તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એગ્રી કોમોડિટીમાં એરંડામાં મંદીની સર્કિટ, ખાદ્યતેલ નરમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

એગ્રી કોમોડિટીમાં નિરૂત્સાહી ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. તાજેતરમાં હવામાન ખાતા દ્વારા સારા ચોમાસાની આગાહી કરવામાં આવતા તેજીને બ્રેક લાગી છે. દિવેલની નબળી નિકાસના કારણે ઉંચા ભાવથી શિપર્સોની એરંડામાં ખરીદી અટકતા સતત મંદીની સર્કિટ લાગી રહી છે. એરંડા વાયદો ઝડપી 6000ની સપાટી કુદાવ્યા બાદ ઘટીને અત્યારે 5700 નજીક પહોંચ્યો છે. જ્યારે ચણામાં પણ ભાવ ઢીલા રહ્યાં હતા.

માવઠાના કારણે એરંડા, ઉનાળુ તલ તથા અન્ય પાકોને નુકશાની છતાં ભાવ નરમ રહ્યાં છે. હાજરમાં માગ ઠંડી હોવાથી અને વૈશ્વિક ડિમાન્ડ અભાવે હાલ ઝડપી તેજી એનાલિસ્ટો નકારી રહ્યાં છે. જૂનમાં વરસાદનું ચિત્ર કેવુ રહે છે અને વૈશ્વિક માગ કેવી રહે છે તેના આધારે તેજી ઘડાશે.

ખાદ્યતેલોમાં ભાવ સપાટી નરમ રહી છે. પામતેલની સતત વધી રહેલી આયાત અને સ્થાનિકમાં નબળી માગના કારણે ખાદ્યતેલોમાં ભાવ ડબ્બા દીઠ 10-20 નીચા ક્વોટ થતા હતા. સિંગતેલ ડબ્બો ઘટી 1750 અંદર 1740 બોલાતો હતો. ક્રૂડમાં તેજી છતાં ગમની નિકાસ નહિંવત્ રહેતા હાજર-વાયદામાં ભાવ સપાટી નરમ રહી છે.

બટાટાના ઉત્પાદનમાં કાપના ભયે મજબૂતી
ઉત્તર અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં કરા સાથે કમોસમી વરસાદ થતા ઉત્પાદનને અસર પડશે અને ગુણવત્તા ખરાબ થશે તેવા અહેવાલે બટાટાના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. અમદાવાદ ખાતે હોલસેલમાં ભાવ મણ દીઠ 80થી 200 છે જ્યારે રિટેલ માર્કેટમાં કિલોદીઠ ભાવ વઘીને 20-25 બોલાઇ રહ્યાં છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે તેના પ્રથમ ઉત્પાદનનો અંદાજ 52.59 મિલિયન ટન 2018-19માં દર્શાવ્યો છે. જ્યારે 2017-18માં 51.31 અને 2016-17માં 48.61 મિલિયન ટનની તુલનાએ વધુ દર્શાવ્યો છે. બટાટાના વાવેતર 2.18 લાખ હેક્ટરમાં રહ્યું છે જે અગાઉના વર્ષે 2.14 લાખ હેક્ટરમાં રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...