• Gujarati News
  • National
  • શમા સ્કૂલમાં ધક્કામુક્કી, આઠ વિદ્યાર્થીને ઇજા, એક ICUમાં

શમા સ્કૂલમાં ધક્કામુક્કી, આઠ વિદ્યાર્થીને ઇજા, એક ICUમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાણીલીમડામાંઆવેલી શમા સ્કૂલમાં શુક્રવારે સવારે શાળા છૂટ્યા પછી સીડી પર થયેલી ધક્કા-મુક્કીમાં 8 બાળકોને ઈજા થઈ હતી. 1 વિદ્યાર્થીની ઇજા ગંભીર હોવાથી તેને સારવાર માટે સિફા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયો છે. ધક્કા-મુક્કીમાં ઈજા પામેલ બાળકોએ બૂમાબૂમ કરતાં આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા અને સીડી આગળનો ગેટ ખોલીને બાળકોને બહાર કાઢ્યા હતા. 108ને ફોન કરી તત્કાળ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટનાને પગલે ઉશ્કેરાયેલા વાલીઓ અને રહીશોએ સ્કૂલમાં તોડફોડ કરતાં પોલીસને બોલાવવી પડી હતી. દાણીલીમડામાં પીરકમાલ મસ્જિદની બાજુમાં હેરિટેજ અને કોર્પોરેશનના નિયમો નેવે મૂકીને સ્કૂલ ઉભી કરી દેવાઈ છે અને તે સામે વ્યાપક વિરોધ પણ છે. ઘટના અંગે આસિસ્ટન્ટ ડી.ઈ.ઓ. એ. સી. ત્રિવેદીએ કહ્યું કે, સ્કૂલને મંજૂરી છે. ઘટનાની વિગતોની જાણકારી પછી પગલાં અંગે નિર્ણય લેવાશે.

શમા સ્કુલના પ્રિન્સિપાલ આરિફ વોરાએ કહ્યું કે, શુક્રવારે સ્કૂલમાં અડધો દિવસ હોય છે અને 10-30 કલાકે સ્કુલ છૂટી ત્યારે બાળકો વહેલા જવાની ઉતાવળમાં સીડી ઉતરવા માંડ્યા હતા. સીડીનો ગેટ બંધ હોવાથી બાળકો બહાર નીકળી શક્યા નહોતા અને તેથી ઉપરના માળેથી ઉતરતા વિદ્યાર્થીઓમાં ધક્કામુક્કી થઈ હતી અને 1 વિદ્યાર્થી નીચે દબાઈ ગયો હતો. ટ્રસ્ટી મુસ્તુફાભાઈએ કહ્યું કે, 10 વર્ષમાં પ્રથમ ઘટના છે. ઘટનામાં સ્કૂલનો વાંક નથી. દાણીલીમડાના ઈમરાન મકરાણીએ કહ્યું કે, ભાગદોડમાંં ઈજાગ્રસ્ત બાળકોએ બૂમાબૂમ કરતા રહીશો અને વાલીઓ દોડી ગયા હતા અને શાળામાં તોડફોડ કરતા સંચાલકોએ પોલીસને બોલાવી વાલીઓ, રહીશોને બહાર કાઢી પરિસ્થિતિ થાળે પાડી હતી.

ધક્કામુક્કીમાં ઇજા પામેલા અયાન સૈયદને ICUમાં દાખલ કરવો પડ્યો.

^ બાળકો દોડતા દોડતા પહેલા માળેથી નીચે જતા હતા. દાદરનો દરવાજો બંધ હોવાથી બાળકોનું બેલેન્સ જતા એકબીજા પર ગબડી પડતા 5 થી 6 બાળકોને ઈજાઓ થઈ હતી. > એમ.કે.રાણા,પીઆઈ,દાણીલીમડા

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ |{ અયાન સૈયદ { મોહમ્મદ કુરેશી { સરફરાઝ સિપાઈ { વસીમ ગદાઈ { મોહમ્મદ હુસૈન શેખ { અબુ હમઝા કુરેશી { સાદાબ શેખ { અમ્માર શેખ.

શાળા સંચાલકોની લાપરવાહી જવાબદાર

ઇજાગ્રસ્ત સૈયદ અયાનના સંબંધી શકલીને કહ્યું કે, ઘટના માટે શાળા સંચાલકોની લાપરવાહી જવાબદાર છે. સીડી કે ગેટ પાસે વોચમેન કે સિક્યુરિટી નથી. અયાનને આંખ, હાથ-પગ, પેટમાં ઈજા થઈ છે અને સાંજે 4 વાગ્યા સુધી તેને હોશ નહોતા. રિપોર્ટ આવ્યા પછી અયાનને હેમરેજ છે કે નહીં તે શનિવારે ખબર પડશે.

બાળકો ગબડીને એકબીજા પર પડ્યા હતા

સ્કૂલ બિલ્ડિંગ ગેરકાયદે, છતાં ડેમોલિશન નહીં

સાર્વજનિક સેવા ટ્રસ્ટે કોર્પોરેશનના નિયમો નેવે મૂકી પીરકમાલ મસ્જિદની બાજુમાં શમા સ્કૂલ ગેરકાયદે ઉભી કરી દીધી છે. ડીમોલીશન માટે કોર્પોરેશનના સત્તાવાળાઓએ પોલીસની મદદ પણ માંગી છે. પરંતુ અગમ્ય કારણોસર પોલીસ પ્રોટેક્શન મળ્યુ નથી. સ્કૂલ વકફ બોર્ડની જમીન પર બંધાઇ છે.

સ્કૂલ છૂટ્યા પછી મેઇન ગેટ બંધ હોવાથી સીડીમાં ભારે ધક્કામુક્કી થઇ હતી.

ગેટ બંધ હોવાથી વિદ્યાર્થીઓ સીડીમાં ફસાયા

દાણીલીમડાની ઘટના : બૂમાબૂમથી લોકો દોડી આવ્યા

અન્ય સમાચારો પણ છે...