અમદાવાદ-ઝાલાવાડમાં બે દિવસથી મેઘમહેર
અમદાવાદજિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની મહેર યથાવત રહેતા જિલ્લાના સાણંદ, ધોળકા, ધંધૂકા, બાવળા, બોટાદ, દેત્રોજ-રામપુરા, વિરમગામમાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે.
સાણંદ: સાણંદપંથકમાં શનિવારે શરૂ થયેલા વરસાદ સોમવારે પણ ઝરમર ઝરમર ચાલુ રહેતા 24 કલાકમાં 25 મિ.મિ. એટલે કે અેક ઇંચ પાણી વરસ્યું હતું. ચાલુ સિઝનનો કુલ વરસાદ 161 મિ.મિ. નોંધાયો છે. સાણંદ પંથકમાં દર વર્ષે સરેરાશ 30 ઇંચ વરસાદ થાય છે. જેવા પ્રમાણમાં હજુ માંડ સાડા ઇંચ વરસાદ એટલે કે માત્ર 20 ટકા વરસાદ થયો છે.
ધોળકા: ધોળકામાંછેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે તાલુકાના ખેડૂતોમાં ભારે આનંદ છવાયો છે. સારા વરસાદથી ખરીફ પાકને જીવંતદાન મળી ગયું હતું અને નવી ડાંગર રોપણી પણ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી હતી. ધોળકા પંથકમાં રવિવારના રોજ 40 મીમી વરસાદ ખાબક્યો હતો અને સીઝનનો કુલ 104 મીમી વરસાદ નોંધાયો હતો. તેમજ સોમવાર સવારથી સાંજના 6 વાગ્યા સુધી 14મીમી વરસાદ નોંધાયો હતો. જે મળી સીઝનનો કુલ 118 મીમી વરસાદ થયો છે.
રામપુરા(ભંકોડા): વિરમગામ,માંડલ, દેત્રોજ, રામપુરા સહીત વિસ્તારોમાં શનિવાર મોડીરાતથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, જે રવિવાર દિવસ-રાત અને સોમવાર દિવસ દરમિયાન પણ ચાલુ રહ્યો હતો. રવિવાર દિવસથી મેઘરાજાએ તેનું અસલી રૂપ ધારણ કરતા ચુંવાળ પંથકના મોટાભાગના ગામો વિસ્તાર જળબંબાકાર બન્યા હતા. વરસાદથી ખાલી પડેલા તળાવોમાં નવા નીર આવ્યા હતા. ખેતરોમાં પાણી ભરાયા તો રહેણાક વિસ્તારમાં પાણી ભરાતા લોકો કંટાળ્યા હતા. ખેડુતોએ વાવણી શરૂ કરી દીધી હતી. શનિવાર મોડી રાતથી શરૂ થયેલ વરસાદ સોમવાર દરમિયાન ચાલુ રહ્યો હતો.
બાવળા: બાવળામાંબે દિવસથી વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. બે દિવસથી વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી દીધી છે. રવિવારે આખો દિવસ ઝરમર- ઝરમર વરસાદ પડયો હતો. જયારે સાંજના સમયે ધોધમાર વરસાદ પડયો હતો. ફકત એક કલાકમાં 30 એમએમ (સવા ઇંચ) વરસાદ ખાબકયો હતો. સવા ઇંચ જેટલો વરસાદ ખાબકતા બાવળા શહેરના નીચાણવાળા વિસ્તારો ચાર રસ્તા, ધોળકા, રોડ, ગર્લ્સ સ્કુલ રોડ, સંપન્ન ચોકડી આગળ, સમર્પણ સોસાયટી આગળ, નુરમહંદ સોસાયટી પાછળ વિગેરે વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાયા હતા. જેથી વાહન ચાલકો, રાહદારીઓ, વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ પડી હતી.
બોટાદ: બોટાદમાંગઇકાલે સાંજથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ગઇકાલે આખી રાત જોરદાર વરસાદ વરસ્યો હતો તેમજ આજે આખા દિવસ દરમ્યાન ધીમી ધારે મેઘરાજા વરસ્યા હતાં. હજી બોટાદમાં થોડોક વરસાદ વરસ્યો ત્યાં તો તંત્રની પોલ ખુલ્લી પડી ગઇ હતી. બોટાદમાં પાળીયાદ રોડ, સ્ટેશન રોડ, ટાવર રોડ, અવેડા ગેઇટ, ગઢડા રોડ, ભાવનગર રોડ જેવા મુખ્ય ગણાતા રસ્તાઓ પર મસમોટા ગાબડાઓ પડી ગયા છે.
ધંધૂકા: ધંધૂકાખાતે છેલ્લા 24 કલાકમાં બે ઇંચ ઉપર વરસાદ નોંધાયો છે. 1 માસના લાંબાગાળાના વિરામ બાદ વરસાદ પડતા ઉભા મોલને ફાયદો થશે.ધંધૂકા ઉપરાંત ધોલેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ ધોલેરા ખાતે પણ સારો એવો વરસાદ નોંધાયો છે. ધંધૂકા શહેરનો મોસમોનો કુલ વરસાદ 321 મી.લી. થયો છે. જોકે નદી-નાળા, તળાવ ચેકડેમોમાં પાણી નવા આવે તે માટે મોટા સારા વરસાદની જરૂરત છે. બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે હવે ચોમાસુ બેઠુ હોય તેમ સતત બે દિવસથી મેઘરાજાની પધરામણી થઇ છે. ઝાલાવાડમાં ધીમીધારે વરસતા વરસાદથી ખેડૂતોને સારા વર્ષની આશા બંધાઇ છે.
જયારે બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં 8 ઇંચ, ધ્રાંગધ્રામાં 6 થી 8 ઇંચ વરસાદથી નદી નાળાઓમાં નવા નીર આવ્યા હતા. હળવદ તાલુકાના બ્રાહ્મણી ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
અમદાવાદ જિલ્લાના સાણંદ, ધોળકા, બાવળા, ધંધૂકા, સાણંદ, વિરમગામ, રામપુરા (ભંકોડા) અને ઝાલાવાડમાં છેલ્લા બે દિવસથી મેઘો ક્યાંક ઝરમરતો ક્યાંક પૂરબહારમાં વરસી રહ્યો છે. આથી જિલ્લાના ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઇ ગઇ છે. બીજી બાજુ વધુ વરસાદથી પાટડીમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.}ભરતસિંહ ઝાલા,હર્ષદભાઈ દવે, ગૌરાંગ વસાણી, જિજ્ઞેશ સોમાણી, રાજુ શર્મા
પાટડીમાં જળબંબાકાર|જિલ્લામાં ક્યાંય તળાવમાં નવા નીર આવ્યા તો ક્યાંક વાહનો ફસાયા, મકાનો ધરાશાયી થયા
પાટડીના જૈનાબાદ-મુલાડા વચ્ચે નર્મદાના બે નાળા બેસી જતા ટ્રકો ફસાઇ જતા વાહનચાલકો પરેશાન
(મી.મી.માં)
ઝાલાવાડમાં વરસાદ
તાલુકા24 કલાકમાં મૌસમનો વરસાદ
ચોટીલા 58 341
ચૂડા 35 235
દસાડા 182 270
ધ્રાંગધ્રા 101 205
થાન 63 294
લખતર 58 202
લીંબડી 15 138
મૂળી 29 246
સાયલા 24 251
વઢવાણ 26 144