તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાર્વત્રિક વરસાદથી એગ્રી કોમોડિટીમાં સુસ્તી: સિંગતેલ ડબ્બો ઝડપી 50 ઘટ્યો

સાર્વત્રિક વરસાદથી એગ્રી કોમોડિટીમાં સુસ્તી: સિંગતેલ ડબ્બો ઝડપી 50 ઘટ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર |અમદાવાદ | ખરીફ વાવેતર મથકો પર છેલ્લા બે-ત્રણ દિવસથી સારો વરસાદ થતા પાકને જીવતદાન મળી જતા તેજીને બ્રેક લાગી છે. આજે મોટા ભાગની એગ્રી કોમોડિટીમાં નિરૂત્સાહી ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ખાસકરીને ખાદ્યતેલોમાં સિંગતેલમાં ઝડપી તેજી બાદ માગ અટકતા અને મગફળીના પાકનું ચિત્ર બદલાઇ જશે તેવા અહેવાલે આજે 30ના ઘટાડા સાથે ડબ્બો 1700ની અંદર 1670 બોલાઇ ગયો હતો. જીરૂમાં નિકાસમાગ અને ક્વોલિટી માલોની શોર્ટેજના કારણે હાજર-વાયદામાં ઝડપી તેજી જોવા મળી છે.

ડોલરમાં સુધારો અટકતા નિકાસ વેપારો નહિંવત્, જીરૂમાં નિકાસમાગથી સટ્ટાકિય તેજી
ખરીફ વાવેતર વિસ્તારમાં નજીવો ઘટાડો થયો છે પરંતુ એકાદ સપ્તાહથી ગુજરાતમાં સારો વરસાદ થઇ જવાના કારણે પાકને જીવતદાન મળી ગયું છે જેના કારણે મોટા ભાગની એગ્રી કોમોડિટીમાં તેજી અટકી હતી. હવે એરંડા, રોકડિયા પાકોમાં વાવેતર વિસ્તાર વધશે તેવું કૃષિ નિષ્ણાતોનું કહેવું છે. સારો વરસાદ થઇ જવાના કારણે મગફળીનું ચિત્ર ફરી બદલાઇ જશે તેવા અહેવાલ અને ઉંચા ભાવથી માગ ઘટતા તેમજ સાઇડ તેલોમાં પણ ભાવ સપાટી ઢીલી પડતા સિંગતેલમાં ડબ્બે ઝડપી 50નો ઘટાડો આવ્યો છે. જોકે, મગફળીમાં સારા માલોમાં મળતર ન હોવાથી અને આગામી સમયમાં તહેવારોની માગને ધ્યાનમાં લેતા મોટા ઘટાડાની શક્યતાઓ અગ્રણી ટ્રેડરો નકારી રહ્યાં છે.

પામતેલમાં ભાવ વધુ ઘટે તેમજ આયાતમાં વધારો થાય તો સ્થાનિક બજારમાં મોટી તેજી અટકે. તેલિબીયાં પાકોમાં સોયાબીનને બાદ કરતા અન્ય તમામ પાકોના વાવેતર કપાયા છે. એરંડામાં પણ વાવેતર વિસ્તાર જંગી ઘટ્યો છે સામે જુના માલોનો સ્ટોક નહિંવત્ હોવાથી અને ડોલરની તેજીના કારણે શિપર્સોની માગથી ભાવ સપાટી મજબૂત રહી છે. એરંડા હાજરમાં બેસ્ટ ક્વોલિટી માલો 850 ઉપર રહ્યાં છે. જ્યારે વાયદો મજબૂત બની 4667 ક્વોટ થતો હતો. ફંડામેન્ટલ તેજીના દર્શાવાઇ રહ્યાં છે.

જીરૂમાં સારા માલોની શોર્ટેજ છે તેમજ તૂર્કિ અને સિરીયામાં પાક નબળો છે સામે જીઓ પોલિટીકલ ઇશ્યુ અને નબળી કરન્સીના કારણે આ દેશોમાંથી નિકાસ થઇ શકે તેમ નથી આવા સંજોગોમાં ભારતીય જીરૂની મોટા પાયે માગ ખુલી છે જેના કારણે જીરૂ વાયદો ઝડપી 20000ની સપાટી કુદાવી આજે 20040 બોલાઇ જવા સાથે હાજરમાં ઉપરમાં 3800 ઉપર સારા માલોમાં ભાવ કવોટ થતા હતા. જ્યારે નબળા માલોમાં ભાવ 2500 અંદર છે. ભાવ ફરક 1200-1500 સુધી પહોંચ્યો છે. આગળ જતા નિકાસ માગ કેવી રહે છે તેના પર તેજી લંબાશે. કઠોળમાં ભાવ ઢીલા રહ્યાં છે. ઉત્પાદક સેન્ટરો પર નવા મગની આવકો શરૂ થઇ જવાના કારણે અને આયાત કરાશે તેવા અહેવાલે નરમાઇ જોવા મળી હતી.

ક્રૂડની તેજી-મંદી પર નિર્ભર ગવાર-ગમ
ક્રૂડમાં ભાવ સપાટી સતત નજીવી રેન્જમાં અથડાઇ રહી છે. વૈશ્વિક સ્તરે ક્રૂડના વપરાશમાં ઘટાડો થશે અને ઉત્પાદનમાં વૃદ્ધિ થશે ઉપરાંત ડોલરની બે તરફી રેન્જથી ભાવ સતત અથડાઇ રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ 70-76 ડોલરની રેન્જમાં છેલ્લા એકાદ મહિનાથી અથડાઇ રહ્યું છે. આજે 72 ડોલર આસપાસ ક્વોટ થતું હતું. ક્રૂડની તેજી-મંદી પર એગ્રીમાં ગવાર-ગમમાં ભાવ નિર્ભર રહ્યાં છે. ગવારના વાવેતરમાં કાપ છે પરંતુ ગમમાં નિકાસ વેપારો પણ છેલ્લા કેટલાક મહિનાથી અટક્યા હોવાના કારણે સુધારો અટકી ગયો છે. ગમ વાયદો 10000 તરફ સરકી 9941 અને ગવાર વાયદો 4623 ક્વોટ થતો હતો.

અન્ય સમાચારો પણ છે...