તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad પરપ્રાંતિય પર સતત ચોથા દિવસે હુમલા

પરપ્રાંતિય પર સતત ચોથા દિવસે હુમલા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામે 14 માસની બાળકી સાથે થયેલી દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતિયો સામે ઠેર ઠેકાણે રોષ ફાટી નિકળ્યો છે. સતત ચોથા દિવસે પરપ્રાંતિયો પર હુમલા ચાલુ રહેતાં અનેક ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં પરપ્રાંતિયોમાં ભય છવાયો છે. તેઓ નોકરી ધંધા પર જવાની ટાળી રહ્યા છે. હારિજ શહેરમાં ડરના કારણે છેલ્લાં ત્રણ દિવસથી પરપ્રાંતીયોએ પકોડીના ધંધા બંધ કરી દીધાં છે. જ્યારે હિંમતનગરમાંથી 600થી વધુ શ્રમિકોઅે પલાયન કરી જતાં કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં ફ્લોરિંગ સહિતના કામ પણ રઝળી પડ્યા છે. શનિવારે મહેસાણામાં પરપ્રાંતિયો પર હુમલાના 3 બનાવો બન્યા છે. લાખવડ ગામે સહકાર નગરમાં પરપ્રાંતિયની લારી ઉંધી પાડી કરાયેલા હુમલામાં એક વ્યક્તિને ઇજા થઇ હતી. જ્યારે પાલાવાસણા અને દેસાઇનગર પાસે પણ પરપ્રાંતિયો પર હુમલા કર્યા હતા. હિંમતનગરમાં પણ જીન પર ટોળાએ હુમલો કર્યો હતો.

તંત્રઅે આ સ્થિતિ અટકાવવા માટે પગલાં લેવાનું શરૂ કરૂ દીધું છે. દહેગામ મામલતદાર કચેરી ખાતે તાલુકાના સરપંચોની મિટિંગ યોજાઇ હતી. ઝાક ગામના યુવા સરપંચ સુહાગભાઇ પંચાલો પરપ્રાંતીયો સાથએ મુલાકાત રાખી તેમની સુરક્ષાની ખાતરી આપી હતી. વિરમગામ તરફની કંપનીઓએ પણ પરપ્રાંતિય કર્મચારીઓને રજા આપી છે.

ભય | પરપ્રાંતિયો પલાયન કરવા લાગ્યા
હિંમતનગર આસપાસની ફેક્ટરીઅોમાં ટોળાઅો દ્વારા હુમલાના બનાવો બન્યા બાદ પરપ્રાંતિય શ્રમિકોમાં ભયનો માહોલ પેદા થતા પ્રતિદિન સવા બસ્સોથી અઢીસો લોકો પલાયન કરી રહ્યા છે.

અમદાવાદમાં પણ પરપ્રાંતીયોને માર મરાયો
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ માં જે.પી.ની ચાલી પાસે શુક્રવાર બપોરે ત્રીસેક યુવાનો ઘુસી આવ્યા હતા અને ‘તમે લોકો ભૈયા છો ગુજરાત છોડી ચાલ્યા જાઓ’ કહી સ્થાનિકોને ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ ઘરમાં ઘૂસી સામાનની તોડફોડ કરી હતી. આ અંગે સિકંદર કેવટે પોલીસ ફરિયાદ નોંધવતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે 28 આરોપીઓની ધરપકડ કરી હતી.

હિંસા | મહેસાણા, અમદાવાદ, હિંમતનગરમાં શનિવારે પણ હુમલા, કન્સ્ટ્રક્શનના કામ રઝળ્યાં, પાણીપૂરીની લારીઓ બંધ

આમને-સામને
આ હુમલા પાછળ ઠાકોર સેનાના આગેવાનની ભૂમિકા: નીતિન પટેલ
હુમલા પાછળ તમે અલ્પેશ ઠાકોરને જવાબદાર માનો છો?

