Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
6 ગાયની ચોરી કરી કતલ કરી માંસ વેચવાના કૌભાંડમાં બે ઝબ્બે
ચિલોડાથી ઈનોવા કારમાં ગાયોની ચોરી કરાઇ હતી
ચિલોડાનાદેવર્શી ફ્લેટ પાસેથી ઈનોવા ગાડીમાં 6 ગાયની ચોરી કરીને સાબરમતી નદીના પટમાં ગાયોની કતલ કરી માંસ અને હાડકાં કસાઇઓને વેચી દેવાના કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે 2 કસાઇની ધરપકડ કરી છે. જ્યારે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
તાજેતરમાં દેવર્શી ફલેટ પાસેથી કસાઇઓ ઈનોવા ગાડીમાં 6 ગાય ચોરી ગયા હતા. જે અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સિદ્દીક ઉર્ફે જગો ફકીર મહંમદ બેલીમ (37)(જુહાપુરા, મહંમદ સોયેબ સોસાયટી) અને રિયાજુજ્જીન ઉર્ફે રીયાઝ ઉર્ફે ઉરફાન ઉર્ફે કાલિયા સલીમભાઇ શેખ (23)(રોનક પાર્ક,વેજલપુર)ને ઝડપી લીધા છે.
બંનેની પોલીસે કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેમણે તેમના સાગરીત મહંમદહનીફ ઉર્ફે અનવર ઉર્ફે અન્નુ ઈબ્રાહિમભાઇ કુરેશી(દાણીલીમડા), સહેજાદ ઉર્ફે બબનખાન પઠાણ (ધોળકા) સાથે મળીને ઈનોવા ગાડીમાં 6 ગાયની ચોરી કરી તે ગાયોને સાબરમતી નદીના પટમાં લઇ ગયા હતા અને ત્યાં ગાયોને કતલ કરીને માંસ અને હાડકાં તે ગાડીમાં ભરીને શાહઆલમ દરગાહ સામેની ગલીમાં મટનની દુકાન ધરાવતા ઝુબેર સત્તારભાઇ મેમણને વેચ્યું હોવાની કબૂલાત કરી હતી.જેના આધારે પોલીસે મહંમદહનીફ,સહેજાદ અને ઝુબેરની શોધખોળ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસે અંગે વધુ તપાસ હાથ ધરી કૌભાંડમાં વધુ કોઇની સંડોવણી છે કે નહીં તે અંગે ચક્રો ગતિમાન કર્યા છે.