તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એરપોર્ટ પર હવે ગીરના સિંહની ગર્જના સંભળાશે

એરપોર્ટ પર હવે ગીરના સિંહની ગર્જના સંભળાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ-1 પર લગભગ 11 હજાર ચોરસ ફૂટ એરિયામાં ગીર જંગલ અને તેમાં વસતા પ્રાણીઓની પ્રતિકૃતિ ‘ધ ગીર’ તૈયાર કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર એરાઈવલ લોંજમાં મૂકવામાં ઈન્ટરએક્ટિવ મીડિયાના ઉપકરણની મદદથી ગીરના જંગલમાં સાંભળવા મળતી સિંહોની ત્રાડ અને પક્ષીઓનો અવાજ પણ પ્રવાસીઓને સાંભળવા મળશે.

એશિયાટિક સિંહોને કારણે એરપોર્ટ પર ગુજરાતની ઓળખને પ્રતિબિંબિત કરનાર આ ગીરને મંગળવારે રિલાયન્સના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી અને અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ દ્વારા એરપોર્ટ ડાયરેક્ટર મનોજ ગંગલ સહિત ઓથોરિટીના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

દેશમાં પહેલીવાર કોઈ પણ એરપોર્ટ પર આ રીતે એશિયાટિક સિંહો સાથે જંગલની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેમાં સિંહ ઉપરાંત ચિત્તા, બાજ, કાળિયાર, ચીતલ, અજગર વગેેરે પ્રાણીઓ તેમજ વિવિધ પક્ષીઓની પૂર્ણ કદની પ્રતિકૃતિ મૂકી છે. પ્રસિદ્ધ ગીરનું જંગલ સૂકા ઘાસથી છવાયેલું છે ત્યારે એરપોર્ટ પર મૂકવામાં આવેલી પ્રતિકૃતિમાં પણ કૃત્રિમ સૂકા ઘાસનો ઉપયોગ કરી ગીરના મૂળ જંગલ જેવું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. ગીરના જંગલની તાદ્દશ્ય અનુભૂતિ કરાવતા આ ગીરની પ્રતિકૃતિ પારદર્શી કાચની પેનલોમાંથી ડોમેસ્ટિક ટર્મિનલમાં એરાઈવલ અને ડિપાર્ચર બન્ને વિભાગમાંથી જોઈ શકાશે.

એરપોર્ટ પર એવિએશન મ્યુઝિયમ પણ બનાવાશે
ટર્મિનલ-1 પર તૈયાર કરેલ પ્રાણીઓની પ્રતિકૃતિ ‘ધ ગીર’.

ગાંધીજીના જીવનની માહિતી આપતી ઇ-ક્લોક મુકાઈ
એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગના એરાઈલ લોંજમાં આવતા પ્રવાસીઓને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મથી મૃત્યુ સુધી જીવન વિશે સંક્ષિપ્ત માહિતી મળી રહે તે માટે ઇ-ક્લોક મુકવામાં આવ્યું છે. જ્યાં પેસેન્જરો સ્ક્રીન પર દૃશ્યો જોવાની સાથે તેની કોમેન્ટ્રી સાંભળી શકે છે. જ્યારે એકલા કોમેન્ટ્રી સાંભળવા માગતા પેસેન્જરો ઇયરફોન લગાવીને પણ સાંભળી શકે છે.

એરપોર્ટના ટર્મિનલ-1માં ગીરના લોકાર્પણ બાદ સાંસદે પરેશ રાવલે જણાવ્યું કે, અમદાવાદ એરપોર્ટ પર વધુને વધુ પેસેન્જર સુવિધાઓમાં વધારો કરવાની સાથે એરપોર્ટનું બ્યુટિફીકેશન કરાઈ છે. આગામી દિવસોમાં એરપોર્ટ પર એવિએશન મ્યુઝિયમ પણ તૈયાર કરવાનું આયોજન છે. દેશના પહેલા કોમર્શિયલ પાઈલટ જહાંગીર રતનજી દાદાભોયે ટાટા (જેઆરડી ટાટા)એ 15 ઓક્ટોબર 1932 નો રોજ દેશની પહેલી ફ્લાઈટ કરાચીથી મુંબઈના જુહુ એરસ્ટ્રીપ સુધી વાયા અમદાવાદ લઈ ગયા હતા. તેની યાદમાં ટર્મિનલ-3માં આ એવિએશન મ્યુઝિયમ તૈયાર કરવાનું આયોજન થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...