તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં 3 મહિના રાહત આપવા માંગ

પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં 3 મહિના રાહત આપવા માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 50 માઈક્રોન સુધીના પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો છે. કાલુપુર સહિત અન્ય વિસ્તારોના પ્લાસ્ટિકના વેપારીઓ અને ઉત્પાદકોએ બુધવારે મ્યુનિ. કચેરી, દાણાપીઠ ખાતે દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારપછી મેયર, ભાજપ નેતા અને સ્ટેન્ડિંગ ચેરમેન સમક્ષ પ્રતિબંધિત પ્લાસ્ટિકના કાયદાના અમલમાં ત્રણ મહિના રાહત આપવા માંગણી કરી છે. પર્યાવરણને નુકસાન ન કરતા હોય તેવા 50 માઈક્રોનના પ્લાસ્ટિકના વપરાશને છૂટ આપવા તેમજ સીલ કરાયેલી ફેક્ટરીઓ- યુનિટને બોન્ડ લઈને સીલ ખોલી આપવા માંગણી કરી છે. આ અંગે મ્યુનિ. કમિશનર સાથે પરામર્શ કરીને નિર્ણય લેવા મ્યુનિ. પદાધિકારીઓએ તેમને હૈયાધારણ આપી છે. આ વેપારીઓ, આવતીકાલે મ્યુનિ. કમિશનર સમક્ષ પણ રજુઆત કરશે.

મ્યુનિ. દ્વારા 50 માઈક્રોન સુધીના પ્લાસ્ટિકના કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે અને તેના કારણે વેપારીઓ, ઉત્પાદકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે અને તેમના ધંધા ઠપ્પ થઈ ગયા હોવાથી તેઓ પરેશાન છે. મેયર સહિત પદાધિકારીઓ સમક્ષ વ્યાપક રજુઆતો કરાઇ હતી. આ વેપારીઓ પાસે પ્લાસ્ટિકનો હયાત જથ્થો છે તેનો નિકાલ કરી શકાય તે માટે બેથી ત્રણ મહિનાનો સમય આપવા માંગણી કરી છે. ઉપરાંત જે યુનિટ સીલ કરાયા છે તેના સંચાલકો પાસેથી જરૂરી અને યોગ્ય બોન્ડ લઈને તેમના યુનિટ ખોલી આપવા માંગણી કરી છે. પ્લાસ્ટિકના વેપારીઓની રજુઆત અંગે મ્યુનિ. કમિશનર સાથે ચર્ચા કરીને નિર્ણય લેવા પદાધિકારીઓએ ખાતરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...