કોઇ જ પ્રકારની ક્ષતિ રહી જાય નહી તે માટે જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણતંત્ર અને એસ ટી ડેપો સતત બે દિવસથી સ્ટેન્ડ ટુની સ્થિતિમાં રહ્યા હતા.

બસમાં બેસવા માટે જગ્યા રોકવા વિદ્યાર્થીઓ બારીમાંથી ચડયા હતા
સોલામાં ચોરી કરતો વિદ્યાર્થી ઝડપાયો
સોલામાં આવેલી યુટોપિયા સ્કૂલમાં લોકરક્ષક દળની રવિવારે યોજાયેલી પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો પૈકી જયેશ વિહાભાઈ ચૌધરી ( રહે.ગામ બોરિયાવી, જિલ્લો મહેસાણા) પોતાના જેકેટમાં ચોરખાનું બનાવી મોબાઈલ પરીક્ષાખંડમાં લઈ ગયો હતો. દરમિયાન પ્રશ્નપત્ર આવતા તેણે મોબાઈલથી ફોટો પાડી વોટસઅપ મારફતે કોઈને મોકલી આપ્યું હતું. આ બાબતે પરીક્ષા નિરીક્ષકના ધ્યાને આવતા જયેશને પકડી લેવાયો હતો અને તેનો ફોન કબજે કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે સ્કૂલના કર્લાકની ફરિયાદના આધારે પોલીસે જયેશની ધરપકડ કરી હોવાનું સોલા પી.આઈ. ગઢવીએ જણાવ્યું હતું.

એસટી ડેપો પર બસમાં બેસવા વિદ્યાર્થીઓએ ભારે ધક્કામુક્કી કરી હતી.

ઉનામાંથી પીધેલી હાલતમાં 1 ઝડપાયો
ઊનાનાં દેલવાડા કેન્દ્ર પર એલઆરડીની પરીક્ષા આપવા ગયેલો જૂનાગઢનો યુવાન કુલદીપ બાસિયા નશાની હાલતમાં જોવા મળતાં પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દાહોદમાં યુવતીને અધૂરું પ્રશ્નપત્ર મળ્યું
દાહોદના લીમડી કેન્દ્રમાં યુવતીને 100 પ્રશ્નોમાંથી 57 પ્રશ્નો વગરનું પેપર મળતાં વિવાદ સર્જાયો હતો. જોકે, યુવતીને પેપર બદલી નહીં અપતાં તેને 43 પ્રશ્નોના જવાબ આપીને જ સંતોષ માની લેવો પડ્યો હતો.

પરીક્ષા આપવા જતાં યુવકનું કપડવંજમાં મોત
માલપુર તાલુકાના ફાંસારેલનો યુવક વિપુલ ખાંટ બાઇક લઇ કપડવંજ ખાતે એલઆરડીની પરીક્ષા આપવા જઇ રહ્યો હતો. ત્યારે વહેલી સવારે બાયડ તાલુકાના સરસોલ પાસે બાઇક વૃક્ષ સાથે ટકરાતાં પરીક્ષાર્થી યુવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગેરરીતિ રોકવા બાયોમેટ્રિક હાજરી
પરીક્ષામાં ડમી ઉમેદવારોને ઝડપી લેવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા દરેક ઉમેદવારોની બાયોમેટ્રિક હાજરી લેવામાં આવી હતી. બાયોમેટ્રિક હાજરી માટે ઉમેદવારોને પરીક્ષા શરૂ થાય તેના ત્રણ કલાક પહેલાં બોલાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...