• Gujarati News
  • National
  • ડોલરની મજબૂતીથી નિકાસ માગ ખૂલતાં મસાલા પાકોમાં તેજી : એરંડા ઊંચકાયા

ડોલરની મજબૂતીથી નિકાસ માગ ખૂલતાં મસાલા પાકોમાં તેજી : એરંડા ઊંચકાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળદર, ધાણા તથા જીરૂમાં બે થી ચાર ટકાની તેજી : એરંડા વાયદો 3 ટકા ઉંચકાઇ 4400 નજીક

એગ્રી કોમોડિટીમાં નાટ્યાત્મક તેજીની ચાલ જોવા મળી હતી. દેશભરમાં વાવણી લાયક વરસાદ થઇ ચૂક્યો હોવા ઉપરાંત વાવેતરમાં પણ મોટા પાયે પ્રગતી થવા છતાં મસાલા તથા એરંડામાં લાલચોળ તેજી જોવા મળી હતી. તેજીનું મુખ્ય કારણ નિકાસકારોની તથા શિપર્સોની પુછપરછ શરૂ થઇ છે. રમજાનના તહેવારો પૂરા થતા નિકાસ વેપારને વેગ મળશે તેવા અહેવાલે નવી ખરીદી ખુલી છે. જીરૂ વાયદો 19000ની સપાટી નજીક 18900 બોલાઇ ગયો છે. જીરૂમાં મોટા પાયે માગ ખુલશે તો વાયદો ઝડપી ઉંચકાઇ 20000ની સપાટી ક્રોસ કરી જશે તેવા અહેવાલો છે. જ્યારે ધાણા વાયદો બોટમ આઉટ થઇ હવે સુધારા તરફી ચાલ દર્શાવે તેવા સંકેતો છે. ધાણા વાયદો આજે સરેરાશ દોઢ ટકા સુધી ઉંચકાઇને રૂા.5170 બોલાતો હતો. જ્યારે હળદરમાં 4 ટકાની તેજીની સર્કિટ સાથે રૂા.6390 વાયદો ક્વોટ થતો હતો. આગામી સમયમાં ઉપરોક્ત ત્રણેય મસાલા પાકોમાં તેજીની શક્યતા છે.

ક્રૂડમાં ઘટાડાને બ્રેક, ડોલર મજબૂત અને તળીયાના ભાવથી શિપર્સોની ખરીદી ખુલતા આજે એરંડા હાજર તેમજ વાયદામાં ભાવ સપાટી મજબૂત રહી હતી. એરંડા વાયદો 3 ટકા સુધી ઉંચકાઇ રૂા.4400ની સપાટી નજીક 4383 ક્વોટ થતો હતો. જ્યારે હાજરમાં પણ 20-25ની તેજી સાથે રૂા.800-825 સુધી ભાવ બોલાતા હતા. કપાસના વાવેતરમાં મોટો વધારો થયો છે પરંતુ વહેલા થયેલા વાવેતર નિષફળ જશે તેવી માન્યતા અને ક્વોલિટી માલોની શોર્ટેજના કારણે ભાવ ઉંચકાઇ ગયા છે. કપાસિયા ખોળ ઉંચકાઇ 1671 અને કપાસ વાયદો નજીવો વધી 868 બોલાઇ ગયો છે.

વૈશ્વિક બજારોમાં ખાદ્યતેલોમાં ભાવ સપાટી સતત ઘટી રહી છે. મલેશિયા ખાતે પામતેલના ભાવ સતત ધીમી ગતીએ ઘસાઇ રહ્યાં હોવાથી તેની સીધી અસર સ્થાનિક બજારોમાં જોવા મળી છે. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત રહેવાના કારણે છેલ્લા કેટલાક સમયથી આયાત મોટા પાયે થઇ રહી હોવાથી ભાવ તૂટી રહ્યાં છે. સિંગતેલ નવો ડબ્બો ઘટી 1575 અંદર બોલાઇ ગયો છે. મગફળીના વાવેતર વિસ્તારો પર સમયસર વરસાદ થઇ જતા અને વાવેતર વધશે તેવા અહેવાલે ઘટાડો છે. અન્ય સાઇડ તેલોમાં પણ નરમાઇ રહી છે.

વૈશ્વિક બજાર પાછળ ખાદ્યતેલોમાં નરમાઇનો ટોન

અન્ય સમાચારો પણ છે...