તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ખોદકામમાં ઘડો ભરી સોનું મળ્યું છે’ કહી 4 ગઠિયા વેપારીને નકલી સોનું પધરાવી ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘સરખેજમાં ખોદકામ દરમિયાન આ સોનુ ભરેલો ઘડો મળ્યો છે, અમારે આ સોનુ વેચવાનું છે’ તેમ કહી ભંગારના વેપારીને મહિલા સહિત 4 ગઠિયા નકલી સોનાનો હાર પધરાવી 1.30 લાખ લઇ ગયા હતા.

દૂધેશ્વર રોડ ધોબીધાટ મ્યુ.સ્ટાફ ક્વાટર્સમાં રહેતા અશરફભાઇ જુમાભાઇ વણજારા(48) ભંગારનો ધંધો કરે છે. 22 જાન્યુઆરીએ સાંજે 4.30 વાગ્યે અશરફભાઇ સરખેજ હનુમાનપુરા પાસે આવેલી ચાની કીટલી ઉપર ચા પી રહ્યા હતા. ત્યારે 3 પુરુષ અને 1 મહિલા તેમની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે અમે ચારેય જણા ખોદવાનું કામ કરીએ છીએ. અમે સરખેજમાં ખોદવાનું કામ કરતા હતા ત્યારે સોનુ ભરેલો ઘડો મળ્યો છે અને અમારે તે સોનુ વેચવાનું છે.

તેમ કહેતા અશરફભાઇએ તેમને કહ્યું હતું કે, પહેલા મને સોનુ બતાવો, તેમ કહેતા તે ચારેયે સોનાનો એક હાર બતાવ્યો હતો અને તે હારમાંથી એક નાનકડો ટુકડો તોડીને અશરફભાઇને હાથમાં આપીને કહ્યું હતું કે, આ ટુકડો તમે ચેક કરાવી લો, ત્યાં સુધી અમે અહીં જ બેઠા છીએ, જેથી અશરફભાઇ તે સોનાનો ટુકડો લઇને 4 જેટલા સોનાની દુકાને ગયા હતા અને બધા એ સોનાનો ટુકડો જોઇને તે અસલી સોનું હોવાનું કહ્યું હતું.

સોનુ ચેક કરાવ્યા બાદ તેઓ ફરી ચાની કીટલીએ ગયા અને ત્યાં ગઠિયાઓએ કહ્યું, તમારે આ હાર જોઇતો હોય તો 1.30 લાખ આપવા પડશે. જેથી અશરફભાઇ હાર ખરીદવા તૈયાર થઇ જતા તે ચારેય જણા અશરફભાઇને હાર આપી પૈસા લઇને જતા રહ્યા હતા. બીજા દિવસે અશરફભાઇએ માધવપુરા માર્કેટમાં જઇને સોનાને હાર બતાવતા તે હાર નકલી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તેમણે માધુપરુા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજા દિવસે છેતરાયા હોવાનું માલૂમ પડ્યું
સોની પાસે ચેક કરાવ્યા બાદ અશરફભાઈએ મહિલા સહિત ચારેય ગઠિયાઓ પાસેથી સોનું ખરીદવાની તૈયારી દર્શાવી હતી. ત્યાર બાદ સોનાનો હાર આપીને ચારેય જણા ત્યાંથી જતા રહ્યા હતા. બીજા દિવસે જ્યારે માધુપુરા માર્કેટમાં તેમણે એક સોનીને આ હાર વેચવાનું જણાવ્યું ત્યારે તે સોનીએ તપાસ કરતા જાણવા મળ્યું કે આ સોનાનો હાર નકલી છે. પોતે છેતરાયા હોવાનું જણાતા ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...