• Gujarati News
  • National
  • લિંકન ઈન્ડિયા ટૂર્સના સંચાલકની ધરપકડ

લિંકન ઈન્ડિયા ટૂર્સના સંચાલકની ધરપકડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
19હજારમાં બેંગકોકની ટૂર આપવાના બહાને સંખ્યાબંધ લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરનાર લિંકન ઈન્ડિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક પારસ યાદવની મંગળવારે રાતે ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે. જો કે ગુનામાં પારસની પત્ની જ્યોતિકાબહેનની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.

લિંકન ઈન્ડિયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક પારસ યાદવ અને તેની પત્ની જ્યોતિકાબહેને ભેગા મળીને બેંગકોક-થાઈલેન્ડની ટૂરના બહાને સંખ્યાબંધ લોકો સાથે ઠગાઇ કરી હતી. તેમાં પણ કેટલાય ગ્રાહકો પાસેથી બેંગકોકની ટૂરના 55 થી 60 હજાર રૂપિયા લીધા હતા. જ્યારે પુના-નાસિક અને આસપાસના વિસ્તારોમાં ફ્રેન્ચાઈઝી આપીને તેમજ એજન્ટો નિમીને રૂ.19 હજારમાં બેંગકોકની ટૂર આપવાની જાહેરાત કરી હતી.

પારસની લોભામણી જાહેરાતથી પ્રભાવિત થઇને પુના-નાસિક તેમજ આસપાસના વિસ્તારના એજન્ટોએ મોટી સંખ્યામાં લોકો પાસેથી બેંગકોકની ટૂરના બુકિંગ લીધા હતા.આટલું નહીં બુકિંગના પૂરેપૂરા પૈસા પણ પારસને આપી દીધા હતા. ફેબ્રુઆરીથી જૂન સુધીમાં પારસે સંખ્યાબંધ લોકોના ટૂરના બુકિંગના પૈસા મેળવી લઇ ટૂર કેન્સલ કરાવી પૈસા ચાંઉ કરી લીધા હતા.

જો કે મુંબઈના રહેવાસી અરશદ ખાને તેમના પત્ની અને દીકરા સાથે બેંગકોક જવા માટે પારસ પાસે રૂ.1.60 લાખમાં ટૂર બુક કરાવી હતી.પરંતુ પારસે તેમની સાથે છેતરપિંડી કરી હોવાથી અરશદ ખાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જ્યારે પારસે પુનામાં જેને ફ્રેન્ચાઈઝી આપી હતી તે ગૌરવ શીરસદ સાથે પણ પારસે રૂ.21 લાખની છેતરપિંડી કરી હોવાથી તે પણ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યા હતા. જેના આધારે ચાંદખેડા પોલીસે પારસ અને તેની પત્ની જ્યોતિકાબહેન વિરુદ્ધ ગુનો નોંધી મંગળવારે રાતે પારસની ધરપકડ કરી છે.

ચાંદખેડા પીઆઈ એન.એસ.દેસાઇએ જણાવ્યું હતું કે પકડાયેલા પારસની હજુ પૂછપરછ થઇ શકી નથી,જ્યારે તેની પત્ની જ્યોતિકાની હજુ ધરપકડ કરવાની બાકી છે.

આરોપી દંપતી પારસ - જ્યોતિકા

અન્ય સમાચારો પણ છે...