• Gujarati News
  • કર્ણાવતી ક્લબના તમામ ડિરેક્ટર્સની ચૂંટણી માટે આર.ઓ.સી. સમક્ષ માગ

કર્ણાવતી ક્લબના તમામ ડિરેક્ટર્સની ચૂંટણી માટે આર.ઓ.સી. સમક્ષ માગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાએસજી હાઈવે પર આવેલ કર્ણાવતી ક્લબના 7 ડિરેક્ટરોની ચૂંટણી 21મી ઓગસ્ટે યોજાનાર છે. કર્ણાવતી ક્લબની ચૂંટણીના મુદ્દે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં ફરિયાદ કરાઈ છે અને ક્લબના તમામ 36 ડિરેક્ટરની ચૂંટણી યોજવી જોઈએ તેવી રજૂઆત કરી છે. ક્લબની 20 ઓગસ્ટે યોજાનાર વાર્ષિક સામાન્ય સભામાં 7 ડિરેક્ટર્સ નિવૃત્ત થનાર છે અને તે ડિરેક્ટરો માટે 21 ઓગસ્ટે ચૂંટણી યોજાશે અને 22 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે.

કર્ણાવતી ક્લબના મેમ્બર અનિલ શાહે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ લેખિત રજૂઆત કરી તમામ સભ્યો માટે ચૂંટણી યોજવાની માંગણી કરી છે. 36 ડિરેક્ટરોનું ઈલેક્શન ડ્યૂ છે પરંતુ હાલના મેનેજમેન્ટે ફક્ત 7 ડિરેક્ટરોની ચૂંટણી યોજવાનું જાહેર કરીને ક્લબના સભ્યોના મૂળભૂત હકોને દબાવીને કાયદાનો તેમજ ક્લબના નિયમોનો ભંગ કરી રહ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ રજૂઆતમાં અનિલ શાહે મહત્વની બાબતે ધ્યાન દોર્યું છે. કર્ણાવતી ક્લબમાં છેલ્લે 2012માં ઈલેક્શન યોજાયું હતું. ત્યારે 12 ડિરેક્ટર્સની ચૂંટણી થનાર હતી, પરંતુ 8 ડિરેક્ટર્સની ચૂંટણી જાહેર કરાઈ હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે, હાલનું મેનેજમેન્ટ સ્થાપિત હિતો માટે 36 ડિરેક્ટર્સની ચૂંટણી આપતું નથી. તમામ ડિરેક્ટર્સની ચૂંટણી આપીને સંચાલકો ક્લબના આશરે 10 હજાર સભ્યોના હકો પર તરાપ મારી રહ્યા છે. નવા મેમ્બર 7 વર્ષ સુધી ચૂંટણી લડી શકે નહીં તેવા ઠરાવ હાલના સંચાલકોએ પસાર કર્યા છે. ઠરાવનો પોતે ભોગ બન્યા હોવાનું અનિલ શાહે લેખિત ફરિયાદમાં જણાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું છે કે, ક્લબનું મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂશનલ મેમ્બરશિપ આપવામાં પણ વ્યાપક ગેરરીતિ આચરતું હોય તેમ લાગે છે. 5મી ઓગસ્ટ પછી ઉમેદવારી ફોર્મ ભરવા સાથે ક્લબની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થનાર હોવાથી ઉપર્યુક્ત ફરિયાદના સંદર્ભમાં તત્કાળ પગલાં ભરવા તેમણે આર.ઓ.સી. સમક્ષ માગણી કરી છે.

21 ઓગસ્ટની AGMમાં 7 ડિરેક્ટર નિવૃત્ત થશે