કંડક્ટર ભરતી પ્રકરણમાં જવાબ રજૂ કરવા HCનો તંત્રને આદેશ
જીએસઆરટીસીકોર્પોરેશનમાં કંડકટરની ભરતી સામે હાઇકોર્ટે સ્ટે આપ્યા બાદ તંત્રને 11મી ડિસેમ્બર પહેલા જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે કે, તેઓ મેટર ક્યારે ચલાવવા ઇચ્છે છે. કંડકટરની ભરતીમાં ગંભીર પ્રકારના છબરડા હોવાને મામલે હાઇકોર્ટમાં રિટ થઇ હતી. હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી કે, પિટિશનમાં લગાવવામાં આક્ષેપો સામે તંત્ર યોગ્ય ખુલાસા આપી શકી નથી, ત્યારે આક્ષેપો સત્ય હોવાનું મનાઇ રહ્યું છે.
કેસની વિગત એવી છે કે, બલભદ્રસિંહ સહિત 34 અરજદારોએ એડ્વોકેટ કૃણાલ પંડ્યા મારફત થયેલી પિટિશનમાં એવો આક્ષેપ કર્યો હતોકે, કોર્પોરેશન દ્વારા કંડકટર માટે કરેલી ભરતીમાં અનેક છબરડા સામે આવ્યા છે. જે ઉમેદવારો પરીક્ષામાં ઉત્તીર્ણ થયા તે ઉમેદવારોનું નામ આખરી યાદીમાંથી દૂર થઇ ગયું હતું જ્યારે જે ઉમેદવારો નાપાસ જાહેર થયા હતા તેવા ઉમેદવારોના નામ આખરી ઉમેદવારોની યાદીમાં દર્શાવવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે આવી સ્પર્ધાત્મક પરીક્ષા એક દિવસે એક સમયે યોજવામાં આવતી હોય છે. જોકે તંત્ર દ્વારા પરીક્ષા બે થી ત્રણ તબક્કામાં લેવામાં આવી હતી. જેમાં છેલ્લા તબક્કામાં પરીક્ષા આપનાર લોકો મહત્તમ પાસ થયા હતા. તે સિવાય અનેક ખામીઓ જોવા મળી હતી.
કોર્ટે નોંધ્યું હતું કે, કોર્પોરેશન તમામ બાબતોની સ્પષ્ટતા કરવામાં ઊણું ઉતર્યું છે. જ્યારે ઉમેદવાર પરીક્ષામાં નાપાસ જાહેર થયો હોય તો તેનું નામ મેરિટ લિસ્ટમાં કઇ રીતે આવી શકે અને તેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કઇ રીતે બોલાવી શકાય. બબાતો સ્પષ્ટ કરવામાં તંત્રની કચાસને કારણે એવું માનવાને કારણે છે કે, પિટિશનમાં કરાયેલા આક્ષેપોમાં વજુદ છે. ત્યારે કેસને ચલાવવા માટે 11મી ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે.
11મી ડિસેમ્બર પહેલા જવાબ રજૂ કરવા માટે કોર્પોરેશનને આદેશ
ભરતીના છબરડાના ગંભીર આક્ષેપોના તંત્ર જવાબ આપી શક્યું નથી