• Gujarati News
  • National
  • Ahmedabad News 37 Thousand Pieces Of Gold Was Seized From The House 37 Years Ago 055110

37 વર્ષ પૂર્વે ઘરમાંથી 7 હજાર તોલા સોનું જપ્ત કરાયું હતું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલિસબ્રિજ-આંબાવાડી વિસ્તારની શ્વેતા પાર્ક સોસાયટીના એક બંગલામાં આજથી 37 વર્ષ પૂર્વે કસ્ટમ વિભાગના અધિકારીઓની ટીમે અત્યંત ગુપ્તતા રાખીને દરોડો પાડ્યો હતો, જેમાં ત્યારે સાત હજાર તોલા સોનાનો જથ્થો પકડી પાડ્યો હતો. એ સમયે સોનાના કબજે કરાયેલા જથ્થાની કિંમત એકંદરે રૂ. 1.40 કરોડ થતી હોવાની રજિસ્ટરમાં નોંધ કરાઈ હતી. આજે વર્તમાન સંજોગોમાં કૂદકે ને ભૂસકે વધી રહેલા સોનાના ભાવની ગણતરી અંદાજિત કિંમત લગભગ 30 કરોડથી વધુ થવા જાય છે.

કસ્ટમ વિભાગના તત્કાલીન કસ્ટમ કલેક્ટર બી. વી. કુમાર તથા બે ઇન્સ્પેક્ટર ડબ્લ્યુ. એચ. ખાન તથા એન. એચ. દવેએ તેમની ટીમ સાથે 15 એપ્રિલ, 1982ની રાતના અત્યંત ચુપકીદીપૂર્વક પાડેલા આ દરોડાની હકીકતો બીજા દિવસે પ્રકાશમાં આવી ત્યારે શહેરમાં ભારે હલચલ મચી ગઈ હતી તેમ જ આ દરોડાની જાણ થતાં રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગના તત્કાલીન ડિરેક્ટર એમ. એમ. વાધવા દિલ્હીથી વિમાનમાર્ગે ત્વરિત અમદાવાદ દોડી આવ્યા હતા. ત્યાર બાદ તેમના માર્ગદર્શનમાં કસ્ટમ વિભાગના અધિકારીઓએ ધમધમાટ તપાસ શરૂ કરી દીધી હતી. આ દરોડાના અનુસંધાનમાં ત્યારે ત્રણ પાત્રોનાં નામ પ્રકાશમાં આવ્યાં હતાં, જેમાં પાકિસ્તાની નાગરિક ઇકબાલ ઉર્ફે મોહંમદ અખતર હુસૈન ઉર્ફે કાદર ભટ્ટી અને બે સગી બહેનો ઇન્દુ શેઠ અને રેખા શેઠનો સમાવેશ થયો હતો. વિશ્વવ્યાપી કરોડો રૂપિયાના સોનાની દાણચોરીનો કારોબાર ચલાવતી ઇન્ટરનેશનલ સ્મગલર્સ ગેંગનો કાદર ભટ્ટી સાગરિત હતો. કસ્ટમ વિભાગની પ્રાથમિક પૂછપરછમાં કાદર ભટ્ટીએ કબૂલાત કરી હતી કે, દુબઈથી સોનાની દાણચોરીના કારોબાર ચલાવતા મોહંમદ નામધારી દાણચોરે આ જથ્થો પાકિસ્તાનથી અમદાવાદ મોકલ્યો હતો.

આ ઉપરાંત કાદર ભટ્ટીએ વધુમાં કબૂલાત કરી હતી કે, દુબઈથી સોનાની દાણચોરીનો કારોબાર ચલાવતા મોહંમદે આ જથ્થો પાકિસ્તાનથી અમદાવાદ મોકલ્યો હતો. કાદર ભટ્ટીએ વધુમાં કબૂલાત કરી હતી કે, શ્વેતા પાર્કનો આ બંગલો ત્યારે તેણે રૂ. 3.60 લાખમાં રેખા શેઠ પાસેથી ખરીદ્યો હતો. રેખાની મોટી બહેન ઇન્દુ શેઠની ઉંમર ત્યારે 32 વર્ષની હતી અને રેખાની ઉંમર 18 વર્ષની હતી. બંને બહેનોએ સોનાની દાણચોરીના કારોબારના મોટા સોદાગરો સાથે નિકટના સંબંધો સ્થપાયા પછી તેમણે તેમની સાથે હાથ મિલાવી લીધા હતા. ગુજરાતભરમાં દોઢ કરોડ રૂપિયાના સોનાની દાણચોરીનું આ પ્રકરણ ત્યારે કાદર ભટ્ટી નામથી ચકચારી બની ગયું હતું. ઇન્દુ શેઠ આ સિન્ડિકેટ સાથે દાણચોરીની કુરિયર તરીકે ચારેક વર્ષથી કામકાજ કરતી હતી. કાદર ભટ્ટીની ત્યારે ઉંમર 35 વર્ષની હતી. આમ છતાં 18 વર્ષની રેખા તેની પ્રેમની માયાજાળમાં ફસાઈ ગઈ હતી. આથી કાદર ભટ્ટીએ રેખાના નામથી પાકિસ્તાનથી મોકલેલા રૂપિયા એક લાખનો બેંક ડ્રાફ્ટ પણ જપ્ત કરાયો હતો. (શહેરની બે યુવતીઓ ઇન્ટરનેશનલ સ્મગલિંગ ગેંગમાં કેવી રીતે સામેલ થઈ? વાંચો આવતા અંકમાં)

કાદર ભટ્ટી દાણચોરી કેસ: ભાગ-1
1982માં આંબાવાડીની સોસાયટીમાં રહેતા બે યુવતીના ઘરે કસ્ટમ વિભાગે મોડી રાતે દરોડા પાડ્યા હતા
અન્ય સમાચારો પણ છે...