અમદાવાદી રિક્ષાવાળાની નજરે અમદાવાદ
આ અમદાવાદી રિક્ષાવાળાનું નામ છે ઉદયસિંહ જાદવ, જેમની રીક્ષામાં એકવાર બેસી ગયા પછી તમારી મંઝીલ ક્યારે આવી પહોંચશે તેનો ખ્યાલ નહીં રહે. જો તમને ભૂખ લાગશે તમારી સીટના ડાબી અને જમણી બાજુના ખાનામાં ઘરેથી બનાવેલી સુખડી, થેપલા સહીતનો નાસ્તો અને પાણી મળશે, કંટાળો આવશે તો પુસ્તકો વાંચવા મળશે. બાળકો માટે કોમિક અને તેને વાંચવું ન ગમે તો રમકડાંની પણ વ્યવસ્થા છે. રિક્ષામાં સ્વચ્છતા જળય તે માટે સીટની સામેના ભાગમાં ડસ્ટબીન પણ છે. આ સાથે ગરમી લાગે તો નાનકડાં પંખાની પણ વ્યવસ્થા છે. કેબમાં પણ ન હોય તેવી આ સુવિધાનો લાભ લઈ લીધા પછી ઉદયસિંહની રીક્ષાથી કાલુપુરથી ઈન્કમટેક્સ આવી ગયા હશો ને તમે મીટર જોશો તો એ ઝીરો પર જ હશે. કેમ કે તેમનો બીજો મહત્વનો નિયમ એ છે કે પેસેન્જર થતા પૈસા તેમની ઈચ્છા મુજબ આપે, નહીંતર સલામ, દુવા કરીને નીકળી જાય કોઈને સામેથી રિક્ષાનું ભાડું આજ સુધી નથી કહ્યું. છેલ્લા આઠ વર્ષથી તેઓ આ રીતે જ રિક્ષા ચલાવે છે. ખાદીના વસ્ત્રો સાથે ગાંધી ટોપી પહેરેલા, હસતાં મોંઢે દરેકને ગાંધીજીના આદર્શો પર ચાલવાનું જણાવતા ઉદયસિંહ જાદવની આ રિક્ષામાં બેસી આપણે હેરિટેજ સિટી અમદાવાદ શહેરના યુનિક સ્થળો જોઈએ અને તેની વિશેષતાઓ વિશે જાણીએ.
કમોડ અને કબરો વચ્ચે ચાની ચુસ્કી, મુસા સુહાગના કબ્રસ્તાનમાં ચઢાવાય છે બંગડીઓ
અમદાવાદની ગુફાનું નામ પહેલાં હુસૈન-દોશી હતું
મુસાસુહાગ દરગાહ | પતિના લાંબા આયુષ્ય માટે બંગડી ચડાવે છે મહિલાઓ
શાહિબાગ વિસ્તારની અંદાજીત 800 વર્ષ જૂની મુસાસુહાગની દરગાહ પર પતિના લાંબા આયુષ્ય માટે હિન્દુ-મુસ્લિમઓ બંગડીઓ ચડાવવાની માનતા માને છે. અહીં પતિના લાંબા આયુષ્યની સાથે સંતાન પ્રાપ્તી, અનાવૃષ્ટીમાં વરસાદની પણ માનતા મનાય છે. દરગાહ પર મુકેલી બંગડીઓના હાર બનાવીને વૃક્ષો પર લગાવવામાં આવે છે. બંગડીઓ વધતા દફનાવવામાં આવે છે.
એમ.એફ હુસૈન મિત્ર ગુણવંત મંગલદાસને ત્યાં અમદાવાદ આવતા ત્યારે તેમને આર્ટ માટે એક ગેલેરી બનાવવાનો વિચાર આવેલો. અમદાવાદ એજ્યુકેશનની જમીન પર બી.વી. દોશી સાથે મળી 1994માં ગુફા ડિઝાઈન કરી અને 1995 એક્ઝિબિશન માટે ગેલેરી બનાવી. ગુફામાં હુસૈને સીએનના વિદ્યાર્થીઓ સાથે મળી દિવાલ ચિત્રો પણ દોર્યા. પહેલા અહીં મેન્ટેનન્સ માટે ટિકિટો ચાલતી સમય જતા કાફે બન્યું અને નામ બદલી અમદાવાદની ગુફા કરાયું. હુસૈને ભારત છોડ્યું ત્યાં સુધી ગુફા સાથે જોડાયેલા રહ્યા હતા.
ખાંસી પીરની દરગાહ | અહીં લોકો જૂની ખાંસીના ઈલાજ માટે માનતા રાખે છે
ખમાસા પાસે આવેલી હજરત મુબારક સઈદની આ દરગાહ ખાંસી પીરની દરગાહ તરીકે ઓળખાય છે કેમ કે અહીં માનતા રાખવાથી લોકોની વર્ષો જૂની ખાંસીનો ઈલાજ થાય છે, આ માટે લોકો અહીં પાંચ ગુરુવાર ભરે છે. સાથે તેઓ અહીં આવીને દરગાહની ફરતે પાણી ચડાવે છે આ સાથે પ્રસાદી અને અગરબત્તી પણ કરે છે. ગુજરાતના ખૂણે-ખૂણેથી લોકો અહીં આવી માનતા માને છે.
ટોયલેટ કાફે |કમોડ પર
બેસી ચા-નાસ્તો કરતાં લોકો
ઘરે શૌચાયલ બનાવવાનો અને સેનિટેશનનો મેસેજ આપવા માટે ગાંધી આશ્રમની બાજુના સફાઈ વિદ્યાલય સંસ્થામાં પદ્મશ્રી ઈશ્વરભાઈ પટેલે પહેલા ટોયલેટ ગાર્ડન બનાવ્યું એ પછી એમના દિકરા જયેશ પટેલે આ મેસેજને આગળ વધારવા 10 વર્ષ પહેલા બિન ઉપયોગી કમોડનો ઉપયોગ કરી ટોયલેટ કાફે બનાવ્યું. જ્યાં કમોડ પર બેસીને બહારથી આવતા ફોરેનર્સ, ગેસ્ટ, સ્ટુડન્ટ ચા અને નાસ્તો કરે છે. જ્યાં અમિતાભ, આશા પારેખ સહીતના સ્ટાર આવી ચુક્યા છે.