• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Ahmedabad City
  • Ahmedabad કોર્પોરેશને સ્વચ્છતા અભિયાનની કિંમત લોકો પાસેથી વસૂલી, ઘરદીઠ રૂ.365નો નવો વેરો ઝીંક્યો

કોર્પોરેશને સ્વચ્છતા અભિયાનની કિંમત લોકો પાસેથી વસૂલી, ઘરદીઠ રૂ.365નો નવો વેરો ઝીંક્યો

Ahmedabad - કોર્પોરેશને સ્વચ્છતા અભિયાનની કિંમત લોકો પાસેથી વસૂલી, ઘરદીઠ રૂ.365નો નવો વેરો ઝીંક્યો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:46 AM IST
કોર્પોરેશને નાગરિકો પર યુઝર ચાર્જિસના નામે નવો ટેક્સ લાદવાની કવાયત હાથ ધરી છે. મ્યુનિ.એ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે અલગથી રહેણાંક એકમો પાસેથી રોજના રૂ.1 લેખે વાર્ષિક રૂ. 365 અને કોમર્શિયલ એકમો પાસેથી દૈનિક રૂ. 2 લેખે વાર્ષિક રૂ.730નો યુઝર ચાર્જ લેવામાં આવશે. 1 ઓક્ટોબરથી યુઝર ચાર્જ અમલી બનશે અને આ અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાશે. નવો ટેક્સ લદાવાના કારણે નાગરિકો પર વર્ષે અંદાજે રૂ. 96.43 કરોડનો બોજ પડશે.યુઝર ચાર્જ લાદવાની હિલચાલને પગલે વિવાદ સર્જાય તેવી શક્યતા છે. કોંગ્રેસે યુઝર ચાર્જિસ નામના નવા ટેક્ષનો વિરોધ કર્યો છે અને આ મુદ્દે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સ્વચ્છતા અભિયાન હેઠળ કરાતી કામગીરીને અનુલક્ષીને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (મેનેજમેન્ટ એન્ડ હેન્ડલીંગ) રૂલ્સ, 2016 મુજબ ડોર ટુ ડોર કલેક્શન, ટ્રાન્સપોર્ટેશન અને ડીસ્પોઝલની પ્રક્રિયા મ્યુનિ. કોર્પોરેશન કરે છે. આ રૂલ્સ હેઠળ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ એકમો પાસેથી યુઝર ચાર્જિસ એકત્ર કરવાની જોગવાઈ છે. આ જોગવાઈનો અમલ કરવાનો થાય અને આ બાબતના સર્વેક્ષણમાં અલગ માર્ક્સ પણ આપવામાં આવે છે.

વાર્ષિક ડોર ટુ ડોર કલેક્શન પેટે અલગથી યુઝર ચાર્જ 1 ઓક્ટોબર, 2018થી વસૂલવાની સત્તા અને ભવિષ્યમાં આ યુઝર ચાર્જની સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનરને સત્તા આપવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાશે. સ્વચ્છ ભારત મિશનમાં સ્વચ્છ સર્વેક્ષણમાં સિટી રેન્કિંગમાં અમદાવાદનો રેન્ક આગળ રહે તે માટે પણ કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે યુઝર ચાર્જ લેવો જરૂરી છે, એવું આ અંગેની દરખાસ્તમાં જણાવાયું છે.

રેસિડેન્શિયલ પર 59.19 કરોડ, કોમર્શિયલ પ્રોપર્ટી પર 37.24 કરોડ વધારાનો બોજ

મ્યુનિ. દ્વારા સૂચિત યુઝર ચાર્જ હેઠળ રહેણાંક મિલકતો પર વર્ષે રૂ. 365 અને કોમર્શિયલ મિલકતો માટે વર્ષે રૂ.730 વસૂલાશે. 2017-18ના આંકડા મુજબ, શહેરમાં 16 લાખ, 21 હજાર રહેણાંક મિલકતો છે. આમ રેસિડેન્શિયલ મિલકતો પર વાર્ષિક અંદાજે રૂ. 59 કરોડ, 19 લાખનો વધારાનો બોજ પડશે. જ્યારે 5 લાખ, 10 હજાર કોમર્શિયલ એકમો પાસેથી વર્ષે રૂ. 730 લેખે વાર્ષિક રૂ. 37 કરોડ, 24 લાખનો વધારાનો બોજ પડશે. આમ, નાગરિકો પર વાર્ષિક રૂ. 96.43 કરોડનો વધારાનો બોજ પડશે.

રહેણાંક પાસેથી રોજના રૂ.1, કોમર્શિયલ એકમો પાસેથી રોજના રૂ.2 લેખે ચાર્જ લવાશે, 1 ઓક્ટોબરથી અમલ

કોંગ્રેસે દરખાસ્તને વખોડી કાઢી

વિપક્ષી નેતા દિનેશ શર્માએ, સૂચિત યુઝર ચાર્જનો વિરોધ કર્યો છે. મ્યુનિ. સારા રસ્તા, સ્વચ્છ પાણી, અને આરોગ્યપ્રદ સેવાઓ પૂરી પાડી શકી નથી છતાં નાગરિકો પર યુઝર ચાર્જ પેટે રૂ. 96.43 કરોડનો આડકતરો અને વધારાનો કરબોજ લદાશે. અમે તેનો વ્યાપક વિરોધ કરીએ છીએ અને સ્ટેન્ડિંગ કમિટી પહેલાં બુધવારે વિરોધ કાર્યક્રમો આપીશું.

X
Ahmedabad - કોર્પોરેશને સ્વચ્છતા અભિયાનની કિંમત લોકો પાસેથી વસૂલી, ઘરદીઠ રૂ.365નો નવો વેરો ઝીંક્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી