• Gujarati News
  • National
  • પત્નીના મોબાઇલ ફોનની તપાસ કરાવવા પતિ હાઈકોર્ટ સુધી લડ્યો

પત્નીના મોબાઇલ ફોનની તપાસ કરાવવા પતિ હાઈકોર્ટ સુધી લડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્નીના લગ્ન બહારના સંબંધો હોવાનું પ્રસ્થાપિત કરવા તેના મોબાઇલ ફોનની તપાસ કરાવવા પતિએ હાઇકોર્ટમાં રિટ કરી છે. જસ્ટિસ જે. બી. પારડીવાલાએ પત્નીને નોટિસ પાઠવી છે.

ભુજના રમેશ વિરુદ્ધ પત્ની રેખાએ ઘરેલુ હિંસા અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં રમેશે કોર્ટ સમક્ષ રેખાના ફોનમાંથી લેવાયેલા એસએમએસ, વોટ્સએપ સહિતની વિગતો દસ્તાવેજ તરીકે રજૂ કરી પત્ની બેવફા હોવાની રજૂઆત કરી હતી. જોકે આ દસ્તાવેજો ખોટા હોવાનું પત્નીએ કહેતાં પતિએ પત્નીના બંને મોબાઇલ ફોનની સાઈબર સેલ કે એફએસએલ મારફતે તપાસ કરાવવા રજૂઆત કરી હતી.

આ અરજીને નીચલી અદાલતે ફગાવી દીધી હતી તેમજ હાલના તબક્કે આ કેસમાં પુરાવા માટે મોબાઇલ ફોનને એફએસએલમાં મોકલી આપવાનો ઇન્કાર કર્યો હતો.

કોર્ટે નોંધ્યું હતું કે, હાલ આ કેસમાં પુરાવાનો તબક્કો નહીં હોવાથી આ અરજી પર હુકમ થઇ શકે નહીં. તે હુકમને સેશન્સ કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. જો કે સેશન્સ કોર્ટે આ કેસમાં નીચલી અદાલતનો હુકમ યોગ્ય લેખાવ્યો હતો. જે હુકમથી નારાજ થઇ રમેશભાઇએ હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી હતી. જેમાં જસ્ટિસ જે.બી. પારડીવાલાએ એવી રજૂઆત કરી હતી કે, પતિએ મેળવેલો ડેટા તેેની પત્નીના મોબાઇલમાંથી મેળવવામાં આવ્યો છે. ત્યારે આ ડેટાની વિશ્વસનીયતા માટે ખરાઇ માટે તેના બંને મોબાઇલ ફોનનો વૈજ્ઞાનિક રિપોર્ટ કરવો જરૂરી છે.

પતિ દ્વારા રજૂ કરાયેલા ફોનના ડેટા માત્ર જો સાઈબર સેલ કે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવ્યા હોય તો જ તેને કોર્ટ માન્ય ગણશે. આ કેસની રજૂઆત ધ્યાને લઇ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને રેખાને નોટિસ પાઠવી જવાબ આપવા બે સપ્તાહનો સમય આપ્યો છે. (પાત્રોનાં નામ બદલ્યાં છે.)

અન્ય સમાચારો પણ છે...