ઠાકોર સેના એલાન આપે, ઠાકોર સેનાના કાર્યકરો આંદોલન ચલાવે, પરપ્રાંતિય શ્રમજીવીઓને રીતસરની ધમકી આપે છે. જેનો સાફ મતલબ છે કે ઠાકોર સેનાના નેતાઓની આ પાછળ સીધી ભૂમિકા છે. જે કોંગ્રેસના પણ આગેવાન છે તેથી કોંગ્રેસ પણ જવાબદાર છે.

ઠાકોર સેનાના આંદોલનમાં કોંગ્રેસનો હાથ હોવાનું કઇ રીતે કહો છો?

ઠાકોર સેનાના નેતા કોંગ્રેસ સાથે સીધા જોડાયેલા છે. કોંગ્રેસના એકપણ નેતાએ હજુ સુધી આ મામલે કોઇ નિવેદન નથી આપ્યું કે શાંતિ જાળવવાની અપીલ કરી નથી. જેનો અર્થ કે તેમાં કોંગ્રેસને રસ છે.

સરકારે આ મામલે શું કાર્યવાહી કરી?

સરકારે સાબરકાંઠા, સુરતમાં જે બળાત્કારની ઘટનાઓ બની તે મામલે બુધવારની કેબિનેટમાં ઠરાવ કર્યો છે. મુખ્યમંત્રીએ હાઇકોર્ટને પત્ર લખીને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી બે મહિનામાં ટ્રાયલ પુરી કરવા વિનંતી કરી છે. આરોપીઓને ફાંસી થાય તે માટે તમામ પ્રયાસો કરશે.

પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલા બાદ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ સ્થિતિ પાછળ ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. જ્યારે અલ્પેશ ઠાકોરે પ્રત્યારોપ લગાવતા કહ્યું કે, આ સરકારનું ઠાકોર સમાજને બદનામ કરવાનું કાવતરું છે. ત્યારે દિવ્ય ભાસ્કરે બન્ને સાથે સીધી વાત કરી હતી.

ભાજપ સરકારે ઠાકોર સમાજને બદનામ કરવા ષડયંત્ર કર્યું છે: અલ્પેશ ઠાકોર
પરપ્રાંતિયો વિરોધી સ્થિતિ પાછળ તમે અને કોંગ્રેસ જવાબદાર છો?

સરકાર રાજ્યના ઠાકોર સમાજને બદનામ કરવાનો પ્રયત્ન કરતી જણાય છે. મે હંમેશા સમાજના લોકોને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે. ઠાકોર સમાજના નામે કોઈ હિંસા આચરે તો તેના માટે હું, કોંગ્રેસ કે ઠાકોર સમાજ કેવી રીતે જવાબદાર હોઈ શકે?

તો કોણ હુમલા કરે છે? એલાન તો ઠાકોર સેનાજ આપેછે ને?

રાજ્યમાં લાખો-કરોડો બેરોજગાર યુવાનો છે. જેઓ હતાશ અને નિરાશ છે. એ બધાજ ઠાકોર સેના કે સમાજના નથી પરંતુ સર્વ સમાજનાં છે.

તમે અપીલ કરો અને શું ઠાકોર સમાજ ન માને તેનો મતલબ?

હજું ફરીથી કહું છું કે સમાજમાં ઘટનાને લઈને ગુસ્સો હોય તે સ્વાભાવિક છે પરંતુ હિંસામાં ઠાકોર સેના નથી.

સવાલ: તો પરિસ્થિત થાળે પડે તે માટે શું કરો છો?

હું સત્તત લોકસંપર્કમાં છું, પીડીતાને ન્યાય અપાવીને જ જંપીશ, કાયદો હાથમાં ન લેવા માટે અપીલ કરીજ રહ્યો છું. અમે હિંસામાં માનતા નથી.

અન્ય સમાચારો પણ છે...