• Gujarati News
  • સંબંધ રાખવા માટે દબાણ કરનાર શિક્ષક સામે ફરિયાદ

સંબંધ રાખવા માટે દબાણ કરનાર શિક્ષક સામે ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણવર્ષથી વિદ્યાર્થિનીના એક તરફી પ્રેમમાં પાગલ શિક્ષકે વિદ્યાર્થિનીને તેના મંગેતર સાથે જોતાંની સાથે રસ્તામાં ઊભી રાખી દીધી હતી અને હાથ પકડીને ધમકી આપી હતી કે ‘જો તું મારી સાથે નહીં બોલે તો હું તારા મંગેતર અને ભાઇ બંનેને મારી નાખીશ’.જો કે અગાઉ શિક્ષકે કરેલી હરકતો વિદ્યાર્થિની અને તેના પરિવારના સભ્યો નજર અંદાજ કરી રહ્યા હતા. જો કે આટલું કર્યા પછી પણ વિદ્યાર્થિનીના પરિવારના સભ્યો શાંત બેસી રહેતા શિક્ષકે વિદ્યાર્થિનીને ગિફટમાં મોબાઈલ ફોન મોકલ્યો હતો. આખરે થાકીને વિદ્યાર્થિનીએ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષકને જેલમાં મોકલી આપ્યો છે.

ચાંદલોડિયામાં રહેતો બ્રિજેશ અનિરુદ્ધ પટેલ (23) ચાંદલોડિયાની ભાવિક સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. ઉપરાંત બ્રિજેશ ચાંદલોડિયા મમતા પાર્કમાં ખાનગી ટ્યૂશન ક્લાસ ચલાવે છે. ભાવિક સ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરતી કવિતા(નામ બદલેલ છે) 8મા ધોરણમાં હતી ત્યારથી બ્રિજેશ તેના એક તરફી પ્રેમમાં હતો. આટલું નહીં તે વખતે બ્રિજેશે કવિતાને કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું.

બ્રિજેશ સરની વાત સાંભળીને કવિતા સ્તબ્ધ થઇ ગઇ હતી,જો કે કવિતાએ અંગે ઘરે જઇને વાત કરતા તેના માતા-પિતા રૂબરૂ સ્કૂલે ગયા હતા અને બ્રિજેશને સમજાવ્યો હતો. થોડા દિવસ બ્રિજેશ શાંત પડી ગયો હતો પરંતુ થોડા થોડા દિવસે તે કવિતાને રસ્તામાં રોકીને હેરાન પરેશાન કરતો હતો અને કવિતા તેની અવગણના કરે તો ધાક ધમકી આપતો હતો.

દરમિયાનમાં તા.18 જુલાઇના રથયાત્રાના દિવસે રાતે પોણા આઠ વાગ્યે કવિતા એક છોકરા સાથે ચાંદલોડિયા વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે બ્રિજેશે બંનેને રોક્યા હતા અને કવિતાને પૂછતા તે છોકરો બીજો કોઇ નહીં પરંતુ તેનો મંગેતર હોવાનું જાણવા મળ્યું હતું. કવિતાની વાત સાંભળીને બ્રિજેશ ઉશ્કેરાયો હતો અને જાહેરમાં કવિતાનો હાથ પકડીને ધમકી આપી હતી કે તારે મારી સાથે બોલવું પડશે અને જો તું મારી સાથે નહીં બોલે તો હું તારા મંગેતર અને ભાઇને મારી નાખીશ. ઘરે જઇને પરિવારના સભ્યોને વાત કરી હતી.તેમ છતાં બ્રિજેશે તેની હરકતો ચાલુ રાખી હતી અને તેના ક્લાસીસમાં ભણવા આવતા એક વિદ્યાર્થીની બહેન અને કવિતા બંને બહેનપણી હોવાથી બ્રિજેશે તેના મારફતે કવિતાને ગિફટમાં મોબાઈલ ફોન મોકલ્યો હતો.આટલુ થયા પછી પણ બ્રિજેશ નહીં સુધરતા કવિતાના પરિવારના સભ્યોએ ફરિયાદ કરવાનું નક્કી કરતા કવિતાએ બ્રિજેશ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એક તરફી પ્રેમ | ચાંદલોડિયાના પ્રેમાંધ શિક્ષકે વિદ્યાર્થિનીનો જાહેરમાં હાથ પકડ્યો

‘તું નહીં બોલે તો તારા મંગેતરને ખતમ કરી દઇશ’