Home » Gujarat » Gujarat Ni Gupshup » Spacial Article of ramesh tanna in DivyaBhaskar.com

ગુજરાતીઓનો ઓગળતો માતૃભાષા પ્રેમ વિરુદ્ધ UPSCની પરીક્ષામાં ગુજરાતી સાહિત્ય વિષય માટે વધતો પ્રેમભાવ

Divyabhaskar.com | Updated - Apr 28, 2018, 08:14 PM

રમેશ તન્નાનો દિવ્યભાસ્કરડોટકોમ માટે ગુજરાતી ભાષા અને UPSCની પરીક્ષા ખાસ લેખ

 • Spacial Article of ramesh tanna in DivyaBhaskar.com
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ઉત્સવ પરમાર અત્યારે અમદાવાદ દૂરદર્શનમાં ફરજ બજાવે છે
  અમદાવાદઃ ગુજરાતીઓની માતૃભાષા ગુજરાતી માટેની પ્રીતિ અજબ-ગજબ છે. આ પ્રીતિ સામસામેના બે છેડાની હોય તેવું પણ લાગે. હજી હમણાં તો 50-55 વર્ષ પહેલાં ગુજરાતીઓએ ગુજરાતી ભાષાને માધ્યમ બનાવીને બૃહદ્ મુંબઇ રાજ્યમાંથી છુટા પડવા આંદોલન કર્યું. ગુજરાતી ભાષકોનું અલગ રાજ્ય. ભાષાવાર રાજ્યરચના સામે કેન્દ્રસરકાર અને કૉંગ્રેસનો વિરોધ હતો એટલે મહાગુજરાત આંદોલન થયું. 1960માં ગુજરાતી ભાષા બોલતા લોકોનું સ્વતંત્ર રાજ્ય બન્યું ગુજરાત.

