અમદાવાદમાં પ્લાન પાસ ન થતાં બિલ્ડરોને 8 હજાર કરોડનો ફટકો, હવે સરકાર સામે લડશે

ઓનલાઈન પ્લાન પાસ કરતા સોફ્ટવેરમાં 14 વખત સુધારા છતાં સ્થિતિ ન સુધરી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:14 AM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: પાંચ મહિનાથી પ્રોજેક્ટના પ્લાન થતાં નથી. આની સૌથી વધુ અસર કન્સ્ટ્રક્શન ઉદ્યોગ પર નભતા લગભગ 1 કરોડ લોકોને થઈ છે અને તેમની રોજી રોટી છીનવાય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. બિલ્ડરોએ 8 વખત રજૂઆત કર્યા છતાં હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આખરે શનિવારે ગાહેડ ભવન ખાતે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા બિલ્ડરો, એન્જિનિયર, આર્કિટેક્ટ, કોન્ટ્રાક્ટરો સહિત 400થી વધુ લોકોની બેઠક મળી હતી. જેમાં સરકારની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી હવે જો પ્લાન કરવાની ઓફલાઈન સિસ્ટમ અમલમાં ન મૂકાય તો ગુરુવારથી સરકાર સામે અસહકારનું આંદોલન કરવાનો ઠરાવ પસાર કરાયો હતો. અગાઉ ઓફલાઈનમાં અમદાવાદ મ્યુનિ.માં 100 પ્લાનની સામે 40ને મહિને રજાચિઠ્ઠી મળતી હતી. ઓનલાઈનથી ચાર મહિનામાં 388માંથી માંડ 78 પ્લાન પાસ થયા છે અને તે પણ માત્ર બંગલા અથવા બે પ્લોટને એકમાં મર્જર કરવાના. ઉદ્યોગે હવે સોફ્ટવેર કંપની સામે ફોજદારીની માગણી કરી છે.

ગાહેડ પ્રમુખ આશિષ પટેલ અને ક્રેડાઈના ડિરેક્ટર નિતેશ શાહ સાથે થયેલી વાતચીતને આધારે

ઓનલાઈન પ્લાન પાસિંગ સિસ્ટમ ક્યારે અને શા માટે અમલમાં મૂકવામાં આવી હતી?

- આ સિસ્ટમ 7 મે 2018એ અમલમાં મૂકવામાં આવી હતી. તેનો હેતુ પારદર્શિતા લાવવાનો અને ભ્રષ્ટાચારને દૂર કરવાનો હતો.

ઓનલાઈન પ્લાન પાસિંગ સિસ્ટમની શું સ્થિતિ છે?
- પાંચ મહિનાથી પ્લાન ઓનલાઈન પાસ થતા નથી. પ્લાન ઓફલાઈન પણ સ્વીકારવામાં ન આવતા બાંધકામ ઉદ્યોગ ઠપ થઈ ગયો છે.

પ્લાન ઓનલાઈન પાસ ન થવાનું કારણ શું?
- સોફ્ટવેર તૈયાર કરનારી એજન્સી અને સરકારી અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ સૌથી મોટું કારણ છે. કોમન જીડીસીઆર 388 પાનાનો છે. દરેક બિલ્ડિંગનો પ્લાન અલગ હોય છે. સોફ્ટવેરમાં 200 લેયર હોવા છતાં તે

જીડીસીઆર સાથે મેચ નથી થતું.

અમદાવાદમાં દર મહિને સરેરાશ કેટલા પ્લાન પાસ થતા હતા? અત્યારે સ્થિતિ શું છે?
-શહેરમાં દર મહિને સરેરાશ 220 પ્લાન પાસ થતા હતા. આ ગણતરીએ આંકડો માંડીએ તો પાંચ મહિનામાં 1 હજારથી વધુ પ્લાન પાસ થવા જોઈએ. પરંતુ હાલની સ્થિતિ એ છે કે માત્ર 125 પ્લાન પાસ થયા છે. સામાન્ય રીતે એક મહિનામાં પ્લાન પાસ થઈ જાય છે. પરંતુ અત્યારે ત્રણ-ત્રણ મહિનાનો સમય લાગે છે.

અત્યાર સુધી કેટલી રજા ચિઠ્ઠી અપાઈ છે?
- કોર્પોરેશનમાં ઈન્વર્ડ થયેલા 388 પ્લાન સામે માત્ર 78ને રજા ચિઠ્ઠી મળી છે. જ્યારે ઔડામાં ઈન્વર્ડ થયેલા 100 પ્લાન સામે માત્ર 40ને રજા ચિઠ્ઠી મળી છે. જટિલ અને ખામીયુક્ત પ્રક્રિયાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

ઓનલાઈન ડેવલપમેન્ટ પ્લાન પાસ સિસ્ટમ પછી શહેરમાં કેટલા પ્લાન પાસ થયા?
- આ સિસ્ટમ અમલમાં આવ્યા પછી મ્યુનિસિપલ કોર્પોરેશને 25 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા એકપણ હાઈરાઈઝ બિલ્ડિંગના પ્લાનને મંજૂરી આપી નથી. માત્ર એક પ્લાન પાસ થયો છે. પણ તેને ઔડાએ મંજૂરી આપી છે.

ઓનલાઈન સિસ્ટમથી બાંધકામ ઉદ્યોગના ટર્ન ઓવર પર શું અસર થઈ છે?
- ખામીયુક્ત સિસ્ટમને કારણે રાજ્યભરમાંથી 4 હજાર પ્રોજેક્ટના પ્લાન પાસ થયા નથી. પ્લાનને મંજૂરી ન મળતાં માત્ર અમદાવાદના ટર્ન ઓવરમાં 8 હજાર કરોડનો અને રાજ્યના ટર્ન ઓવરમાં 50 હજાર કરોડનો ઘટાડો થયો છે. આ ઉપરાંત કોર્પોરેશને મહિને દોઢથી બે કરોડની આવક ગુમાવવી પડી છે.

વિલંબની ડેવલપર-ગ્રાહકો પર શું અસર?
- જમીન ખરીદવા ડેવલપર્સે રોકેલા કરોડો રૂપિયા પર વ્યાજનું ભારણ ઊભું થયું છે. ગ્રાહકોને સમયસર યુનિટ મળશે નહીં. વિલંબથી પ્રોજેક્ટ કોસ્ટ વધતાં ઘર, ઓફિસ અને દુકાનોની કિંમતમાં પણ વધારો થશે.

રિયલ એસ્ટેટ ઠપ થતાં ભવિષ્યમાં બજાર પર કેવી અસરો પડી શકે છે?
-બાંધકામ ઉદ્યોગ પર લગભગ 280 ઈન્ડસ્ટ્રી નભે છે. જીડીપીમાં ઉદ્યોગનો 9 ટકા હિસ્સો છે. રાજ્યમાં 25 લાખ શ્રમિક પરિવાર (અંદાજે 1 કરોડ લોકો)ની રોજી રોટી છીનવાશે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App