તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad નહીં મેલું રે... પાર્કિંગ નહીં હોય તો તારા ગરબામાં પગ નહીં મેલું!

નહીં મેલું રે... પાર્કિંગ નહીં હોય તો તારા ગરબામાં પગ નહીં મેલું!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની ક્લબોએ નવરાત્રીની ઉજવણી કરવા માટેની તૈયારીઓ કરી લીધી છે. પાર્કિગ મુદ્દે તંત્રે લાલ આંખ કરતા કલબ દ્વારા પાર્કિંગની વ્યવસ્થા પૂરી પાડવાની બાયેધરી આપી હતી. જેના કારણે મોટા ભાગની કલબોએ પ્લોટ ભાડે રાખ્યા છે. ગરબા રમવા આવતા મેમ્બર અને ગેસ્ટ પોતાની કારને રસ્તા પર પાર્ક કરશે તો કલબની જવાબદારી બનશે જેના કારણે કલબો પણ રસ્તા પર સિક્યુરિટી રાખીને ફરજિયાત પાર્કિગમાં વાહન પાર્ક કરાવશે. આવા સંજોગોમાં માટાભાગની ક્લબો ગયા વર્ષ કરતાં માત્ર ત્રીજા ભાગના પાસ વેચે તેવી સંભાવના છે. જેના કારણે ખૈલેયાઓએ આયોજકોને ‘નહીં મેલુ રે... પાર્કિંગ નહીં હોય તો તારા ગરબામાં પગ નહીં મેલું’ કહેવાની નોબત આ‌વી છે.

આ અંગે ટ્રાફિક ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા આયોજકોને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જેટલું ઓડિયન્સ આવે તેટલા પ્રમાણમાં તમારે પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે. આયોજકો જણાવી રહ્યા છે તે પ્રમાણે પાર્કિંગની વ્યવસ્થા કરી છે કે નહીં તેની ખરાઈ કરવા પોલીસ જાતે સ્થળ નિરીક્ષણ કરી રહી છે. ત્યારબાદ જ આયોજકોને ગરબા માટે મંજૂરી આપવામાં આવી રહી છે. જ્યારે રોડ ઉપર ટ્રાફિકને અડચણરુપ વાહનો ટોઈંગ કરવા માટે નવરાત્રીમાં સતત ક્રેનો ફરતી જ રહેશે.

મોટા ભાગની ક્લબો ગયા વર્ષ કરતાં માત્ર ત્રીજા ભાગના પાસ વેચે તેવી સંભાવના
કર્ણાવતી ક્લબ
1700 ગાડીઓની પાર્કિંગ વ્યવસ્થા સામે 3 હજાર પાસ
કર્ણાવતી કલબના પ્રમુખ જયેશ મોદીએ જણાવ્યું કે, નવરાત્રીમાં રોજના 3 હજાર પાસનું વિતરણ કરવામાં આવશે, જેથી પાર્કિંગ વ્યવસ્થાને પહોંચી વળાય. હાલમાં કલબમાં 500 કાર પાર્કિગ તેમજ કલબની બાજુમાં બે પ્લોટ પાર્કિગ માટે ભાડે લેવામાં આવ્યા છે. આ પ્લોટમાં 1200 કારનું પાર્કિગ થઇ શકે તેવી સગવડ કરવામાં આવી છે.

સ્પોર્ટસ ક્લબમાં 2 હજાર કાર પાર્કિંગ સામે 5થી 6 હજાર પાસ
રાજપથ ક્લબ
2000 ગાડીઓની પાર્કિંગ વ્યવસ્થા સામે 4 હજાર પાસ
રાજપથ કલબના પ્રમુખ જગદીશ પટેલે જણાવ્યું કે, મેમ્બરો તેમજ ગેસ્ટને વાહન પાર્કિંગની વ્યવસ્થા મળી રહે તે માટે કલબ ઉપરાંત બાજુમાં પ્લોટ ભાડે લેવામાં આવ્યો છે. કુલ 2 હજાર જેટલી કાર પાર્કિગની વ્યવસ્થા કરાઈ છે. મેમ્બરોને કલબ પર ઉતારીને ડ્રાઇવર કાર લઇને પરત જતા રહે તે માટે મેમ્બરોને મેસેજ કરાયા છે. રોજના 4 હજાર પાસનું વિતરણ કરાશે.

સ્પોર્ટસ કલબના મેનેજર મયૂર શાહે જણાવ્યું કે, સ્પોર્ટસ કલબમાં મેમ્બરો માટે એક દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલબ ઉપરાંત કલબની બાજુમાં આવેલા સ્ટેડિયમના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. કલબના અને સ્ટેડિયમના મળીને કુલ 2000 કારનું પાર્કિગ થઇ શકશે. કલબના દ્વારા 5થી 6 હજાર પાસનું વિતરણ કરવામાં આવશે. ક્લબના મેમ્બરને પણ પાર્કિંગ ગમે ત્યાં ન કરવા માટે સમજાવવામાં આવશે.

YMCA ક્લબ
1800 ગાડીઓની પાર્કિંગ વ્યવસ્થા સામે 4 હજાર પાસ
વાયએમસીએ કલબના સેક્રેટરી શ્યામ મહેતાએ જણાવ્યું કે, કલબના મેમ્બરો તેમજ આંમત્રિતોને પાર્કિગની સગવડ માટે કલબના 600 ઉપરાંત 1200 કારના પાર્કિગ માટે કલબની પાછળના બે પ્લોટ ભાડે લેવામાં આવ્યા છે. કલબ દ્વારા ગેસ્ટને ગેટ સુધી કાર ઉતારી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. રોજ મેમ્બર અને ગેસ્ટ મળીને 4 હજાર પાસ આપવામાં આવશે.

પોલીસ ઃ અાખી રાત ટ્રાફિક પોલીસની ટોઈંગ વાનો ફરશે, રસ્તા પર પાર્ક થયેલાં વાહનોને ટો કરી જશે,

ગરબા ગ્રાઉન્ડની બહાર અાડેધડ પાર્કિંગ થશે તો અાયોજકો સામે પણ કડક પગલાં લેશે

અાયોજકો ઃ જેટલાં વાહનોનું પાર્કિંગ છે અેટલાં જ પાસ વેચવાની પોલીસની સૂચનાનું પાલન કરશે

નારાયણી ક્લબ
2 હજાર ગાડીઓની પાર્કિંગ વ્યવસ્થા સામે 4 હજાર પાસ
નારાયણી કલબના પ્રમુખ રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, કલબમાં પાર્કિગ માટે કલબની બન્ને બાજુ મોટા પ્લોટ લીધા છે જેમાં 700-700 કાર પાર્ક કરી શકાશે. આ ઉપરાંત કલબના પાર્કિગમાં 600 કાર પાર્ક કરી શકવાની સગવડ છે. પાર્કિગ વ્યવસ્થા સંભાળવા માટે 100 ગાર્ડની વ્યવસ્થા કરાઇ છે. કલબે પાર્કિગ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રોજના 4 હજાર પાસનું વિતરણ કરશે.

અન્ય સમાચારો પણ છે...