ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘બહેન,મને અહીં ડીસાના માર્કેટમાં એક છોકરી મળી છે જે પોતાને પંચમહાલના ઝરવા ગામની જણાવે છે અને તે પોતાના પિતાથી છૂટી પડી ગઈ છે. હવે ક્યાં જવું અને શું કરવું તેને સમજાતું નથી. જવાન છોકરી છે, તેને તમે મદદ કરો.’ મહિલાઓ માટેની અભયમ્ હેલ્પલાઈન 181 પર શનિવારે બપોરના સમયે ફોન આવ્યો. તરુણી એકલી પડી ગયાની વાતની ગંભીરતાને સમજીને અભયમ્ હેલ્પલાઈનના કાઉન્સિલરે તાત્કાલિક ડીસા ખાતેના પોતાના કાઉન્સેલરને મેસેજ ટ્રાન્સફર કર્યો. ડીસાના કાઉન્સેલરે પણ સમયસૂચકતા દાખવી માર્કેટ યાર્ડ પહોંચી ફોન કરનારા સજ્જનનો આભાર માની તરુણીનો કબજો લઈ તેને તેના પિતા સુધી પહોંચાડી હતી.

પંચમહાલના ઝરવા ગામની રહેવાસી આશા મજૂરીકામ માટે તેના પિતા સાથે ડીસા તાલુકાના વિઠોદર ગામે આવી હતી. ત્યાંથી તે પોતાના પિતા અને ફુવા સાથે ડીસા આવી હતી. ડીસા બસ ડેપોમાં એકાએક તેના પિતા તથા ફૂવાથી વિખૂટી પડી ગયેલી આશા એકલી ચાલતાં-ચાલતાં ડેપોમાંથી બહાર નીકળી ગઇ હતી. બહાર નિકળીને તે રસ્તો ભૂલી ગઇ હતી. ઓછું ભણેલી તેમજ જગ્યાથી અજાણ હોઇ આશા ગભરાઇ ગઇ હતી. વળી તબિયત પણ સારી હોઇ તેને શું કરવું સમજાતું નહોતું. આવામાં એક જાગૃત નાગરીકની તેની પર નજર પડી હતી.

એકલી, અજાણ્યા પ્રદેશની તરુણીને જોતાં તે પરિવારથી વિખૂટી પડી હોવાની સજ્જનને શંકા ગઈ હતી. તેમણે આશા પાસે જઈ શું થયું એમ પૂછતાં તેણે પોતાની વાત કરી હતી. પરિસ્થિતિની નાજુકતાને સમજીને સજ્જને તુરત 181 અભયમને કોલ કરી આશા વિશે માહિતી આપી હતી. 181ના સ્થાનિક કાઉન્સેલર ડીસા માર્કેટ યાર્ડ પહોંચી ગયા હતા અને આશા સાથે વાતચીત કરી તેના ગામના પોલીસ સ્ટેશને ફોન કરી ત્યાંથી તેના પિતાનો મોબાઈલ નંબર લીધો હતો. મોબાઈલ પર કાઉન્સેલરે ફોન કરી તેમને બોલાવ્યા હતા અને તેમને આશાનો કબજો સોંપ્યો હતો. અજાણ્યા પ્રદેશમાં પોતાની યુવાન પુત્રી ખોવાઈ જતાં વ્યાકુળ બનેલા પિતાએ ભીની આંખે 181 હેલ્પલાઈનના કાઉન્સેલરનો આભાર માન્યો હતો. (નામ બદલ્યા છે)

યાર્ડમાં એક સજ્જને તરુણીને જોઈ 181 પર કોલ કર્યો, કાઉન્સેલરે પિતાનો નંબર મેળવી મિશન પાર પાડ્યું

સજ્જનના ‘અભયમ’ને કોલથી પિતા-પુત્રીનું મિલન

અન્ય સમાચારો પણ છે...