• Gujarati News
  • National
  • Ahmedabad News Challenge Against Husband39s 1 Lakh Income Against 2 Thousand Maintenance Orders 055021

પતિની 1 લાખ આવક સામે 2 હજાર ભરણપોષણના આદેશને પડકારાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | કેમિકલ એન્જિનિયર પતિની મહિને રૂ. 1.10 લાખની આવક હોવા છતાં પત્ની અને પુત્રીના ભરણપોષણ માટે રૂ. 2 હજારના મેટ્રો કોર્ટે કરેલા હુકમને પરિણીતાએ સેશન્સ કોર્ટમાં પડકાર્યો છે, જેથી કોર્ટે પતિ અને સરકારને નોટિસ કાઢી વધુ સુનાવણી 10 જૂને રાખી છે.

સેશન્સ કોર્ટની પતિને નોટિસ, વધુ સુનાવણી 10મી જૂને
વસ્ત્રાલમાં રહેતી આનલ ગોસાઈના લગ્ન નરોડાના અશ્વિનપુરી ગોસાઈ સાથે 8 ડિસેમ્બર 2013ના રોજ થયાં હતાં. તેમને 3 વર્ષની એક પુત્રી છે. લગ્ન બાદ પતિ અને સાસરિયાએ ત્રાસ આપી દહેજ પેટે રૂ. 5 લાખની માગણી કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. આ અંગે આનલે મેટ્રો કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ કરી માતા-પુત્રીના જીવનનિર્વાહ માટે 50 હજારની માગ કરી હતી. આ કેસમાં મેટ્રો કોર્ટે રેકર્ડ પર આવેલા પુરાવાને ધ્યાને રાખી એન્જિનિયર પતિને પત્નીના રૂ. 1500 અને પુત્રીના રૂ.500 મળી કુલ રૂ.2 હજાર દર માસે ચૂકવવાનો આદેશ કર્યો હતો.

મેટ્રો કોર્ટે કરેલા હુકમને આનલે એડવોકેટ સંદીપ ક્રિસ્ટી દ્વારા સેશન્સ કોર્ટમાં પડકારવામાં આ‌્યો છે, જેમાં એવી રજૂઆત કરાઈ છે કે, પતિ કેમિકલ એન્જિનિયર છે અને અમદાવાદની પ્રતિષ્ઠિત કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવી દર મહિને રૂ.1.10 લાખ પગાર મેળવે છે.

આ વિગતો મેટ્રો કોર્ટમાં સોગંદ પર જણાવી હતી, જેની સામે પતિ અશ્વિનપુરીએ પોતાની આવક જાણી જોઈને કોર્ટથી છુપાવી છે. તેણે બીઈ મિકેનિકલનો અભ્યાસ કરેલો છે અને અરવિંદ મિલમાંથી રાજીનામું આપી રાજકોટ ઈપીપીલી કંપનીમાં નોકરી સ્વીકારી હોવાનું લેખિતમાં જણાવેલું છે. તેમ છતાં મેટ્રો કોર્ટે તમામ હકીકતોનું અવલોકન કર્યા વગર ખોટો અને વાદગ્રસ્ત હુકમ કર્યો છે.

ભારતીય પુરાવા અધિનિયમની કમલ- 106 મુજબ અરજદાર સામા પક્ષની જે આવક દર્શાવે અને તેનાથી ઓછી કે વિપરીત આવક સામાવાળા ધરાવતા હોય તો તે સાબિત કરવાની જવાબદારી તેમની હોય છે. તેમ છતાં મેટ્રો કોર્ટે કાયદાકીય જોગવાઈઓથી વિરુદ્ધ જઈ પોતાના હુકમમાં પરિણીતાએ તેનો પતિ રૂ. 1.10 લાખ પગાર મેળવતા હોવા અંગેનો કોઈ પુરાવો રેકર્ડ પર લાવ્યા નથી.

આમ જણાવી માતા-પુત્રીના ભરણપોષણ પેટે રૂ. 2 હજારનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. કારમી મોંઘવારીમાં અરજદાર માતા અને તેની પુત્રી રૂ.2 હજારમાં ભરણપોષણ તો શું પણ સામાન્ય ખર્ચ પણ કાઢી શકે તેમ નથી. આથી મેટ્રો કોર્ટેમાંથી કેસના રેકર્ડ મગાવી પરિણીતાની તરફેણમાં યોગ્ય હુકમ કરવામાં આવે. જોકે પરિણીતાએ સાસરિયાંવાળા પર દહેજ માટે 5 લાખ માગી સતત ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકવાનો આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...