બીમાર સગાં પાસે દવાના પૈસા ન હતા, આરીફે જાતે જ નવી દવાઓ શોધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: પોતાના બીમાર સગાના ખબરઅંતર પૂછવા માટે ગયેલા એક યુવાને જોયું કે સારવાર ચાલુ છે પણ તેની ખાસ અસર નથી. થોડા દિવસ પછી તેને ખબર પડી કે હાલત કથળી છે અને તેને ખબર પડી કે યોગ્ય નિદાન જ થયું નહોતું. અને તે વ્યક્તિ મોંઘીદાટ સારવાર માટે નાણા ખર્ચી શકે તેમ નહોતી. આ ઘટનાએ ડૉ. તસ્લિમ આરિફને મેડિકલ ઇનોવેશન ક્ષેત્રે કઇ કરી છૂટવા માટે પ્રેરિત કર્યા હતા અને અહીંથી તેમની ઇનોવેશન યાત્રા શરૂ થઇ હતી. 

 

‘મન હોય તો માળવે જવાય ’ આ ઉક્તિને સાર્થક કરતા અમદાવાદના યુવાન તસ્લિમ આરિફે તે બાદ પાછળ વળીને જોયું નથી અને બાયોટેકનોલોજી ક્ષેત્રે અવનવી શોધ કરવા માટે ભારત સરકારનો નેશનલ આંત્રપ્રિન્યોરશિપ એવોર્ડ 2017ના વિજેતા બની કર્યુ છે. શહેરની સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી  સાયન્સ ગ્રેજ્યુએટ થયેલા તસ્લિમ આરીફ સૈયદે અમેરિકા અને જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ કરી ન્યુરોસાયન્સ અને ન્યુરોડી જનરેશન ક્ષેત્રે અનેક શોધ કરી માનવીને સાયન્સનો મહત્તમ લાભ થાય તે દિશામાં કામ કર્યું છે. જે કારણે  તેમને દુનિયાના પ્રખ્યાત ફોર્બ્સ મેગેઝિનના કવરપેજ પર સ્થાન આપવામાં આવ્યું છે.

 

અમદાવાદના રાયખડ વિસ્તારમાં કિનારીવાળી ચાલીમાં રહેતા તસ્લિમ આરીફ સૈયદના પિતા ટી.એમ. સૈયદ ગુજરાત સરકારના સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ વિભાગમાં કાર્યરત હતા જ્યારે તેમના માતા એમ.ટી.સૈયદ બી.એસ.એન.એલ.માં ફરજ બજાવતાં હતાં. સૈયદના માતાપિતાએ પુત્રની કારર્કિદી ઘડવામાં સિંહફાળો આપ્યો છે. સામાન્ય રીતે કોઈપણ માતાપિતા થોડું ભણી લીધા પછી સંતાનને પોતાની નજીક રાખવા માંગતા હોય છે. પરંતુ આ પરિવારના કિસ્સામાં આનાથી ઊલટું હતું સૈયદ પરિવારે તેમના પુત્રની ઈચ્છાને હંમેશાં માન આપી પોતાના વિચારો તેના પર થોપવાના બદલે તેની કારર્કિદી પોતાની રીતે ઘડવામાં હંમેશાં મદદ કરી છે.

 

મધ્યમવર્ગીય પરિવારના સૈયદે જ્યારે વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે માતાપિતાએ પોતાની જીવનમૂડી તેના સ્વપ્નને પૂરું કરવા પાછળ વાપરી નાંખવાનો નિર્ધાર કરી તેને પ્રોત્સાહન આપ્યું હતું જેનું પરિણામ આજે તેમની સામે છે. ડો.તસ્લિમ આરીફ સૈયદ હાલમાં બેંગ્લોરખાતે ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગના  સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર પ્લેટફોર્મ્સના ડાયરેક્ટર અને સી.ઈ.ઓ. તરીકે ફરજ બજાવે છે સાથોસાથ તેઓ ગુજરાત સરકારના બાયોટેકનિશિયન વિભાગના એક્સપર્ટ એડ્વાઈઝરી બોર્ડના મેમ્બર પણ છે.


ડો.તસ્લિમ આરીફ સૈયદે જણાવ્યું હતું કે આપણા  દેશ માટે ઈનોવેશન્સ જરૂરી છે,સમગ્ર દુનિયામાં અનેક દેશો એવા છે જે બીમારીઓના નિવારણ માટે ઇનોવેશન કરે છે, પણ મેલેરિયા, ડેન્ગ્યુ, જોન્ડિસ, મેનિન્જાઇટિસ જેવી બીમારીઓ પાછળ ખાસ કામ થતું નથી. અને તેથી આ ક્ષેત્રે ઇનોવેશન કરવાનો પ્રણ કર્યો હતો.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...