રોડના કામો ન થતાં ભાજપના કોર્પોરેટર સ્ટેન્ડિંગમાંથી અધવચ્ચે જ જતા રહ્યા
અમદાવાદ | નિકોલ વોર્ડમાં રોડ રિસરફેસ સહિતના પેન્ડિંગ કામો થતા ન હોવાના મુદ્દે ભાજપના સભ્યે ઉગ્ર રજુઆત કરવા સાથે સ્ટેન્ડિંગ કમિટીનો બહિષ્કાર કરીને કમિટીમાંથી ચાલતી પકડતાં વિવાદ સર્જાયો છે. ઉત્તર ઝોનમાં માયા સિનેમા વર્ષોથી બંધ પડી છે અને તેને ‘સીલ’ કરાઈ હોવા છતાં તેમાં ગેરકાયદે બાંધકામ થયા હોવાનો ભાજપના સભ્યે જ ઘટસ્ફોટ કરતા સત્તાવાળા ભીંસમાં આવી ગયા છે.
કથીરિયાએ કમિશનરને કહ્યું, રજૂઆત ધ્યાને લેવાતી નથી, તમે સભ્યની મજાક કરો છો?
સ્ટેન્ડિંગ કમિટીમાં ઝીરો અવરમાં ભાજપના સભ્ય ગૌતમ કથીરિયાએ, નિકોલ વોર્ડમાં રસ્તા બનાવવા, પાણી, ડ્રેનેજ, વગેરેના કામો નહીં થતા હોવા અંગે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે કમિશનર મુકેશ કુમારને ઉદ્દેશીને કહ્યું કે, ત્રણ- ત્રણ કમિટીમાં રોડ સહિતના કામો થતા ન હોવાની રજૂઆતોને ગંભીરતાથી લેતા નથી. તમે સભ્યની મજાક કરો છો. એવું કહી કમિટીની બેઠકમાંથી ચાલતી પકડી હતી.
ઉત્તર ઝોનમાં ગેરકાયદે બાંધકામો મુદ્દે ભાજપના કોર્પોરેટર ગિરીશ પ્રજાપતિએ કહ્યું કે, ઘણાં વર્ષથી માયા સિનેમા બંધ પડી છે અને તેને ‘સીલ’ કરાઈ છે. આમ છતાં માયા સિનેમામાં ગેરકાયદે બાંધકામો ચાલી રહ્યા છે. ગિરીશ પ્રજાપતિની આ રજૂઆત વેળા ઉત્તર ઝોનના એકેય અધિકારી કમિટીમાં હાજર નહોતા. એક મહિલા કોર્પોરેટરે કહ્યું કે, એલજીમાં તેમના દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો હતો અને તે અંગે એલજીમાંથી સર્ટિફીકેટ પણ આપવામાં આવ્યું છે. છતાં જન્મ- મરણના રેકર્ડમાં નોંધ જ નથી.
મોટાભાગના કામ થયા નથી
હોળી આવી હોવા છતાં રોડના મોટાભાગના કામો થયા નથી. જેની મેં માહિતી માંગી હતી. મારી રજૂઆત પૂરી થયા બાદ કામ હોવાને કારણે હું નીકળી ગયો હતો. ગૌતમ કથીરિયા, સભ્ય સ્ટેન્ડિંગ કમિટી