તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલો વરસાદ પડી ગયા પછી...

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ પરિવારમાં ચારેક પેઢી બાદ અવતરેલી દીકરીને આખું ઘર લાડ કર્યા કરે એવો જ લાડ આપણે ત્યાં પહેલા વરસાદને પ્રાપ્ત થયેલો છે. અમારે અહીં અમદાવાદમાં પહેલો વરસાદ હજુ તો માંડ પડું પડું થતો હોય ત્યાં અડધું અમદાવાદ દાળવડાની લાઇનમાં ઊભું રહી જાય છે (વિખ્યાત ગણિતજ્ઞોએ અમદાવાદની કુલ વસ્તીના ભાગાકાર કરીને દાળવડાની અંદાજીત દુકાનો સાથે ગોઠવીને તાળો બેસાડવો નહીં, આ નિવેદન સ્વઘોષિત અતિશયોક્તિ છે). આપણે ત્યાં જ્યાં સુધી માણસો કતારમાં ઊભેલા જોવા મળે નહીં ત્યાં સુધી તહેવાર જામતો નથી. દશેરા હોય કે દિવાળી. હવે આ યાદીમાં ‘પહેલા વરસાદ’નો પણ ઉમેરો થયો છે.

દાળવડાનો સ્વાદ ચૂંટણીના દિવસોમાં થતા ભાષણ જેવો છે. જો એ ભાષણ તમે લાઇવ સાંભળતા હો તો જ તમને એમાં મજા આવશે, પણ કલાકેક પછી મજા ન આવે. દાળવડા પણ ગરમાગરમ હોય તો જ મજા આવે. જોકે, હવે ચૂંટણી અને દાળવડા બારેમાસ માણી શકાય છે.

પહેલા વરસાદના એકાદ ઝાપટા બાદ દાળવડા ખાઈ લીધા પછી કવિતાનો વારો આવે છે. અહીં સારી વાત એ છે કે કવિતા માટે કતારમાં ઊભા રહેવું પડતું નથી. મારી મચેડીને હૃદયદ્રાવક નિવેદન આપવું હોય તો કહી શકાય કે આજકાલ લોકો દાળવડા માટે કતારમાં ઊભા રહે છે પણ કવિતા માટે નહીં. સિઝનનો પહેલો વરસાદ બે-પાંચ ઝાપટા પછી થોભી જાય એવું બને પણ કવિતાના રાજ્યવ્યાપી વરસાદથી ફેસબુક-વૉટ્સએપ પર એવું પૂર આવે છે જેમાંથી આર્મી પણ ઉગારી ન શકે. આ દિવસોમાં માણસ સોશિયલ મીડિયા પર એટલી બધી કવિતાઓ વાંચી નાખે છે કે વૉટ્સએપ પર ‘ઘરે આવતા કોથમીર લેતા આવજો’ એવો મેસેજ પ્રગટે તો પણ મનમાં ‘વાહ કવિએ શું જમાવટ કરી છે’ જેવા ઉદગારો સ્ફૂરી આવે.

પહેલા વરસાદ પછી જે કવિતાઓ ઠલવાય છે એમાં પ્રેમિકાનું સ્મરણ, લાગણી, વિરહ, વાદળ અને વસુંધરા જેવા શબ્દો હોવા અનિવાર્ય છે. આમ તો માત્ર પહેલો વરસાદ જ નહીં. આખેઆખું ચોમાસું કોઈ બિનસરકારી સાહિત્યપર્વ જેવી ઘટના છે. એમાં કવિતા, વાર્તા જેવા ક્ષેત્રોમાં ખેડાણ કરીને સાહિત્યનો મબલક પાક લેવાની વિપુલ તકો રહેલી છે. હવે તો સર્જકો અને સરકાર વચ્ચે સુમેળ છે એટલે વિગતે વાત કરવામાં આવે તો ડાંગર, કપાસની જેમ સરકાર સાહિત્ય સર્જન માટે પણ ટેકાના ભાવ જાહેર કરી શકે છે. પણ આ બધી આડવાત છે. ખરી મજા તો પહેલા વરસાદની છે. એમાં વાતાવરણ જરા ચોખ્ખું થાય છે અને ઝાડ-પાંદડાં પરથી ધૂળ, માટી ધોવાઈ જતા એનો અસલી રંગ નિખરે છે. માણસોના કેસમાં આવું ન બને એટલે એ રેઇનકૉટ-છત્રી ઓઢી લે છે.

chetanpagi@gmail.com

જે
મજાતંત્ર
અન્ય સમાચારો પણ છે...