Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નિફ્ટી:10000ની સપાટી જાળવવી અતિ મહત્વની
ઇક્વિટી માર્કેટમાં આગામી શોર્ટટર્મ ટ્રેન્ડ કેવો રહેશે તે અંગે સ્પષ્ટ પણે જો કોઇ કહી શકતું હોય તો તે પાનના ગલ્લે કે ટોળામાં ઉભેલા ટીડા જોશીઓ કહી શકે તેમ છે. બાકી ટેકનિકલ હોય ફન્ડામેન્ટલ હોય કે ઇકોનોમિક એનાલિસ્ટ્સની બોબડી બંધ થઇ ગઇ છે. શુક્રવારે 5000 પોઇન્ટની એક દિવસીય ઐતિહાસિક વોલેટિલિટીમાં લાખ્ખો કરોડો રોકાણકારોની મૂડીને શું થયું હશે તે સવાલનો જવાબ એટલો જ હોઇ શકે કે, તમે એ દિવસે શું ખરીદ્યું અને શું વેચ્યું હતું, કે ડે ટ્રેડિંગમાં એક પણ સોદો કરી શક્યા હતા ખરાં?
તમારા એકલાનો નહિં 100માંથી 99 ટકા રોકાણકારોનો જવાબ ના જ હોય તે સ્વાભાવિક છે અને કોમર્સનો વણલખ્યો નિયમ છે કે, કાગળ ઉપરના નફા કે નુકસાનનું કોઇ મૂલ્ય હોતું નથી. પરંતુ સાપ્તાહિક ખરખરો કરીએ તો જોવા મળ્યું છે કે, બીએસઇના માર્કેટકેપમાં છેલ્લા સપ્તાહ દરમિયાન રૂ. 15.05 લાખ કરોડનું ધોવાણ થયું છે. સેન્સેક્સ પણ 37577 પોઇન્ટના લેવલ સામે એક તબક્કે 30000 પોઇન્ટની સપાટી પણ ગુમાવી શુક્રવારે 29388.97 પોઇન્ટ થઇ ગયા બાદ છેલ્લે 34103.48 પોઇન્ટે બંધ રહ્યો હતો. જે સાપ્તાહિક ધોરણે 3474 પોઇન્ટનો કડાકો દર્શાવે છે. નિફ્ટી પણ નીચામાં 8555.15 પોઇન્ટ થઇ ગયા બાદ છેલ્લે સાપ્તાહિક 957 પોઇન્ટના ધોવાણ સાથે 10023.65 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માત્ર ચાર ટ્રેડિંગ સેશનમાં રૂ. 15.05 લાખ કરોડનું ધોવાણ નાની સૂની રકમ ના ગણાવી શકાય. સેન્સેક્સની આગેવાની હેઠળ તમામ સેક્ટોરલ્સમાં પણ ઘટાડો નોંધાયો છે. બીએસઈ-500 ઇન્ડેક્સની 300થી વધુ કંપનીઓ 10-40 ટકા સુધીનો ઘટાડો નોંધાવી ચૂકી છે. તેમાંથી આશરે 75 કંપનીઓ 20-40 ટકા ધોવાણ ધરાવે છે.
યુએસમાં સ્ટિમ્યુલસ પેકેજ દ્રારા કોરોના વાયરસની અસર હળવી કરવા પ્રયાસ કરાયો છે. તેનાથી માર્કેટમાં રાહત રેલી જોવા મળી છે. પરંતુ સામે WHOએ કોરોનાને મહામારી ઘોષિત કર્યો છે. જેના કારણે માર્કેટ સેન્ટિમેન્ટ ફરી એકવાર ખરડાયું છે. મોટાભાગના નિષ્ણાતો એકી સૂરે માને છે કે જો કોરોના કન્ટ્રોલમાં નહિં આવે તો વર્લ્ડ ઇકોનોમિને ગંભીર ખતરો ઊભો થશે. તેની સીધી અસર શેરબજારોના સેન્ટિમેન્ટ ઉપર પડી શકે છે.
નિફ્ટી- બેન્ક નિફ્ટી: ટેકનિકલ વ્યૂ: બુલિશ
{સાર્વત્રિક વેચવાલીના પ્રેશરમાં નિફ્ટી-50 ત્રણ વર્ષના તળિયે સ્પર્શી ગયો છે
{જો નિફ્ટી 10600 પોઇન્ટની સપાટી ઉપર ટકી રહે તો સુધારાની આગેકૂચ જોવા મળી શકે.
{બેન્ક નિફ્ટીએ પણ તેની લોઅર બેન્ડ તોડવા સાથે 35 માસનું તળિયું નોંધાવ્યું છે
{બેન્ક નિફ્ટી પણ જો 27500 પોઇન્ટની સપાટી ઉપર સળંગ 3 દિવસ બંધ રહેતો સુધારો આગળ વધી શકે.
નિફ્ટી- બેન્ક નિફ્ટીના વીકલી સપોર્ટ- રેઝિસ્ટન્સ
વિગત નિફ્ટી બેન્ક નિફ્ટી
S1 9000 23600
S2 8500 20900
R1 10600 27500
R2 11100 29600
વિદેશી રોકાણકારોની એકતરફી ધૂમ વેચવાલી
વિદેશી નાણાકીય સંસ્થાઓની વિતેલા સપ્તાહ દરમિયાન રૂ. 16000 કરોડની નેટ વેચવાલી રહી હતી. એકલા માર્ચ માસમાં જ તેઓ રૂ. 30000 કરોડ પાછા ખેંચી ચૂક્યા હોવાનું સેબીના પ્રોવિઝનલ આંકડાઓ દર્શાવે છે. સામે સ્થાનિક સંસ્થાઓની ખરીદીનો મર્યાદિત ટેકો માર્કેટમાં સુધારા માટે ટૂંકો પડી રહ્યો છે.
વર્લ્ડ ઇકોનોમિ અને માર્કેટ્સમાં વોલેટિલિટી જારી રહેશે, શાણા રોકાણકારો સાવધાન રહો!!
ડોલર સામે રૂપિયાએ રૂ. 74ની સપાટી ગુમાવી
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાએ શુક્રવારે 74ની સપાટી ગુમાવવા સાથે રૂ. 74.50 થઇ ગયો હતો. પરંતુ પાછળથી સુધારો રહ્યો હતો. જોકે, સપ્તાહ દરમિયાન રૂપિયો પણ ડોલર સામે 13 પૈસાની નરમાઇ સાથે 73.79ની સપાટીએ બંધ રહ્યો હતો. અન્ય કરન્સી સામે પણ રૂપિયામાં સાધારણ નરમાઇ રહી હતી.
ટેકનિકલી બુલિશ- બેરિશ ટ્રેન્ડ ધરાવતા શેર્સ
બુલિશ ટ્રેન્ડ ધરાવતી સ્ક્રીપ્સ
કંપની છેલ્લો બંધ સપોર્ટ રેઝિસ્ટન્સ
સ્ટેટ બેન્ક 242 215 295
તાતા સ્ટીલ 327 290 390
એચડીએફસી બેન્ક 1070 995 1215
સિપલા 426 385 485
હિન્દ પેટ્રો. 198 175 225
બેરિશ ટ્રેન્ડ ધરાવતી સ્ક્રીપ્સ
કંપની છેલ્લો બંધ સપોર્ટ રેઝિસ્ટન્સ
ભારત ફોર્જ 378 305 430
યુપીએલ 411 360 440
ઝીલિ. 183 155 205