તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારણપુરાની જૈન શાળામાં 500 વર્ષ જૂના તાડપત્ર પર સંશોધન, વાંચવાલાયક બનાવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: નારણપુરા ક્રોસિંગ પાસે ઝવેરીપાર્ક દેરાસર સામે આ‌વેલા આ. સુરેન્દ્રસૂરિશ્વરજી જૈન તત્વજ્ઞાન શાળામાં આચાર્ય જગચ્ચચંદ્ર સૂરિશ્વરજી મ. સા. ડહેલાવાળાના માર્ગદર્શનમાં 500થી 1000 વર્ષ જૂના તાડપત્રોનો સંગ્રહ છે. આ તાડપત્રોમાં સંગ્રહિત જ્ઞાન અંગે લોકોને માહિતી મળે અને તેનો જીવનમાં ઉપયોગ થઈ શકે તે માટે આચાર્યના નેતૃત્વમાં 2011થી સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ સંશોધનના ભાગરૂપે શુક્રવારે ચેન્નઈથી વિદ્વાનો જ્ઞાનશાળામાં આવ્યા છે. 

 

શાળામાં જૂની-પુરાણી વસ્તુઓનો સંગ્રહ, જેમાં આ તાડપત્રો પણ સામેલ છે

 

આ વિદ્વાનો તાડપત્રમાં સંગ્રહિત જ્ઞાનના વિષયોની છણાવટ કરી રહ્યા છે. ત્યારબાદ નવેમ્બરમાં ફરી 10 વિદ્વાનોની ટીમ દ્વારા તેનું વિસ્તૃત અધ્યયન કરાશે. તત્વજ્ઞાન શાળાના પ્રમુખ ગુણવંત શાહે જણાવ્યું કે, 2011માં આ.જગચ્ચચંદ્રસૂરીશ્વરજી મ.સા. કોલકાતા ખાતે ચાતુર્માસ કરી રહ્યા હતા. એ સમયે તેમની મુલાકાત રાષ્ટ્રીય સંસ્કૃતિ સંસ્થાનના વિદ્વાન ડો. શશિભૂષણ મિશ્રા સાથે થઈ હતી. જ્યાં તેમણે આ તાડપત્રો અંગે ચર્ચા કરતાં ડો. મિશ્રા અમદાવાદ આવ્યા હતા અને આ તાડપત્રોનો અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ તમામ તાડપત્રો  તમિલ, તેલુગુ અને  ઉડિયા ભાષામાં લખાયેલા છે. 

 


શાહે વધુમાં જણાવ્યું કે, આચાર્ય હાલ ચેન્નઈ ખાતે ચાતુર્માસ કરી રહ્યા છે. ત્યારે તેમની મુલાકાત ત્યાં સંસ્કૃતના વિદ્વાન ડો.પી.પી. શ્રીધર ઉપાધ્યાય અને તેમની ટીમ સાથે થઈ હતી. તેમની સાથે તાડપત્રો અંગે ચર્ચા કરતા ડો.ઉપાધ્યાય ઉપરાંત ડો. સત્યનારાયણ હેચકે અને જી. સેલ્વા ગણપતિ શુક્રવારે અમદાવાદ આવ્યા છે.

 

આ રીતે વાંચવાલાયક બનાવી રહ્યા છે


તત્વજ્ઞાન શાળામાં સંગ્રહિત અનેક તાડપત્રો ખૂબ જ જૂના હોવાથી તે વાંચી શકાય તેવા નહતા. તેથી વિદ્વાનો દ્વારા તેને વાંચવાલાયક બનાવવામાં આવ્યા હતા, જેમાં આ તાડપત્રોને નુકસાન ન થાય તે રીતે લેમનગ્રાસ ઓઈલ, બ્લેક ઓક્સાઈડ પાઉડર અને સોલવન્ટથી સાફ કરાતા તમામ શબ્દો ઊભરી આવ્યા હતા.