તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પત્નીને ગાળો બોલતા યુવકોને ઠપકો આપનારા કોન્સ્ટેબલ પર હુમલો

પત્નીને ગાળો બોલતા યુવકોને ઠપકો આપનારા કોન્સ્ટેબલ પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | એક્ટિવા ઉપર જઇ રહેલા પોલીસ કર્મચારી અને પત્નીને જોઇને ગંદી ગાળો બોલીને ભાગેલા બાઈકસવાર 3 યુવાનોનો પોલીસ કર્મચારીએ પીછો કર્યો હતો. પોલીસ કર્મચારીએ ત્રણેયને રાણીપ રત્નદીપ સોસાયટી પાસે રોકીને ઠપકો આપતા ત્રણેય ઉશ્કેરાયા હતા અને પહેલા પોલીસ કર્મચારીને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ છરી કાઢીને પોલીસ કર્મચારીને માથામાં મારી દેતા કોન્સ્ટેબલ બેભાન થઇને ઢળી પડ્યો હતો.

માથામાં છરી મારતાં કોન્સ્ટેબલ બેભાન થઇ ગયો
રાણીપ કાશીબા રોડ દિનેશ પાર્ક સોસાયટીમાં રહેતો સંજય પશાજી ઠાકોર (28) સાબરમતી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. શનિવારે રાતે 11 વાગ્યે નોકરી પૂરી કરીને ઘરે જઇને જમી પરવારીને સંજય પત્ની પ્રિયંકાબહેન સાથે એક્ટિવા ઉપર સુભાષબ્રિજ ફરવા ગયા હતા. રાતે 1 વાગ્યે સંજય અને પ્રિયંકાબહેન સુભાષબ્રિજથી ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે કાશીબા રોડ રામજી મંદિર પાસે સંજયના મોબાઈલ ઉપર ફોન આવતાં તેણે એક્ટિવા સાઈડમાં ઊભું રાખ્યું હતું અને ફોન ઉપર વાત કરી રહ્યો હતો.

ત્યારે બાઈક ઉપર 3 યુવાન તેમની પાસે આવ્યા હતા અને બાઈક ધીમું પાડીને સંજય અને પ્રિયંકાબહેનને જોઇને ગંદી ગાળો બોલ્યા હતા. જેથી સંજયે તેમને ઊભા રહેવાનું કહેતા તેઓ પૂરઝડપે બાઈક લઇને ભાગ્યા હતા. જેથી સંજય એક્ટિવા લઇને તેમની પાછળ ગયો હતો અને રત્નદીપ સોસાયટીના આગળના ભાગે ત્રણેયને રોક્યા હતા. સંજયે તેમને કહ્યું હતું કે કેમ મને અને પત્નીને જોઇને ગંદી ગાળો બોલો છો. તેમ કહેતા ત્રણેય ઉશ્કેરાઇ ગયા હતા અને સંજય સાથે ઝઘડો કરી ગડદાપાટુનો માર મારી એક યુવાને છરી કાઢીને સંજયને માથામાં પાછળના ભાગે ઘા મારી દીધો હતો.

જેથી સંજય લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. દરમિયાનમાં પ્રિયંકાબહેન, સાળા નિકુંજભાઇ અને હાર્દિકભાઇ દોડી આવ્યા હતા અને સંજયભાઇને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા.

આ અંગે સંજયભાઇ ઠાકોરે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય હુમલાખોરોની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...