તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કાચી નિંદરમાં જોવાતાં વિમાન બનાવવાનાં સપનાં

કાચી નિંદરમાં જોવાતાં વિમાન બનાવવાનાં સપનાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રમાં એક ગીત ગવાતુ હતું ‘મારા પ્રેમીપંખીડા તમે આવજો રે, જંગલમાં મારી ઝૂંપડી.’ આજે પ્રેમીપંખીડાઓ સૌથી વધુ ધારાવીના ઝૂંપડાંવાળા જંગલમાં રહે છે અને સૌથી વધુ પ્રેમલગ્નો ઝૂંપડાવાસીઓમાં થાય છે. જીમ પાડેલી નામનો ન્યૂયૉર્ક ટાઇમ્સનો રિપોર્ટર થોડાં વર્ષ પહેલાં ધારાવી આવ્યો હતો. અહીં ઝૂંપડપટ્ટીની ફેક્ટરીઓ એકદમ આધુનિક છે. વાલકેશ્વર અને ગાંધીનગર- અમદાવાદના કરોડપતિના ફ્લેટમાં વપરાતા અદ્યતન ફર્નિચર અહીં બને છે. સાંકડા ઝૂંપડામાં માળ ચણીને ઉપલે માળે નિકાસ માટેનાં બ્લૂ જીન્સ ઝૂંપડાંમાં સીવાય છે. અમુક કારીગરો બ્લાઉઝના સ્પેશિયલિસ્ટ છે. અમુક દરજીઓ ધારાવીમાં લક્ષાધિપતિ વરરાજાના વેડિંગ સૂટ બનાવે છે. 60000 જેટલાં ઝૂંપડાં ગીતાનો કર્મયોગ પાળીને સતત કામ કરે છે. ન્યૂયૉર્ક ટાઇમ્સ કહે છે કે ધારાવીમાં રૂ. 70 અબજનું ઉત્પાદન થાય છે.

મુંબઈમાં બે અર્થતંત્રો છે. એક અર્થતંત્ર કરવેરા છુપાવીને ઓછો કર ભરે છે, પણ ધારાવીનું બે નંબરનું અર્થતંત્ર જે 90 ટકા રોજગારી આપે છે તે કોઈ ટૅક્સ ભરતું નથી. ‘હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ’ નામની અમેરિકન યુનિવર્સિટી જગતની ઝૂંપડપટ્ટી વિશે સર્વે કરે છે. તેના સંશોધકો અને મહારાષ્ટ્રના ગૌતમ ચેટર્જી કહે છે કે ધારાવી તો શહેરની અંદરનું એક શહેર છે. ઘણા ધારાવીને મિનિ ઇન્ડિયા કહે છે.

સાયન હોસ્પિટલમાં રોજ 3000 દર્દી તપાસાય તેમાંથી 75 ટકા ધારાવીના ટીબી, શ્વાસના દર્દો, ડાયેરિયા અને કુપોષણવાળાં બાળકો હોય છે. માંદા માંદા પણ બચ્ચાં કામ કરે છે. સાયન હોસ્પિટલના ડૉ. પલ્લવી શેલ્કે કહે છે ‘આ ઝૂંપડાવાસીની અગ્રતા તેમની હેલ્થ નથી એમની પ્રાથમિકતા રોજની રોટી કમાવાની ચિંતા છે. એક જમાનામાં ધારાવી ગુંડાઓ અને મવાલીનું ધામ હતું, પણ આજે ધારાવીમાં ઓછામાં ઓછા ગુના થાય છે. ધારાવી આજે જેન્ટલમેનોની ઝૂંપડપટ્ટી છે.

અમુક તહેવારો કે અમુક સીઝનમાં અહીંનાં કારખાનાંને ધીંગા ઓર્ડર મળે છે. દા.ત. દિવાળી આવશે ત્યારે મોટી મોટી બૅંકો તેના ગ્રાહકોને ભેટ આપવા દરેક બૅંક 2700 જેટલી બ્રીફકેસ બનાવવાનો ઓર્ડર આપશે. અમુક હવે ચીનમાં જાય છે. પણ ઘણા ધારાવીના કારીગરોને પસંદ કરે છે. અહીં કોમવાદ નથી. મોહમ્મદ આસિફ 22 કારીગર રાખીને ચામડાની ફેન્સી ચીજો બનાવે છે.

