માવઠું / રાજ્યમાં તોફાની તબાહી, 9નાં મોત: પ્રચારકાર્ય ખોરંભે; હજી આગામી 24 કલાકમાં વરસાદની આગાહી

divyabhaskar.com | Updated - Apr 17, 2019, 08:58 AM

  •  ઉ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગંભીર અસર 
  • હિંમતનગરમાં મોદીની સભાનો મંડપ ઊડ્યો
  • મધ્યપ્રદેશમાં અનેક જિલ્લાઓમાં આંધી સાથે વરસાદથી 14 લોકોનાં મોત થયાં


અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં અચાનક વાતાવરણ પલટાયું છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા અને કરાં પડ્યા છે. પાડોશી મધ્યપ્રદેશમાં પણ ઝંઝાવાતી વરસાદને પગલે 14 વ્યક્તિનાં મોત થયા હોવાના અહેવાલ છે. રાજ્યના 19 જિલ્લામાં ઝંઝાવાતી વરસાદ પડ્યો છે. પરિણામે ચૂંટણીની મોસમમાં 15 જેટલી બેઠકો પર પ્રચારકાર્ય અટકી ગયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તે પહેલા જ કુદરતે જાણે રોડ શો કર્યો હતો. કમોસમી માવઠાથી ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ છ લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટ નજીક બે અને ધ્રાંગધ્રામાં 1નું મોત થયું છે. ઠેર-ઠેર છાપરા ઊડવાના બનાવો પણ નોંધાયા છે. અચાનક પડેલા વરસાદને કારણે ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો પાક પલળી જવા પામ્યો હતો તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વરસાદથી કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે.

કેટલાક ઠેકાણે પશુધન પણ વીજળી પડવાથી મોતને ભેટ્યા હતા. ખેતરોમાં પાણી ભરાવાથી ડાંગર જેવા ઊભા પાકને પણ નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે.

આગામી 24 કલાકમાં વરસાદની આગાહી: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સર્જાયેલા અપરઅેર સાઈક્લોનિક સરક્યુલેશનથી રાજ્યનાં વિવિધ શહેરોમાં 25થી 37 કિ.મીની ઝડપે ફૂંકાયેલા પવનો સાથે ધૂળની ડમરી ઊડી હતી. ત્યારબાદ વિવિધ શહેરોમાં વરસાદી ઝાપટાં, હળવો વરસાદ તો ક્યાંક બરફનાં કરા પડતાં વાતાવરણમાં ઠંડક વધી હતી. અાગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત, અમદાવાદ અને સૌરાષ્ટ્ર-કચ્છનાં સરહદી વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

19 જિલ્લાની 15 બેઠકો પર વરસાદ: સુરેન્દ્રનગર, મહેસાણા, સુરત, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મોરબી, આણંદ, નડિયાદ, બોટાદ અને ડાંગ.

અહીં મોત થયાં
* કડી, વેજલપુર અને બનાસકાંઠામાં 2-2 મોત.
* રાજકોટ નજીક 2ના મોત
* ધાંગધ્રામાં 1 મોત

સભામાં છાપરાં ઊડ્યાં: હિંમતનગરમાં મોદીના સભા સ્થળે ડોમના પડદા ફાટ્યા, સ્પીકરો ઊડ્યા. રાજકોટમાં લલિત કગથરાના છાપરાં ઊડ્યાં, દાહોદમાં બીજેપીની સભાનો મંડપ ઊડ્યો. રાજકોટમાં ખેતરોમાં કરાં સાથે વરસાદ થયો હતો. મહેસાણામાં માર્કેટયાર્ડમાં પાક પલળી ગયો.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App