જેલ પર હુમલાની કે આતંકીને ભગાડવાના ષડયંત્રની થિયરી પર તપાસ
બ્લાસ્ટના આરોપી પાસેથી સાબરમતી જેલના ફોટા, છાપાનાં કટિંગ પકડાયાં
અમદાવાદમાં 2008માં થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસના નાસતો ફરતો આરોપી તૌસીફ ખાન 14 નવેમ્બરે બિહાર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. જેને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ટ્રાન્ઝિટ વોરંટના આધારે અમદાવાદ લઈ આવી છે અને તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો.
પોલીસને તૌસીફ પાસેથી અમુક વર્તમાન પત્રોના કટિંગ મળી આવ્યા હતા,જેની તપાસ કરતા મોટા ભાગના કટિંગ સાબરમતી સેન્ટ્રલ જેલના હોવાનું જાણવા મળ્યું હતું તેમાંય રહસ્યમય રીતે એક ફોટામાં સાબરમતી જેલના મુખ્ય દરવાજા પર લાગેલા તાળાને લાલ કલરથી રાઉન્ડ કરવામાં આવ્યું હોવાનું નજરે પડતા પોલીસ ચોંકી ઊઠી હતી.
તૌસીફ બાંગ્લાદેશ ભાગી જવાનો હતો
અમદાવાદમાંથી નાસી ગયા બાદ તૌસીફે બિહારના ગયાખાતે ત્યાંના સ્થાનિક રહીશ સરવરખાનની મદદથી આશરો લીધો હતો. એન્જિનિયરિંગનો અભ્યાસ ધરાવતો તૌસીફ ત્યાં ટ્યૂશન શિક્ષક તરીકે અતિક નામથી રહેતો હતો . તેણે બિહારમાંથી બાંગ્લાદેશમાં રહેતા સિમીના ભૂતપૂર્વ સભ્યોની મદદથી બાંગ્લાદેશ નાસી છૂટવાનો પ્લાન ઘડ્યો હતો જો કે તેની મુરાદ બર આવે તે પહેલા બે બાળકોને સખ્ત માર મારવા બાબતે પોલીસમાં ફરિયાદ થતા તેની શંકાસ્પદ વર્તણૂકને પગલે તે બિહાર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
9વર્ષથી બિહાર હતો તો માહિતી કોણે આપી?
અમદાવાદમાંથીનાસી છૂટી બિહારમાં ગયા ખાતે છેલ્લા નવ વર્ષથી રહેતા તૌસીફને સાબરમતી સેન્ટ્રલ જેલના ફોટા રાખવાની શું જરૂર હોઈ શકે તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે. પોલીસે બાબતને ગંભીરતાથી લઈ તૌસીફને અન્ય લોકો સાથે મળી જેલ પર હુમલાની કે જેલમાં બંધ આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ લોકોને ભગાડવાનું કોઈ ષડયંત્ર તો નથી ઘડવામાં આવ્યું તેની તપાસ હાથ ધરી છે.