  2018માં શું થયું ? ગુજરાત સરકારે વિધાનસભામાં કાયદો કરવો પડ્યો કે રાજ્યમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી વિષય ભણાવવાનું ફરજિયાત. માત્ર 50-55 વર્ષમાં તો ગુજરાતીઓએ ગુજરાતી ભાષાને છોડી દેવાનું શરૂ કર્યું. અલ્યા, હજી હમણાં તો તમે ગુજરાતી ભાષાના નામે સ્વતંત્ર રાજ્ય લીધું હતું અને એટલી વારમાં ગુજરાતી ભાષાને ભૂલી ગયા. તેને છોડવા માંડ્યા ! ગરજ સરી એટલે વૈદ્ય વેરી ? ગુજરાતમાં ગુજરાતી માધ્યમની શાળાઓ ટપોટપ બંધ થઇ રહી છે અને ઇંગ્લિસ મિડિયમની સ્કૂલો ધડાધડ ખુલ્લી રહી છે.
  ગુજરાતીઓને હવે માતૃભાષા ગુજરાતીમાં ભણતાં અને બોલતાં શરમ આવે છે, ડર લાગે છે, નાનમ અનુભવાય છે. વિશ્વભાષા અંગ્રેજીમાં તેમને જીવનની તમામ પ્રકારની સફળતાનાં દર્શન થાય છે. ગુજરાતી પરિવારનું બાળક ગુજરાતી ભાષામાં બોલે તો તેને ઠપકો અપાય છે, સજા કરાય છે અને અંગ્રેજીમાં(ભલે ખોટું) બોલે તો તેને શાબાશી મળે છે.ભલે આખા વિશ્વમાં વારંવાર સાબિત થયું હોય કે પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું જોઇએ તો પણ આપણે મનધાર્યું કરીશું નવી પેઢીને ગુજરાતીમાં નહીં જ ભણાવીએ આ એક ચિત્ર છે.
  બીજું એક ચિત્ર આ જ વિષયનું છે પણ થોડું જુદું છે. હમણાં યુપીએસસીનું પરિણામ આવ્યું. જે 19 ગુજરાતી યુવાનો મુખ્ય પરીક્ષામાં સફળ થયા છે તેમણે વૈકલ્પિક વિષય તરીકે ગુજરાતી સાહિત્ય વિષયને પસંદ કર્યો
  છે.પ્રાથમિક કક્ષાએ ગુજરાતીની ધરાર ઉપેક્ષા અને સનદીની પરિક્ષામાં-ટોચ પર ગુજરાતી સાહિત્યની બોલબાલા ! ગુજરાતી યુવક-યુવતીઓ સિવિલ સર્વિસમાં જવા માટે હવે અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષાઓ પાસ કરે છે. ત્રણ તબક્કામાં આ પરીક્ષાના કોઠા ભેદવાના હોય છે.
  પ્રિલિમ પરીક્ષા ખાસ કરીને મુખ્ય પરીક્ષા માટે ક્વોલીફાઇ થવાનું હોય છે. એ પછી મુખ્ય પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યુ થાય. મુખ્ય પરીક્ષામાં કુલ નવ પેપર હોય તેમાં બે પેપર વૈકલ્પિક વિષયનાં હોય છે. એમાં મોટાભાગના ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્યને પસંદ કરે છે. એમાં સ્પર્ધકે બે પ્રશ્ન પત્રનો સામનો કરવાનો હોય છે. પહેલું પેપર વ્યાકરણ, સાહિત્ય સ્વરૂપો, વિવેચન વગેરે પ્રકારનું હોય છે તો બીજું પેપર સાહિત્યિક કૃતિઓનું હોય છે. તેમાં 19 કૃતિઓ ભણવાની હોય છે. મધ્ય કાલીન, આર્વાચીન એમ વિવિધ કૃતિઓ ભણીને પરીક્ષા આપવાની હોય છે. સિવિલ સર્વિસની પરીક્ષા આપતા ભાવિ સનદી અધિકારીઓ વસંતવિહાર ભણે અને હિંદ સ્વરાજ પણ શીખે. તેમને સુદામા ચરિત, પાટણની પ્રભુતા પણ ભણવાનું આવે.
  આ વર્ષના પ્રારંભે અન્ય જે સ્પર્ધકો સફળ થયા હતા તેમણે પણ ગુજરાતી સાહિત્યને વિષય તરીકે પસંદ કર્યો હતો. 2015ની બેચના આઇ.આઇ.એસ. (ઇન્ડિયન ઇન્ફર્મેશન સર્વિસ) ઉત્સવ પરમાર કહે છે, "યુપીએસસીની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય વિષય પસંદ કરે છે તેનાં ઘણાં કારણો છે. અમદાવાદમાં(ખાસ કરીને સ્પીપામાં) રહીને અભ્યાસ કરતા સ્પર્ધકોને ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો તથા પ્રોફેસરો મળી રહે છે. આ ઉપરાંત સાહિત્યનો વિષય હોવાથી તેમાં બીજા વિષયો જેવી આંકડાની માયાજાળ નથી હોતી. અન્ય વિષયોની સાથે સાહિત્યનો વિષય સ્પર્ધકોને સંવેદનશીલ પણ બનાવે છે. " 2009-2010ની બેચના આઇએફએસ રોહિત વઢવાણા માટે તો આ વિષય મનગમતો હતો કારણ કે તેઓ નાનપણથી જ લખતા થઇ ગયા હતા. તેમનાં પણ ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. ઉત્સવ પરમાર અત્યારે અમદાવાદ દૂરદર્શનમાં છે તો રોહિત વઢવાણા નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયમાં ફરજનિષ્ઠ છે.
  ગુજરાતી સાહિત્ય સાથે આઇએએસ,આઇપીએસ કે આઇએફએસ થતા આપણા ગુજરાતી યુવાનો જ્યારે પોતાની ફરજ બજાવતા હશે ત્યારે તેમનાં હૃદયમાં ભાષા માટેની પ્રીતિ અને સંવેદનાની સ્થિતિ કાયમ જળવાઇ રહેતી હશે તેવું માનીએ તો તેમાં કશું ખોટું નથી !
  આલેખનઃ રમેશ તન્ના
 • Spacial Article of ramesh tanna in DivyaBhaskar.com
  રોહિત વઢવાણા નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયમાં ફરજનિષ્ઠ છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