• Gujarati News
  • ગ્રામ મિત્રોને પગાર આપ્યા વગર છૂટા કરાતા વિવાદ

ગ્રામ મિત્રોને પગાર આપ્યા વગર છૂટા કરાતા વિવાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યનાતત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના યુવાનોને રોજગારી આપવાના અભિયાન અંતર્ગત મોટાઉપાડે ભરતી કરાયેલા ગ્રામમિત્રોને છેલ્લા એક વર્ષથી પગાર નહીં ચૂકવી કોઇ પણ જાતની સૂચના અાપ્યા વગર છૂટા કરી દેવાતા ભારે વિવાદ સર્જાયો છે. આવી રીતે સાક્ષરતા અભિયાન હેઠળ ભરતી કરાયેલા પ્રેરકને પણ છેલ્લા 30 મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. પગાર વંચિત યુવાનો અને પ્રેરકો સરપંચો સમક્ષ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.

ગુજરાત મોડેલની વાતો વિશ્વભરમાં થઇ રહી છે. પરંતુ મોડેલની અંદર વાતો કેટલી સાચી છે, તે જાણવાની તસ્દી કોઇ લેતું નથી. તેવો વિપક્ષે રોષ વ્યક્ત કર્યો હતો. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને રોજગારી આપવા સહિત સાક્ષરતા અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં રૂપિયા એક હજાર પગારે ગામદીઠ પાંચ ગ્રામમિત્રો તેમજ રૂપિયા બે હજાર પગારે ગામદીઠ એક પ્રેરકોની મોટાઉપાડે ભરતી કરાઇ હતી.

અન્ય જિલ્લામાં પણ આવીજ રીતે ભરતી કરાઇ હતી. પરંતુ લોકસભાની ચૂંટણી પછી તત્કાલીન મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન બનતાની સાથે અમદાવાદ સહિત મોટાભાગના જિલ્લામાં ગ્રામ મિત્રો અને પ્રેરકોને પગાર ચૂકવવામાં અવ્યવસ્થા સર્જાઇ. જેના કારણે તેજ વખતે 20થી 30 ટકા ગ્રામમિત્રો અને પ્રેરકોએ ખુદ નોકરી છોડી દીધી હતી. જ્યારે બાકીનાએ પગાર નિયમિત મળતો થઇ જશે તેવી આશાએ નોકરી ચાલુ રાખી હતી.

પરંતુ તાજેતરમાં ગ્રામ મિત્રોને કોઇ પણ જાતની નોટિસ આપ્યા વગર અને છેલ્લા એક વર્ષનો પગાર ચૂકવ્યા વગર નોકરીમાંથી છૂટા થઇ જવાની મૌખિક સૂચના આપી દેવાઇ છે. જેના કારણે તેમની હાલત કફોડી થઇ ગઇ છે. તેવું જણાવતા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા મનુજી ઠાકોરે જણાવ્યું હતું કે આવી સ્થિતિ પ્રેરકોની થઇ ગઇ છે. કારણકે સાક્ષરતા અભિયાન અંતર્ગત પ્રેરકોને પણ છેલ્લા 30 મહિનાથી પગાર મળ્યો નથી. પગાર માટે વલખા મારી રહેલા જિલ્લા પંચાયતના શિક્ષણ શાખાના અધિકારીઓ કહેછેકે ગ્રાન્ટ માટે દરખાસ્ત મોકલી છે, ગ્રાન્ટ આવશે ત્યારે પગાર મળશે. તમારે નોકરી કરવી હોય તો કરો.

બીજીતરફ સરપંચોએ હાથ ઊંચા કરી દીધા છે અને મોદી મોડલની વાતો કરનાર રાજ્યના મંત્રીઓને પણ યુવાનોની રોજગારીની કોઇ ચિંતા નથી. તેવું કહેતા વિપક્ષ નેતા ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપ સરકારની જાહેરાતો પર વિશ્વાસ રહ્યો નથી અને તેના કારણે સરકારના કૃષિ મહોત્સવમાં લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી.

તત્કાલીન મુખ્યમંત્રી મોદીના યુવાનોને રોજગારી આપવાના અભિયાન અંતર્ગત મોટા ઉપાડે ભરતી કરાઇ હતી:જિ.પં.વિપક્ષ

^રાજ્ય સરકારના આદેશથી ગ્રામ મિત્રો અને પ્રેરકોની ભરતી કરાઇ હતી અને હવે સરકારના આદેશથી છૂટા કરવામાં આવ્યા છે. બાકી પગાર વહેલી તકે મળે તેવા પ્રયાસ ચાલુ છે. > સુરેશભાઈપટેલ, પ્રમુખ,જિલ્લા પંચાયત

સરકારના આદેશથી છૂટા કરાયા છે : જિ.પં. પ્રમુખ

ગત સામાન્યસભામાં જિલ્લા પંચાયતના પ્રમુખે એક મહિનામાં બાકી પગાર ચૂકવી દેવાની ખાતરી આપી હતી. પરંતુ વાતને આજે મહિના થઇ ગયા છતાં ગ્રામ મિત્રો અને પ્રેરકો પગારથી વંચિત છે.

એક મહિનામાં પગાર ચૂકવવાની ખાતરી અપાઇ હતી