ટ્રાફિક ઝંબેશ ચલાવનાર અમદાવાદના બન્ને કમિશનરને મળ્યું જનસમર્થન, સરકારે કહ્યું- બદલી નહીં થાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને અમદાવાદીઓનુ અભૂતપૂર્વ જનસમર્થન મળ્યું છે. હાઈકોર્ટના આદેશ પછી બંન્ને ઓફિસર્સે શહેરને ટ્રાફિક અને દબાણમુકત કરવા મહાઅભિયાન શરૂ કર્યું છે જેના લીધે કેટલાક રાજકારણીઓના પેટમાં તેલ રેડાયુ છે અને બંન્નેને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવા પ્રયાસ શરૂ કર્યાના સમાચાર વહેતા થયા હતા. જેને રોકવા અમદાવાદીઓ આગળ આવ્યા હતા અને સોશિયલ મિડીયામાં બંન્ને ઓફિસર્સના ફોટાવાળી કલીપમાં તેમના ફોન નંબર જાહેર થયા હતા. પોલીસ કમિશનર એ.કે.સિંઘે કહ્યું હતું કે, છેલ્લા 12 કલાકમાં તેમના પર 5000 કોલ્સ અને મેસેજ મળ્યા હતા. જયારે વિજય નહેરાને બે હજાર જેટલા કોલ, મેસેજ મળ્યા હતા. બંન્ને ઓફિસર્સે અપીલ કરી હતી કે, લોકોની લાગણી સરાહનીય છે પણ અભિનંદન, શુભેચ્છા કે લાગણી પહોંચાડવા પર્સનલ નંબર પર કોઈ પણ નાગરિક ફોન કરે નહીં.’

 

કેન્દ્રને મારી સેવાની જરૂર જણાશે તો મારી બદલી ત્યાં થઈ શકે: એ.કે.સિંઘ


પોલીસ કમિશનર એ.કે.સિંઘે કહ્યું,‘મારી પર અભિનંદન, શુભેચ્છા આપવા છેલ્લા બાર કલાકમાં દર બે સેકન્ડે એક ફોન આવે છે. લોકોની લાગણીને બિરદાવુ છુ પણ મારી નાગરિકોને વિનંતી છે કે, તમારે પોલીસની મદદ જોઈતી  હોય તો 100 નંબર પર ડાયલ કરો, ટ્રાફિકની સમસ્યા હોય તો 1095 પર ફોન કરે, મારી કામગીરીને બિરદાવવા કે અભિનંદ આપવા મને કોઈ નાગરિક ફોન કરે નહીં. આવુ ચાલુ રહેશે તો કયારેક ઈમરજન્સી ફોન આવશે તો મારે ટાળવો પડશે. સારી કામગીરી બિરદાવવાનુ ટાળો. કમિશનર તરીકે મારા ધ્યાન પર લાવવા જેવી ગંભીર બાબત લાગે તો જ મને ફોન કરવો. ચાર મહિના પહેલા એમ્પેનલમેન્ટમાં મારુ નામ આવ્યુ છે. કેન્દ્રને મારી સેવાની જરૂર જણાશે તો મારી બદલી ત્યાં થઈ શકે. પરંતુ ટ્રાફિકની ઝુંબેશને અનુલક્ષીને કોઈ બદલી નથી.’

 

સરકારી પ્રક્રિયા મુજબ મારુ કેન્દ્રમાં એમપેનલમેન્ટમાં નામ આવ્યુ છે: વિજય નેહરા

 

મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, ‘કામગીરી બિરદાવતા અને શુભેચ્છા આપતા સંખ્યાબંધ ફોનકોલ્સ, વોટસએપ અને ટેક્ટ મેસેજીસ મળ્યા છે. મારી નાગરિકોને નમ્ર અપીલ છે કે, મને સીધો ફોન કરવાનું ટાળે. જો લાગણી પહોંચાડવી હોય તો અન્ય એક વોટસએપ નંબર જાહેર કર્યો છે. જયાં લોકો પોતાના ફીડબેક અને સજેશન પણ આપી શકે છે. લોકોની અપેક્ષાઓ ખૂબ જ વધી છે જેને પૂરી કરવા મારા પ્રયાસ ચાલુ રહેશે અને એવા કેમ્પેઈન પણ લોન્ચ કરીશું છે કે જેમાં મોટા પાયે લોકો જોડાઈ શકે. સરકારી પ્રક્રિયા મુજબ મારુ કેન્દ્રમાં એમપેનલમેન્ટમાં નામ આવ્યુ છે તેનો અર્થ બદલીનો થતો નથી.’