Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજથી જૈન ચાતુર્માસનો આરંભ: 4 મહિના સુધી ધર્મ આરાધના કરાવાશે
અષાઢસુદ ચૌદશથી જૈનોના ચોમાસી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ચાર મહિના સુધી જૈન ધર્મના સાધુ-સાધ્વીજી ભગવંતો વિહાર કરતા નથી. એક સ્થળે રહીને તેઓ ચાતુર્માસ દરમિયાન શ્રાવક-શ્રાવિકાઓનો અનેકવિધ આરાધનાઓ કરાવીને જિનવાણીનું શ્રવણ કરાવશે. દિવસો દરમિયાન અનેક જપ-તપ અને ધાર્મિક અનુષ્ઠાનો કરવામાં આવે છે. પર્યુષણનું પર્વ પણ દિવસોમાં આવતું હોવાથી જૈન ધર્મમાં ચાતુર્માસનું અનેરૂ મહત્વ રહેલું છે. દીક્ષાદાનેશ્વરી આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મ.સા.એ પ્રસંગે જણાવ્યું હતું કે, “સોમવારે ચોમાસી ચૌદસથી જૈનોના ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ચાર મહિના માટે સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહાર બંધ થાય, દીક્ષા બંધ થાય. પણ પ્રવચન- પ્રતિક્રમણ આદિની આરાધનામાં ઘોડાપૂર આવવું જોઇએ. શ્રાવકોએ અનેકવિધ નિયમો ધારણ કરવા જોઇએ. ચાતુર્માસના આઠ કર્તવ્યોમાં વિવિધ નિયમો ગ્રહણ કરવા, બહાર ગામ જવું નહિ, સામાયિક કરવું, વિવિધ તપો કરવા, અધ્યયન કરવું. પ્રવચન કરવું અને જીવોની રક્ષા માટે વધુને વધુ જયણાનું પાલન કરવું જોઇએ. જૈનાગમો અને વૈદિકગ્રંથોમાં ચાતુર્માસને ધર્મની સિઝન તરીકે વર્ણવી છે.
ચાતુર્માસ દરમિયાન શહેરમાં ત્રણ ગચ્છાધિપતિ અને 60થી વધુ આચાર્ય ભગવંત બિરાજમાન છે. ભુવનભાનુ સમુદાયના ગચ્છાધિપતિ જયઘોષસૂરિશ્વરજી પાલડી ખાતે જૈન નગર સોસાયટી જૈન સંઘમાં બિરાજમાન છે. ગચ્છાધિપતિ હેમપ્રભસૂરિશ્વરજી મ.સા. કૃષ્ણનગર જૈન સંઘ, સાગરસમુદાયના ગચ્છાધિપતિ મનોહરકીર્તિસાગર સૂરિશ્વરજી લાવણ્ય જૈન સંઘમાં બિરાજમાન છે. સાગર સમુદાયના આચાર્ય પદ્મસાગરસૂરિશ્વરજી મ.સા. પુષ્પદંત જૈન સંઘ- સેટેલાઇટ, આચાર્ય યુગભૂષણસૂરિશ્વરજી પાલડી વિસ્તારમાં ભગવાનનગરના ટેકરો ઉપાશ્રય, સાબરમતી જૈન સંઘમાં આચાર્ય મુક્તિવલ્લભસૂરિશ્વરજી, દીક્ષાદાનેશ્વરી આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી તથા આચાર્ય રશ્મિરત્નસૂરિશ્વરજી મ.સા. જૈન સોસાયટી જૈન સંઘ પાલડી ખાતે બિરાજમાન છે. આગામી ચાર માસ દરમિયાન પૂજ્યશ્રીઓની નિશ્રામાં અનેકવિધ આરાધનાઓ રાજનગરની ધર્મપ્રેમી જનતાને કરાવશે. સાથોસાથ અનેક જપ-તપના રેકોર્ડ પણ તૂટશે.
જૈન સંઘોમાં સ્થિર થઈ સાધુ-સાધ્વીજી-આચાર્યો અનુષ્ઠાનો કરશે