વન્સ ઈન બ્લૂ મૂન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એકમહિનામાં જો બે પૂનમ આવે તો બીજી પૂનમને અંગ્રેજીમાં બ્લૂ મૂન કહેવાય છે. શુક્રવાર 31 જુલાઇના રોજ એક તરફ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવાતો હશે અને બીજી તરફ બ્લૂ મૂનનો નજારો પણ જોવા મળશે એટલે ધર્મ અને વિજ્ઞાનનો સુભગ સંયોગ સર્જાશે.

સાયન્સ સિટીના સિનિયર સાયન્ટીસ્ટ ડો.નરોત્તમ સાહુએ જણાવ્યું હતું કે તા.31 જુલાઇએ સાંજે 7.15 વાગ્યા બાદ બ્લૂ મૂન જોવા મળશે એટલે કે તે ભૂરા રંગનો નહીં પરંતુ જો આકાશ સ્વચ્છ હશે તો ચંદ્ર વધારે પ્રકાશિત અને મોટો જોવા મળશે. નાગરિકો નરી આંખે બ્લૂ મૂનનો નજારો માણી શકશે. વખતે જુલાઇમાં તા.2ના રોજ પૂનમ હતી અને હવે તા.31મીએ બીજી પૂનમ છે એટલે તેને અંગ્રેજીમાં બ્લૂ મૂન કહેવાય છે. અગાઉ આવું ગત તા.31 ઓગસ્ટ 2012ના રોજ થયું હતું અને હવે ભવિષ્યમાં આગામી તા.21 મે 2016, તા.18 મે 2019 અને તા.22 ઓગસ્ટ 2021ના રોજ ફરીથી બ્લૂ મૂન જોવા મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બ્લૂ મૂન સાથે કેટલીક અંધશ્રધ્ધા જોડાયેલી છે પરંતુ લોકોએ તેની અવગણના કરવી જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે કોઇ એક સિઝનમાં ત્રણ કે ચાર વખત પૂનમ આવે અથવા તો એક મહિનામાં બે પૂનમ આવે તો તેને અંગ્રેજીમાં બ્લૂ મૂન કહેવાય છે અને બ્લૂ મૂનને ચંદ્રના રંગ સાથે કોઇ લેવાદેવા નથી. બ્લૂ મૂનની ઘટના દર બે કે ત્રણ વર્ષે સર્જાતી હોય છે અને 19 વર્ષના સમયગાળામાં સાત વખત સર્જાય છે. અંગ્રેજી ભાષામાં સામાન્યપણે જવલ્લે બનતી ઘટનાને પણ બ્લૂ મૂન તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં ‘બ્લૂ મૂન’ વિષય પર સંખ્યાબંધ નવલકથાઓ લખાઇ છે અને રોમેન્ટિક ફિલ્મો પણ બની છે. ગુરુ પૂર્ણિમા અને બ્લૂ મૂનનો સંયોગ માત્ર યોગાનુયોગ છે તેની પાછળ કોઈ તર્ક કે તુક્કા નથી. લોકોએ માત્ર તેની મજા લેવાની છે.

બ્લૂ મૂનની ફાઈલ તસવીર.

આજે ગુરુપૂર્ણિમા અને બ્લૂ મૂનનો અનોખો સંયોગ