ન્યૂયૉર્ક ટાઇમ્સ કહે છે કે મોટરકાર સિવાય તમે કલ્પના કરો તે તમામ ચીજ ધારાવીમાં બને છે. મોટરકારના ઘણા સ્પેરપાર્ટ ધારાવીમાં બને છે. જૂની મોટરકાર અહીં ભંગાવા આવે છે. ‘સબ ભૂમિ ગોપાલ કી’ કહેવત છે, પણ ધારાવી બધાની ભૂમિ છે. રોજ રોજ 400 માણસો બિહાર, બંગાળ, યુપી અને મહારાષ્ટ્રના ગામડેથી આવે છે. ધારાવીમાં 500 જેટલી ગારમેન્ટ ફેક્ટરી હતી. 2007માં દરેક દરજીકામ કરનારા 50 દરજીને રોજી આપતા. ત્યારે અહીં 5000 લેધરશોપ હતી. ચામડાની ફેન્સી ચીજો બનાવતાં કારખાનાં હતાં.

મુંબઈના બંગલાને સુશોભિત કરનારા વિવિધ પેઇન્ટ્સ અહીં બને છે. લગ્નનાં મોંઘાં વસ્ત્રો પણ અહીં બને છે. કોઈને આશરો મળે તે ધારાવી આપે છે. બિહારનો આસિફ નામનો મુસ્લિમ તેના ગામને છોડીને 12ની ઉંમરે વગર ટિકિટે મુંબઈ આવવા ટ્રેનમાં બેસી ગયેલો. શરૂમાં આસિફે લેધર ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કર્યું. હવે તેની લેધરગુડ્ઝ ફેક્ટરી છે.

મોહમ્મદ વઝીર નામનો કારીગર મહિને રૂ. 6000 કમાતો હતો. આજે ડબલ કમાય છે. મોહમ્મદ વઝીર કહે છે કે અમારા વતનમાં કાં અમે ખેતરના મજૂર તરીકે કામ કરીએ કે રિક્ષા ચલાવીએ. અહીં અમે અમારી સ્કિલ વાપરીને લખપતિ થઈ શકીએ છીએ. મોહસીન નામની ઝૂંપડાવાસી કહે છે કે આજે અડધું મુંબઈ ઝૂંપડામાં રહે છે. ઘણા કારીગરો મુંબઈ શહેરમાંથી ધારાવી આવીને અહીંના નવા નવા ઉદ્યોગો શીખે છે. ધારાવી જાણે ધંધાનું કે કારીગરીનું સ્ટેપિંગ સ્ટોન છે.

અમેરિકન, અંગ્રેજ અને ભારતીય સોફિસ્ટિકેટેડ પત્રકારો ધારાવીને દૂરથી જોઈને કહે છે કે ‘અહીં બધા મિઝરેબલ કન્ડિશનમાં રહે છે.’ તેને ધારાવીનો ઇન્ટેલેક્ચુઅલ કહે છે કે ‘અમે સૌ મજામાં છીએ. મિઝરેબલ સ્થિતિમાં તો તમે રહો છો. લોકોની સૌથી મોટી મૂડી શું છે? મેડમ સિલ્વિયા વનીતા ભાસ્કર ધારાવીમાં જન્મી. તેનો પતિ ટીબીથી મરી ગયો. સિલ્વિયા નિરાશ થઈ તેણે કોમ્પ્યૂટર રાખ્યું છે. હોસ્પિટલમાં કામ કરે છે. વર્ષે રૂ. 30000 તેના બાળકોને ઉચ્ચત્તમ શિક્ષણ માટે ખર્ચે છે. તેની દીકરીને એરહોસ્ટેસ બનાવવી છે. લોકોની મૂડી શું છે? આશા હોય, અબળખા ઉજ્જ્વળ ભવિષ્યની તકો અને તે માટે શિક્ષણને મહત્ત્વ આપે છે.

એક જમાનામાં ધારાવીની માતા તેના બાળકને ફેક્ટરીમાં મોકલતી. આજે સ્કૂલમાં કે કૉલેજમાં મોકલે છે. મુસ્લિમ ઝૂંપડાવાસી હાશીને ઉર્દૂ સ્કૂલ ખોલી. એક પણ બાળક ફરક્યુ નહીં. હિન્દુ કે મુસ્લિમ તમામને અંગ્રેજી શિક્ષણ લેવું છે. મોહસીન કહે છે ‘હા, અહીં બધું બને છે પણ એરોપ્લેન બનતાં નથી. પણ અમે વિમાનોના કચરાને રિસાઇકલ કરીએ છીએ અને જોજો એક વખત અહીં એરોપ્લેનના સ્પેરપાર્ટ બને છે તેમ અમે વિમાન બનાવવાનાં સપનાં જોશું!

અન્ય સમાચારો પણ છે...