• Gujarati News
  • અમદાવાદ જિલ્લાની આશરે 30 ટકા ઓવરહેડ ટાંકીઓ જર્જરીત હાલતમાં

અમદાવાદ જિલ્લાની આશરે 30 ટકા ઓવરહેડ ટાંકીઓ જર્જરીત હાલતમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદજિલ્લામાં વાસમો યોજના અંતર્ગત બનાવામાં આવેલી પાણીની ઓવરહેડ ટાંકીઓ પૈકી 30 ટકા ટાંકીઓ જર્જરીત હાલત થઇ ગઇ હોવા છતાં તેના રિનોવેશનની કામગીરી હાથ નહીં ધરાતા સરપંચોમાં ભારે રોષની લાગણી પ્રસરી ગઇ છે.

અમદાવાદ જિલ્લાના 450 પૈકી 300થી વધુ ગામડાઓમાં પાણીની ઓવરહેડ ટાંકીઓ બનાવેલી છે. ગામડાંઓમાં પ્રાથમિક સુવિધા અંતર્ગત સરકારે પાણીની ઓવરહેડ ટાંકીઓ બનાવી હતી. પરંતુ 300 પૈકી 30 ટકા ટાંકીઓ છેલ્લા પાંચ વર્ષથી જર્જરીત હાલતમાં છે. જેના રિનોવેશન માટે ગામના સરપંચોએ જિલ્લા પંચાયતના પ્રમુખ સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે. ટાંકીઓનું સંચાલન કરનાર પાણી પુરવઠા વિભાગ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્ય સહિત રાજકીય નેતાઓ સમક્ષ લેખિત રજૂઆતો કરવા છતાં હજી સુધી તેનો ઉકેલ આવ્યો નથી. ટાંકીના રિનોવેશનમાં 10 ટકા લોકફાળો જરૂરી છે. 10 ટકા રકમ ભરાયા બાદ સ્થાનિક પાણી સમિતિ દરખાસ્ત મૂકે છે અને તેના આધારે પાણી પુરવઠા વિભાગ ટેન્ડરિંગની પ્રક્રિયા કરે છે. આમાં 90 ટકા રકમ સરકાર આપે છે. પરંતુ કેટલાક ગામડાંમાં આર્થિક રીતે નબળો વર્ગ વધુ હોવાના કારણે લોકફાળાની રકમ એકત્રિત નહીં થઇ શક્તા હાલ જર્જરીત ટાંકીઓ રિપેરિંગ થઇ શક્તી નથી. જિલ્લા પંચાયત વિપક્ષ નેતા મનુજી ઠાકોરે જણાવ્યું હતું કે સમયસર રિનોવેશન નહીં થવાના કારમે ટાંકીઓ હાલત કથળતી જાય છે. જેમાં કેટલીક ટાંકીઓ તો ગમે ત્યારે તૂટી જાય તેવી છે. સરકાર ટાંકી બન્યા પછી લોકફાળાની રકમ ગામના વિકાસ માટે પરત આપે છે તો પછી આર્થિક રીતે નબળા ગામડાઓમાં ટાંકી બનાવી આપવામાં સરકારને શું વાંધો છે , તેવો વેધક સવાલ કરતાં વિપક્ષ નેતા ઠાકોરે જણાવ્યું હતું કે લોકફાળાની રકમ નહીં ભરી શક્તા ગામડાઓ પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવું પડશે, સરકાર ગામડાઓ દત્તક લેવાની મોટી મોટી વાતો કરે છે અને ગામડાઓમાં પ્રાથમિક સુવિધા આપવામાં લોકફાળાની આશા રાખે છે. સરકારની આવી બેવડી નીતિ લોકો સામે ખુલ્લી પડી ગઇ છે.

^ ગામડાઓમાં બનાવેલી જર્જરીત ઓવરહેઠ ટાંકીના રિનોવેશન અંગે મારા સુધી ફરિયાદો આવી છે. પરંતુ ટાંકીના રિનોવેશન માટે 10 ટકા લોકફાળાની રકમ પાણી પુરવઠા વિભાગમાં જમા કરાવી ફરજિયાત છે. જેથી લોકફાળાની રકમ જમા નહીં કરી શક્તા ગામોની ટાંકીઓનું રિનોવેશન નહીં થાય. > સુરેશપટેલ, પ્રમુખ,જિલ્લા પંચાયત

લોકફાળા વગર ટાંકીઓનું રિનોવેશન નહીં થાય