• Gujarati News
  • National
  • સ્કૂલ યુનિફોર્મની ફી કે એકપણ ઇતર પ્રવૃત્તિની ફી ફરજિયાત નહીં: સુપ્રીમ

સ્કૂલ યુનિફોર્મની ફી કે એકપણ ઇતર પ્રવૃત્તિની ફી ફરજિયાત નહીં: સુપ્રીમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારના ફી નિયમનની સામે કાનૂની જંગે ચઢેલી 1800 જેટલી શાળાઓને બુધવારે સુપ્રીમ કોર્ટે લપડાક મારતા બે સપ્તાહમાં જ તમામ શાળાઓને તેમની ફીની દરખાસ્ત એફઆરસી સમક્ષ રજૂ કરી દેવા આદેશ આપ્યો છે. બીજી તરફ સ્કૂલ યુનિફોર્મની ફી સહિતની ઇતર પ્રવૃત્તિઓની ફી ફરજિયાત નહીં ગણવા માટે આદેશ આપ્યો છે. કેસની વધુ સુનાવણી ઓગસ્ટના ત્રીજા સપ્તાહ પર મુલતવી રાખી છે.

રાજ્ય સરકારના ફી નિર્ધારણના કાયદાને હાઇકોર્ટે યોગ્ય ઠેરવતા 1800 જેટલી શાળાઓએ આ હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં એક કલાક જેટલી સુનાવણીમાં સરકાર તરફે એટર્ની જનરલ અને અેમ. સુંદરમ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, ટ્રાન્સપોર્ટેશન, ખોરાક, યુનિફોર્મ, પુસ્તકો, પ્રવાસોને ફરજિયાત બનાવી શકાય નહીં. જે તમામ બાબતો સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. તેમજ કઇ બાબત ફરજિયાત ગણવી કે નહીં તે બાબતને સરકાર સાથે બેસીને નક્કી કરી લેવા માટે સુપ્રીમ કોર્ટે શાળાઓને આદેશ આપ્યો છે.

સુપ્રીમમાં પિટિશન કરનાર 1800 શાળાઓએ એફઆરસીમાં તેમની ફીની દરખાસ્ત રજૂ કરી નથી. આ તબક્કે તમામ શાળાઓને 2 સપ્તાહમાં જ તેમની ફીની દરખાસ્ત યોગ્ય ફોર્મેટમાં એફઆરસી સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે. એટલું જ નહી તે દરખાસ્ત બાદ સરકાર જ તેમને પત્ર પાઠવીને જણાવશે કે કઇ ફી મરજિયાત ગણવાની અને કઇ ફી ફરજિયાત ગણવાની. તમામ શાળાઓને આ હુકમનું પાલન કરવા માટે આદેશ આપ્યો છે.

સ્કૂલોની નફાખોરીમાં ઘટાડો થશે
સુપ્રીમ કોર્ટનો જે વચગાળાનો આદેશ છે તેને આવકારીએ છીએે, એકસ્ટ્રા એક્ટિવિટિસ જે ફરજિયાત નથી રખાઈ. વાર્ષિક રૂ 30,000થી રૂ. એક લાખ જેટલી ફી ઉઘરાવતી સ્કૂલોમાં વાલીઓના માથે આર્થિક ભારણ ઘટશે.સ્કૂલ સંચાલકોની નફાખોરીમાં ઘટાડો થશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાની કોપીનો અભ્યાસ કરીને વાલીઓની બેઠક બોલાવીને આગળની રણ નીતિ ઘડી કઢાશે.’

બે સપ્તાહમાં સ્કૂલોએ દરખાસ્ત કરવી પડશે
નામદાર સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ મુજબ ગુજરાતના વાલીઓની જીત થઈ છે. ગુજરાતની 1800 સ્કૂલ એફઆરસીમાં ગઈ નથી તેમને બે અઠવાડિયામાં એફઆરસીમાં ફી નિર્ધારણ માટે દરખાસ્ત રજૂ કરવી પડશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે સ્કૂલો એફઆરસીમાં ગઈ છે કે નહીં તેની ચકાસણી થશે. આ ઉપરાંત સ્કૂલોના વાલીઓને આહવાન કરાશે કે જે સ્કૂલો એફઆરસીમાં ગઈ નથી તેવી સ્કૂલોને ફી નહીં આપવા માટે અનુરોધ કરાશે. વાલીઓ સાથે સતત સંપર્કમાં રહીને ભાવિ વ્યૂહરચના ઘડી કાઢવામાં આવશે. નરેશ શાહ, ઓલ ગુજરાત વાલી મંડળ

કોર્ટના ચુકાદા પ્રમાણે આગળની કાર્યવાહી થશે
ચુકાદા વિશે અમને જાણકારી મળી છે. પરંતુ હજુ સુધી સુપ્રીમ કોર્ટ દ્વારા ફી મુદ્દે બુધવારના રોજ જાહેર કરવામાં આવેલા ચુકાદાની કોપી હજુ સુધી અમને મળી નથી. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની કોપી મળ્યા પછી અમે તેના વિશે કાનૂની નિષ્ણાતોનો અભિપ્રાય લઈશું અને લીગલ એક્સપર્ટ દ્વારા ચુકાદાનો અભ્યાસ કરીને અમને જે માર્ગદર્શન આપશે તે માર્ગદર્શન અનુસાર જ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એઓપીએસ, એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સ

વાલીઓને ફી ભરવા માટે સ્કૂલો ફરજ પાડી શકે નહીં : ચુડાસમારાજ્યની સ્વનિર્ભર સ્કૂલોએ રમત-ગમત, કરાટે ક્લાસીસ જેવી ઇતર પ્રવૃત્તિની ઊંચી ફી વસૂલે છે. આવી ફી ભરવા માટે સ્કૂલો વાલીઓ-વિદ્યાર્થીઓને ફરજ પાડી શકે નહીં, શિક્ષણ ફી સિવાયની કોઇ ફી કોઇ ફી સ્કૂલો લઇ શકે નહીં તેવો વચગાળાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હોવાનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશની માહિતી આપતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, અત્યાર સુધી સ્કૂલો ઇતર પ્રવૃત્તિના નામે હજારો રૂપિયાની ફી વસૂલતી હોવાની ફરિયાદ મળી હતી. આથી સરકારે આ બાબતને ટોચની અગ્રતા આપીને વાલીઓને ઇતર પ્રવૃત્તિના થતા આર્થિક ભારણ સામે સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન માગ્યું હતું. સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે કે, સ્કૂલોમાં થતી ઇતર પ્રવૃત્તિની ફી ફરજિયાત વિદ્યાર્થીએ કે વાલીએ ચૂકવવી પડશે તેવી ફરજ સંચાલકો પાડી શકે નહીં. આમ, સ્કૂલો શિક્ષણ ફી સિવાયની કોઇ વૈકલ્પિક ફી વસૂલી શકે નહીં તેવો સ્પષ્ટ આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે. હવે પછી સરકાર ઇતર પ્રવૃત્તિની યાદી અને તેની કેટલી ફી લઇ શકાય તેની યાદી જાહેર કરશે.

સ્વિમિંગ, ટ્રાન્સપોર્ટ, હોર્સ રાઈડિંગ જેવી સેવા ફરજિયાત હોઈ ન શકે
ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં સુનાવણી
અન્ય સમાચારો પણ છે...