દીકરી ને ગાય, વિમાનઘર સુધી જાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાનીમથકમાં સ્થાનિક ગાય, વગર ટિકિટે અને શીંગડાં સાથે ઘૂસી ગઈ. ગાયપ્રવેશની ઘટના વિમાનીમથકે બની એટલે એની ગંભીરતા વધી જાય છે. બાકી, આવી ઘટનાઓ રિક્ષાઅડ્ડા, બસસ્ટેન્ડ કે રેલવેસ્ટેશનની ભીતર બને તો તેની નવાઈ પ્રવાસીઓને કે પશુઓને લાગતી નથી!

અમદાવાદના આંતરરાષ્ટ્રીય વિમાનીમથકે ગૌઘટના બની એટલે આપણી ફજેતી થઈ એવું માનવાને કોઈ કારણ નથી. આ બનાવના કારણે, ‘ભારત કૃષિપ્રધાન દેશ છે અને ગૌપાલન એની પ્રાથમિકતા છે’ એવો સંદેશો વિશ્વમાં વહેતો થાય તો ભલે થાય! ગાય સાવ ધોળી કે સહેજ રાતી હોય તો વાંધો નહીં, પણ જો તે કાળી હોય તો અંધકારમાં એકાકાર થઈ જાય છે. આથી તેને શોધતાંશોધતાં સલામતીરક્ષકોને આંખે અંધારાં આવી જાય છે. આથી, સરકારી પરિપત્ર કાઢીને વિમાનીમથકની આસપાસના પોણા પાંચ કિલોમીટરમાં કાળી ગાયોને પાળવા ઉપર સખ્ત પ્રતિબંધ મૂકી દેવા જેવો છે. એક અખબારી અહેવાલ પ્રમાણે એ નીલગાય હતી. પહેલી નજરે આ બાબત કોઈ પણ માની શકે એવી નિર્દોષ છે. કારણ કે, અધરાતે-મધરાતે આવી જંગલી કહી શકાય એવી જ ગાયો રખડે. સારા ઘરની ગાયો તો અંધારાં ઊતરે એ અગાઉ જ ઘર કે ગમાણમાં ચારે પગ મૂકી દે!

રાજ્યમાં વિકાસ ઘણો થયો છે એની સાબિતી ગાયગમનની ઘટના છે. કારણ કે, આપણી દીકરીઓ દેશ-વિદેશમાં શિક્ષણ, કારકિર્દી, રોજગાર, અને કુટુંબજીવન સારુ વિમાની મુસાફરી કરે છે. હવે, ગુજરાતની ગાય પણ વિમાનઘરની ભીતર દાખલ થઈ ચૂકી છે. ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’ એ પુરાણી કહેણીના દિવસો પૂરા થયા. ‘દીકરી ને ગાય, વિમાનઘર સુધી જાય’ એ નૂતન કહેવત નહીં, પણ વિકાસમંત્ર બની રહી છે, એની ટૂંકનોંધ રાજ્યવિરોધીઓએ પણ લેવી પડશે!

‘આજે છીંડામાંથી ગાય પ્રવેશી, આવતી કાલે એમાંથી આતંકવાદીઓ ઘૂસી આવે તો?’-જેવી દલીલમાં વખત ન બગાડવો. કારણ કે, આતંકવાદીઓ ગાયના પગલેપગલે ચાલીને વિમાનીમથકે ઘૂસતાં નથી. ગાયો માટે શહેરના રસ્તાઓ ઉપર વાહનવ્યવહાર અને માનવભીડના કારણે ચાલવું કપરું બન્યું છે. આ સંજોગોમાં, કોઈ ગાય વિમાનઘરના મોકળા મેદાન તરફ નજર દોડાવે તેને ક્ષમ્ય અને સહજ ગણવી જોઈએ.

આ પ્રકારના શીંગડાંઉછાળ સમાચાર જાણીને સંવેદનશીલ નાગરિકો ટેવ પ્રમાણે ચોંકી જાય છે. તેમને એટલું જ કહેવાનું કે, પુરાણકાળમાં પુષ્પક વિમાનોના આવાગમન વખતે વિમાનવિરામસ્થાનની ભીતર ગાયો નિરાંતે ચરતી જ હતી! ashwinkumar.phd@gmail.com


હળવે હલેસે
અન્ય સમાચારો પણ છે...