{ યદુવંશી વેશમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા
{ યદુવંશી વેશમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા
6 વર્ષ પહેલા
કૉપી લિંક
જગતનાનાથ જગન્નાથ ભગવાનની 140મી રથયાત્રા શહેરના પરંપરાગત રૂટ પર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. ‘જય જગન્નાથ’ના નાદ સાથે યદુવંશી વેશમાં નગરચર્યાએ નીકળેલા જગન્નાથ ભગવાનનાં દર્શન કરવા માટે લાખોનું માનવમહેરામણ રસ્તાઓ પર ઉમટી પડ્યું હતું. મંદિરે વહેલી સવારે 4 કલાકે અમિત શાહે રથયાત્રાની મંગળા આરતી કરી હતી. સવારે 7 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પહિંદ વિધિ કરીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. સૌપ્રથમવાર ત્રણ જણાએ રથયાત્રાની પહિંદ વિધિ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી રથ ખેંચવાની જગ્યાએ રથ પર બેસી ગયા હતાં. દાયકાઓ અગાઉ મુખ્યમંત્રી છલીબદાસ મહેતા અને નાયબમુખ્યમંત્રી નરહરી અમીને પહિંદ વિધિ કરી હતી.
સમગ્ર રથયાત્રા દરમિયાન વરસાદની રાહ જોવાતી રહી ત્યારે સાંજના સમયે નીજ મંદિરે રથ પરત ફરી રહ્યો હતો ત્યારે માણેકચોક અને ઘી કાંટા ખાતે રથ પર અમી છાંટણા થયા હતાં. સવારે 7 કલાકે શહેરના નીજમાર્ગ પર રથયાત્રાનું પ્રયાણ થયું હતું. સરસપુર સ્થિત રણછોડયરાયજી મંદિરે 12.44 કલાકે જગન્નાથ ભગવાનનો રથ પહોંચ્યો હતો. મંદિરના ટ્રસ્ટીઓ અને મોસાળવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથનું ઉમળકાભેર સ્વાગત કરાવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથને દર વર્ષની જેમ વર્ષે પણ લાખો રૂપિયાનું મામેરૂ કરાયુ હતું. કુલ એક લાખથી વધુ લોકો રથયાત્રામાં મોસાળ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં ભોજન કરીને બપોરે 2.45 કલાકે રથયાત્રાનો ફરીવાર પ્રારંભ થયો હતો.
શાહપુર-દરિયાપુર શાંતિ સમિતિના સભ્યોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું અને મહંત દિલિપદાસજી મહારાજને ભેટ આપીને શુભકામનાઓ પાઠવી હતી. રાત્રે 8.30 કલાકે રથ નીજ મંદિરે પરત પહોંચ્યા હતા. રથયાત્રા મંદિરે પહોંચ્યા બાદ તેમની આરતી ઉતારીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
રથયાત્રામાં શણગારેલી ટ્રકો દ્વારા ગૌ બચાવો, બેટી બચાવો, રક્તદાન, વૃક્ષો બચાવો જેવા સંદેશાઓના બેનરો ઠેરઠેર લગાડવામાં આવ્યા હતાં. અંગ કસરતના દાવો કરતા અખાડાવાળા અને ભજનમંડળીને જોવા લોકોમાં અનેરો ઉત્સાહ હતો. રથયાત્રામાં સેલ્ફી ક્રેઝ પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળ્યો હતો.
જગન્નાથ ભગવાનની 140મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. ‘જય જગન્નાથ’ના નાદ સાથે યદુવંશી વેશમાં નગરચર્યાએ નીકળેલા જગન્નાથ ભગવાનનાં દર્શન કરવા માટે લાખોનું માનવમહેરામણ રસ્તાઓ પર ઊમટી પડ્યું હતું. ફોટો- ધવલ ભરવાડ