• Gujarati News
  • ચેમ્બરની ચૂંટણીમાં 57 ઉમેદવારે ફોર્મ ખેંચ્યાં : પ્રેશર ટેક્ટિકની ચર્ચા

ચેમ્બરની ચૂંટણીમાં 57 ઉમેદવારે ફોર્મ ખેંચ્યાં : પ્રેશર ટેક્ટિકની ચર્ચા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 13 જૂને યોજાનારી ચૂંટણી માટે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ સહિત 48 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. બુધવારે ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાના છેલ્લા દિવસે કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં હતાં. સમીર પટેલ, જયેન્દ્ર તન્ના અને બિપિન પટેલ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જ્યારે બિમલ પરીખ, શૈલેશ પટવારી અને બિપિનચંદ્ર શાહે વાઇસ પ્રેસિડેન્ટના હોદ્દાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જોકે ચેમ્બરની કારોબારીમાં કે અન્ય કમિટીઓમાં સ્થાન મેળવવાની નેમ સાથે કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા અને તે અંગે પ્રેશર ટેક્ટિક અજમાવ્યા પછી ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચ્યાં હોવાનું ચેમ્બરમાં ચર્ચાઈ રહ્યું છે.

રાજ્યના વેપારીઓ અને ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા ચેમ્બરની ચૂંટણી માટે 105 ફોર્મનું વિતરણ કરાયું હતું અને તેમાંથી 74 ફોર્મ ભરાયાં હતાં. ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે કેટલાક ઉમેદવારોએ સમાધાનની ભૂમિકારૂપે ફોર્મ પરત ખેંચ્યાં હોવાનું જાણવા મળે છે. 13મી જૂને ચૂંટણી યોજાય ત્યાં સુધીમાં હજુ વધુ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાય તેવી શક્યતા છે. જોકે હવે ફોર્મ પાછું ખેંચનારા લોકોને ડિપોઝિટની 10 હજારની રકમ પરત નહિ મળે. ચેમ્બરની વિવિધ કમિટીઓમાં અને કારોબારીમાં એટલે કે ઈન્વાઈટી અને કો-ઓપ્ટ મેમ્બર તરીકે સ્થાન મેળવ્યા પછી કદાચ એકાદ મીટિંગમાં હાજર રહ્યા હોય તેમ મીટિંગમાં ભાગ્યે બોલ્યા હોય તેવા સભ્યોએ પણ ફરીથી ઈન્વાઈટી સભ્ય બનવાના આશયથી ઉમેદવારી ફોર્મ ભર્યાં છે અને સમજાવટ, સમાધાન બાદ ફોર્મ પરત ખેંચાય તેવું ચર્ચાઈ રહ્યું છે.