• Gujarati News
  • પંજાબમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઈએલર્ટ જાહેર

પંજાબમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઈએલર્ટ જાહેર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંજાબમાંથયેલા આતંકવાદી હુમલાના પગલે રાજ્યના પોલીસ વડાએ ગુજરાતમાં હાઈએલર્ટ આપી દીધું છે. ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં સુરક્ષા એજન્સીઓને સતેજ કરી દેવામાં આવી છે. જોકે અક્ષરધામ, 2008 સિરિયલ બ્લાસ્ટ કેસ જેવા આતંકી હુમલાથી અગાઉ પણ ધમધમી ઊઠેલું અમદાવાદ-ગાંધીનગર આતંકીઓનું સોફ્ટ ટાર્ગેટ ફરીથી બની શકે તેમ હોવાથી બંને શહેરોમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

સુરક્ષા એજન્સીઓને મોટા શહેરોમાં ડ્રાઈવ યોજીને શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ કરવા નિર્દેશ અપાયા છે.

અંબાજી, દ્વારકા, સોમનાથ અને ડાકોર જેવા મોટા મંદિરો અને અન્ય યાત્રાધામોમાં પણ પોલીસફોર્સ વધારી દેવાઈ. બીજી બાજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ તેમજ ભારતની જળસીમામાં ઘુસણખોરી પર ચાંપતી નજર રાખવા આવી રહી છે.

અમદાવાદ, બરોડા, રાજકોટ, ભુજ, કંડલા, કેશોદ, દીવ, પોરબંદર અને જામનગર સહિતના એરપોર્ટ પર પણ સુરક્ષા વધુ મજબૂત બનાવી દેવાઈ છે. ઉપરાંત રાજ્યના મોટા રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેન્ડ ઉપર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.