અમદાવાદનું કર્ણાવતી આસાન નથી, હેરિટેજ સિટીનો દરજ્જો પણ છીનવાઈ શકે

નામ બદલવાથી સાંસ્કૃતિક સહઅસ્તિત્વના દાવા સામે પ્રશ્નાર્થ ઊભો થઈ શકે છે

DivyaBhaskar.com | Updated - Nov 10, 2018, 05:14 PM
અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગેની ચર્ચાઓ ફરીથી જોર પકડી રહી છે
અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગેની ચર્ચાઓ ફરીથી જોર પકડી રહી છે

અમદાવાદ: યોગી આદિત્યનાથે નામ બદલવાનો સપાટો બોલાવ્યા પછી ગુજરાત ભાજપના નેતાઓને પણ દાયકાઓથી હાંસિયામાં ધકેલી દીધેલો મુદ્દો યાદ આવ્યો છે અને હવે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગેની ચર્ચાઓ ફરીથી જોર પકડી રહી છે. જોકે, અમદાવાદનું નામ બદલાવવામાં આવે તો શહેરને મળેલ હેરિટેજ સિટીના દરજ્જા સામે પણ પ્રશ્નાર્થ ઊભા થઈ શકે છે. કારણ કે અમદાવાદના હેરિટેજ સ્થાપત્યો, ઈમારતોમાં ઘણાં ખરાં મુસ્લિમ શાસકોના સમયમાં બંધાયેલા છે. એથી વિરુદ્ધ, કર્ણદેવ સોલંકીના વખતના બાંધકામો ભાગ્યે જ અસ્તિત્વ ધરાવે છે. આથી નામ બદલવાનો ઉત્સાહ ભારે પણ પડી શકે છે.


માત્ર ચૂંટણીલક્ષી હેતુ

નામ બદલવાની કવાયત જો થાય તો તેનો હેતુ માત્ર અને માત્ર ચૂંટણી જીતવા પૂરતો જ હશે. કારણ કે, એંશીના દાયકામાં સૌ પ્રથમ વખત આ માગણી ઊઠી હતી. એ મુદ્દા પર ભાજપે સૌ પ્રથમ વખત અ.મ્યુ.કો.માં સત્તા પણ મેળવી હતી. પરંતુ ત્યાર પછી એ મુદ્દો સદંતર વિસરાઈ ગયો હતો. હવે સતત 13 વર્ષથી અ.મ્યુ.કો.માં ભાજપનું શાસન છે. રાજ્યમાં સતત 25 વર્ષથી ભાજપ સત્તા પર છે અને કેન્દ્રમાં પણ સત્તા મેળવ્યાની પ્રથમ ટર્મ પૂરી થવા આવી છે.


અગાઉ પણ પ્રયાસો થયા હતા

28 વર્ષ અગાઉ 1990માં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનો ઠરાવ પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. પરંતુ તત્કાલીન સરકાર દ્વારા એ નામંજૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેન્દ્રમાં વાજપેયીની સરકાર આવી ત્યારે ફરીથી ઠરાવ મોકલવામાં આવ્યો હતો પરંતુ વર્ષ 2002માં વાજપેયી સરકારે પણ નામંજૂર કર્યો હતો. વર્ષ 2000-2005ની ટર્મ માટે કોર્પોરેશનમાં કોંગ્રેસ સત્તા પર આવી ત્યારે અગાઉની બોડીએ પસાર કરેલ ઠરાવ રદ કરીને અમદાવાદનું નામ યથાવત જાળવી રાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

હેરિટેજનો દરજ્જો જોખમાઈ શકે

ગત વર્ષે જ અમદાવાદના સ્થાપત્યોની જાળવણી, સાંસ્કૃતિક વૈવિધ્ય વગેરે કારણોસર સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા શહેરને હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. આ દરજ્જો બે અલગ અલગ સંસ્કૃતિના સહઅસ્તિત્વ પર આધારિત હોય છે. સીદી સૈયદની જાળી, ઝુલતાં મિનારા, ત્રણ દરવાજા, ભદ્રકાળી મંદિર, જૂની હવેલીઓ વગેરે પૈકી મોટાભાગના સ્થાપત્યો મુસ્લિમ શાસકોના સમયમાં બનેલાં છે. અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાથી સાંસ્કૃતિક સહઅસ્તિત્વ સામે પ્રશ્ન ઊભો થઈ શકે છે.

નામ બદલવા માટે કરવી પડે આટલી કાર્યવાહી

* સૌ પ્રથમ ગુજરાત પ્રદેશ ભાજપે ઠરાવ પસાર કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા ધરાવતા ભાજપ શાસિત મ્યુનિસિપલ બોર્ડને નામ બદલવા અંગે આદેશ કરવો પડે.

* ત્યારબાદ કોર્પોરેશનમાં ઠરાવ બે તૃતિયાંશ બહુમતિથી પસાર થાય એટલે રાજ્ય સરકારને મોકલવો પડે.

* રાજ્ય સરકારની ભલામણથી ઠરાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવે.

* એ પછી કેન્દ્ર સરકાર દરેક સ્થિતિને ધ્યાનમાં રાખીને મંજૂરી આપે તો સત્તાવાર રીતે નામ બદલાય.

X
અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગેની ચર્ચાઓ ફરીથી જોર પકડી રહી છેઅમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગેની ચર્ચાઓ ફરીથી જોર પકડી રહી છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App