• Gujarati News
  • National
  • ગુંડાઓએ ઘરમાં ઘૂસી વૃદ્ધને માર્યા: પોલીસની જીપ આવી તો પથ્થરો મારી કાચ ફોડી નાખ્યા

ગુંડાઓએ ઘરમાં ઘૂસી વૃદ્ધને માર્યા: પોલીસની જીપ આવી તો પથ્થરો મારી કાચ ફોડી નાખ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામબાગ આવાસ યોજનામાં રહેતા વિનોદ ચુડાસમા(63)ના સાળી પુષ્પાબહેન ભીમજીભાઇ રાઠોડને સોલા સિવિલમાં દાઢની સારવાર કરાવી હોવાથી પુષ્પાબહેન વિનોદભાઇના ઘરે રહેવા આવ્યા હતા. શનિવારે રાતે 10 વાગ્યે જમી પરવારીને વિનોદભાઇ પત્ની શારદાબહેન સાથે ઘરમાં બેઠા હતા. જ્યારે પુષ્પાબહેન ચાલવા નીકળ્યા હતા. ત્યારે વિનોદભાઇના બ્લોકની બહાર ખાટલામાં સૂઇ રહેલા એક ભાઇએ પુષ્પાબહેનને કહ્યું હતું કે ‘એ ડોશી તું અહીંયા કેમ ફરે છે, અહીંથી જતી રહે’ તેમ કહી ગાળો બોલ્યા હતા.

પુષ્પાબહેને ઘરે જઇ વિનોદભાઇને વાત કરતા વિનોદભાઇ તે ભાઇ પાસે આવ્યા હતા અને ગાળો કેમ બોલ્યા તેમ પૂછ્યું હતું. જો કે તે ભાઇ પાસે 3 યુવાનો ઊભા હતા તેમણે વિનોદભાઇ સાથે ગાળાગાળી કરતા વિનોદભાઇએ 100 નંબર ઉપર ફોન કરીને પોલીસને બોલાવી હતી. પોલીસને ફોન કરીને વિનોદભાઇ અને શારદાબહેન પુષ્પાબહેનને લઇને ઘરમાં જતા રહ્યા હતા. જ્યારે ત્રણેય યુવાનો પાછળ પાછળ વિનોદભાઇના ઘર સુધી આવ્યા હતા અને લાતો મારી દરવાજો તોડીને અંદર ઘૂસી ગયા હતા.

ત્રણેયે વિનોદભાઇ સાથે મારામારી શરૂ કરી હતી. જો કે તે સમયે પોલીસની જીપ આવી પહોંચતા ત્રણેય ગુંડાઓ પોલીસની જીપ ઉપર પથ્થરમારો કરી કાચ તોડીને ભાગ્યા હતા. પોલીસે પીછો કરીને ત્રણ પૈકીના રાહુલ ઠાકોરને ઝડપી લીધો હતો. અંગે વિનોદભાઇની ફરિયાદના આધારે પોલીસે રાહુલ ઠાકોરની ધરપકડ કરી નાસતા ફરતા તેના બે સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.

અગાઉ પણ પોલીસ ઉપર હુમલો કર્યો હતો

રાહુલ ઠાકોર અને તેના સાગરીતોનો રામબાગ આવાસ યોજના અને આસપાસના વિસ્તારમાં આતંક છે. અગાઉ રાહુલના સાગરીત તેવા બુટલેગર સુખી અને તેના માણસોએ સોલા પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જે બાબતે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે સુખી અને રાહુલના અન્ય સાગરીતોની ધરપકડ કરી હતી.

વૃદ્ધાને કહ્યું ‘ડોશી ચલ અહીંથી જતી રહે’, ઠપકો આપતા દરવાજો તોડી ઘરમાં ઘૂસ્યા

ચાંદલોડિયા રામબાગ આવાસ યોજનામાં શનિવારે રાત્રે 10 વાગ્યે બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...