• Gujarati News
  • National
  • ભારે વરસાદથી રસ્તાઓમાં 36 કરોડનું નુકસાન

ભારે વરસાદથી રસ્તાઓમાં 36 કરોડનું નુકસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેટ અને નેશનલ હાઈવેની મરામતનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશેઃ મનસુખ માંડવિયા

રાજ્યનાઅનેક જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદ અને પુરની સ્થિતિને કારણે નેશનલ અને સ્ટેટ હાઇવે મળીને કુલ 36 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તમામ રસ્તાઓની મરામત યુદ્ધના ધોરણે ચાલું કરવામાં આવી છે અને મરામતનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે તેમ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.

ગુજરાતમાં થયેલા માર્ગોના નુકસાન અંગે કેન્દ્રિય મંત્રી માંડવિયાએ શનિવારે ગાંધીનગર ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી અને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની બેઠક બોલાવીને સમીક્ષા કરી હતી. અધિકારીઓએ માર્ગોને થયેલા નુકસાન અને મરામતની કામગીરી અને વાહન વ્યવહાર ચાલું કરવા અંગેનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો.

મનસુખ માંડવિયાએ કહ્યું કે જે માર્ગો પર રીપેરીંગ ચાલી રહ્યું છે અને હવે જ્યાં કામ થવાનું છે તેમાં નેશનલ હાઇવે 168-એ (નેનાવા-ધાનેરા-ડીસા)માં ટેટોડા ખાતે નુકસાન થયું હતું જેની સંપૂર્ણ મરામત થઇ ગઇ છે. થરાદ- ડીસા-પાંથાવાડાની મરામત પૂર્ણ થઇ ગઇ છે. તે રીતે સાંચોર-થરાદ-સુઇગામની પણ મરામત કરી વાહન વ્યવહાર શરૂ કરી દેવાયો છે. નેશનલ હાઇ વે નં.58 વિજયનગર-ઇડર-ધરોઇ- ખેરાલુ પર વિજયનગર પાસે નુકસાન થયું છે પરંતુ ધરોઇ નજીક પાણી ઉતર્યા બાદ મરામત શરૂ કરાશે. નેશનલ હાઇવે 68 રાધનપુર-કમાલપુર-દુનાવાડા-પાટણ વચ્ચે 9થી વધુ કટ પડ્યા છે અને પાણી ભરાયેલા છે જ્યાં ટૂંક સમયમાં મરામત પૂર્ણ કરાશે. નેશનલ હાઇવે 8-એ અને 8-ક (અમદાવાદ-બગોદરા અને ગાંધીનગર-સરખેજ) પર મરામત ચાલુ છે. નેશનલ હાઇવે નં.27 મોરબી-માળીયા-સામખીયાળીને 2 કિલોમીટર સુધી નુકસાન થયું છે જેનું કામ પૂર્ણ કરી દેવાયું છે. નેશનલ હાઇવે નં.27 રાધનપુર- સામખીયાળીનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે. સામખીયાળી ગાંધીધામ તથા પોરબંદર-જેતપુર અને ભાવનગર-વેરાવળ માર્ગ પરના પુલોની મરામત કરી વાહન વ્યવહાર શરૂ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...