તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાડજમાં 4 મહિલાને બાળક ચોર સમજી 2000નાં ટોળાંએ ફટકારી: 1નું મોત

વાડજમાં 4 મહિલાને બાળક-ચોર સમજી 2000નાં ટોળાંએ ફટકારી: 1નું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | બાળકોને ઉઠાવી જતી મહિલાઓની ચોર ટોળકી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સક્રિય થઇ હોવાના વીડિયો તેમજ મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. તેવામાં જૂના વાડજ સર્કલ પાસે મંગળવારે બપોરે 2.30 વાગ્યે ચારણ જેવી દેખાતી 4 મહિલાઓ રિક્ષામાં આવી હતી. આ ચારેય મહિલાઓ બાળકો ચોરવા આવી હોવાની શંકાના આધારે લોકોએ તેમને ઘેરી લઇ પૂછપરછ કરી હતી. પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં લોકો મારવા લાગ્યા હતા. આ મહિલા રાજસ્થાનના પાલીની છે. ઢોર માર મારવામાં આવતાં પોલીસ આવી પહોંચી હતી અને હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં મહિલાનું મોત થયું હતું. લગભગ 2000 જેટલા ...અનુસંધાન પાના નં. 4

માણસોના ટોળાએ આ મહિલાઓ જે રિક્ષામાં હતી તે રિક્ષા ઘેરી લઇ ચારેય મહિલાઓની ધોલાઇ શરૂ કરી હતી. લોકોનો આક્રોશ એટલો બધો હતો કે તેમણે રિક્ષા ઊંધી કરી દીધી હતી અને ત્યારબાદ પણ ચારેય મહિલાઓને મારવાનું ચાલુ જ રાખ્યું હતું. આ સમયે ટ્રાફિક પોલીસનો એક જવાન ત્યાં હાજર હતો પરંતુ 2000 માણસોના ટોળા સામે તે લાચાર હતો.

જ્યારે આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતા વાડજ પોલીસને સંદેશો મળ્યો હતો. જેના આધારે હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ તેમજ કૃણાલભાઇ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે આ ટોળાને કાબૂમાં લેવુ તેમના માટે પણ અશક્ય હતું. તેમ છતાં તેઓ ટોળામાં ઘૂસીને મહિલાઓ સુધી પહોંચી ગયા હતા અને તેમને બચાવી હતી. જ્યારે બીજી બાજુ વાડજ તેમજ આસપાસના પોલીસની ગાડીઓ પણ આવી પહોંચતા પોલીસે ટોળાને વિખેરી દીધું હતું અને ચારેય ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે 108 માં સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી.

ઈજાગ્રસ્ત મહિલાઓ પૈકી શાંતિબહેન મારવાડી(40) નામની મહિલાનું મોત નિપજ્યું હતુ. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે મૃતક શાંતિબહેન મારવાડીના મૃતદેહની પોસ્ટ મોર્ટમ સહિતની વિધિ પૂરી કરીને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

બાળક ચોર ટોળકી ફરી રહી હોવાની અફવાથી સમગ્ર રાજ્યમાં દહેશત
વીડિયો તેમજ સોશિયલ મીડિયામાં મેસેજિંગ વાયરલ થયાં બાદ લોકોમાં ચિંતા અને આક્રોશ
ભરૂચ, સુરત, થરાદ, બારડોલીમાં લોકોને માર્યા હોવાની અનેક ઘટના
મહિલાને વાળ પકડી ઢોર માર માર્યો

મહિલાઓએ કહ્યું અમે ભિક્ષુક છીએ
બપોરે અમે પોલીસ સ્ટેશનમાં હાજર હતા ત્યારે મેસેજ આવતા હું અને કૃણાલભાઇ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે જૂના વાડજ સર્કલ ઉપર 1500 થી 2000 માણસોનું ટોળું હતું. ટોળાએ એક રિક્ષા ઊંધી કરી દીધી હતી અને તેમાં બેઠેલી 4 મહિલાઓને લોકોને મારી રહ્યા હતા. અમે સમયસર પહોંચ્યા ના હોત તો લોકોએ ચારેયને પતાવી દીધી હોત રાજેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ વાડજ પોલીસ સ્ટેશન

સરદારનગર ભદ્રેશ્વરનગરમાં રહેતા અનસીબહેન સોમનાથ ગોરખનાથ નાથ (મદારી)(35)એ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ‘હું શાંતિદેવી મંસીનાથ અને લીલાદેવી ભીખ માંગવા રિક્ષામાં વાડજ સર્કલ પહોંચ્યા ત્યારે લોકો એમને ઘેરી લીધા હતા. રિક્ષા ઊભી રાખીને તેમને કહ્યું હતું કે ‘તમે બાળકો ઉઠાવી જવા વાળી ગેંગ છો, તેમ કહી અમને મારવા લાગ્યા હતા.

આ મહિલાઓ બાળકોને ચોરવા આવી હતી કે નહીં તે જાણી શકાયુ નથી. ટોળાએ મહિલાઓને મારામારી હતી. જેમાં 1 મહિલાનું મોત થયું હતું. પોલીસે ટોળા વિરુદ્ધ ખૂન, રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આર.જે.પારઘી, ઈન્ચાર્જ ડીસીપી.

સુરતમાં લોકોએ નિર્દોષ મહિલાને ફટકારી
સુરત વરાછામાં મહિલા બાળકીને ઉપાડીને જતી હોવાના ખોટા મેસેજને પગલે ટોળાએ નિર્દોષ મહિલાને ઘેરી લઈ તેના હાથમાંથી દોઢ વર્ષની બાળકી અને બેગ છીનવી લીધી તેને માર માર્યો હતો.

થરાદમાં મૂકબધીર યુવકને માર મારી લૂંટી લીધો
કાંકરેજ તાલુકાના થેરવાડા ગામનો મૂકબધીર યુવક થરાદના ભુરીયા ગામે તેમના વેવાઇને ઘરે મળવા આવ્યો હતો જેને 4 યુવકોએ બાળકચોર સમજી માર મારી સોનાની ચેન સહિત રોકડ રકમ મળી 25 હજાર લૂંટી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બારડોલીમાં લોકોએ 5 મહિલાને પકડી
મંગળવારે બારડોલીના ગંગાધરા ગામે પાંચ અજાણી મહિલાો શંકાસ્પદ જણાતાં ગ્રામજનો બેગા થઈ પોલીસને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...